Business

ભારતીય કોસ્ટ ગાર્ડની સફળ કાર્યવાહી: દ્વારકા નજીક ‘અલ મુખ્તાર’ બોટમાંથી કરોડોની કિંમતની વિદેશી સિગારેટ જપ્ત

દેવભૂમિ દ્વારકાથી આશરે 115 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરી ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને ઝડપી પાડી છે. બોટમાંથી અંદાજે 2.5 થી 5 કરોડ રૂપિયાની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ બોટમાં સવાર ચાર ઇરાની નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટગાર્ડે મધદરિયે ઓપરેશન શરૂ કર્યું હતું.

શંકાસ્પદ ગતિવિધિ ધરાવતી બોટને અટકાવી તપાસ કરતાં જહાજના હોલ્ડમાં ચાલાકીપૂર્વક બનાવેલ ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. ત્યાંથી અંદાજે 200 કાર્ટન, એટલે કે લગભગ 1 લાખ પેકેટ વિદેશી સિગારેટ મળી આવી. આ માલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2.5-5 કરોડ (આશરે) હોવાનો અંદાજ છે. વધુ તપાસ પૂછપરછ માટે બોટ અને ક્રૂ સભ્યોને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા. આ જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના દરિયાકાંઠે કોને સપ્લાય થવાનો હતો તે અંગે વિવિધ એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. ગુજરાતનો લાંબો દરિયાકાંઠો સ્મગલિંગ માટે ઉપયોગમાં લેવાતો હોવાના સંકેતો વચ્ચે સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ કાર્યવાહી સાથે ફરી એકવાર દરિયાઈ સુરક્ષા તંત્રની સતર્કતા સામે આવી છે.

Most Popular

To Top