હોસ્ટેલના તમામ રૂમોમાં સરપ્રાઈઝ ચેકીંગ સાથે તપાસ કરાઈ
ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે હોસ્ટેલના સ્થાનિક સ્ટાફ સિવાય કોઈને પણ તેની જાણ ન હતી





( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં નશાકારક પદાર્થો મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. જે બાદ વોર્ડન હરકતમાં આવ્યા હતા. મધરાત્રીએ હોસ્ટેલમાં ગુપ્ત રીતે કોઈને જાણ કર્યા વિના હોસ્ટેલ કેમ્પસમાં શિસ્ત જળવાઈ રહે અને સુરક્ષા સુદ્રઢ બને તે હેતુથી ચીફ વોર્ડન સહિત વોર્ડન અને સિક્યુરિટી ગાર્ડની જુદી જુદી ટીમો દ્વારા દરેક રૂમોમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વિવાદનો પર્યાય બનેલી એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મધરાત્રીએ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. હોસ્ટેલ કેમ્પસમાં શિસ્ત જળવાઈ રહે અને સુરક્ષા વ્યવસ્થા સૃદ્રઢ બને તે હેતુથી ચીફ વોર્ડન દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ગાઢ નિંદ્રામાં હતા અથવા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ત્યારે, બરાબર મધરાત્રીએ ચીફ વોર્ડન વિજય પરમારના નેતૃત્વમાં ચાર વોર્ડન અને સિક્યુરિટી જવાનોના કાફલાઓની અલગ અલગ ટીમો હોસ્ટેલના વિવિધ બ્લોકમાં ત્રાટકી હતી. આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે, હોસ્ટેલના સ્થાનિક સ્ટાફ સિવાય કોઈને પણ તેની જાણ ન હતી. દરેક રૂમમાં જઈને વિદ્યાર્થીઓના ઓરીજનલ આઈકાર્ડ ચેક કરાયા હતા. જેથી જાણી શકાય કે, રૂમમાં રહેનાર વિદ્યાર્થી અધિકૃત વિદ્યાર્થી છે કે કોઈ બહારનો વ્યક્તિ છે. હોસ્ટેલમાં નશાકારક પદાર્થો કે કોઈ પ્રતિબંધિત વસ્તુઓ તો નથી ને તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વોર્ડને જણાવ્યું હતું કે, રેગ્યુલર મોડ મુજબ અમે હોસ્ટેલમાં ચેકિંગ કરતા હોઈએ છીએ. વોર્ડનોની ટીમ બનાવીએ કાંતો ઈન્ડિવિઝ્યુલ અથવા સિક્યુરિટી સ્ટાફને લઈ એક મોટી ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળતા હોઈએ છીએ. જેથી કરીને હોસ્ટેલની અંદર ડિસિપ્લિન બની રહે અને જે હોસ્ટેલના નીતિ નિયમો છે એ છોકરાઓ ફોલો કરે છે કે નથી કરતા અથવા કોઈ સમસ્યા છે, તો તે પણ આ દરમિયાન છોકરાઓ જોડે ડાયરેક્ટ વન ટુ વન કરીને જાણી લેતા હોય છે. એ બાને એમ કહી શકાય કે, છોકરાઓ સાથે મળીએ છે. એમની સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ અને એ લોકો એવી આડી ગતિમાં તો જોડાયા નથી. એનો પણ અમે લુક આઉટ કરી શકીએ. હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું પણ કોઈ એવી નશાકારક પદાર્થ, ચીજ વસ્તુ મળી આવી નથી. જે પણ વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓ પાસે પોતાના આઈકાર્ડ પોતે ગંભીરતાપૂર્વક રાખે છે અને કેટલાક રૂમમાં અમે છોકરાઓને ટકોર કરી છે કે, થોડી સફાઈ રાખો અને જે પણ કાંઈ હોસ્ટેલની એસેસરીઝ છે, એનું ધ્યાન એનુ મેન્ટેન કરે અને વોર્ડનને પણ ટકોર કરીએ છીએ કે જ્યાં જ્યાં જે પણ સાફ-સફાઈ રાખવાની હોય હેલ્થ આયોજનના પ્રશ્નો જો એ કરવાના હોય તો એ પણ કરતા જાય.