SURAT

સબકા સાથ સબકા વિકાસ સાથે વિકાસને જાળવી રાખતું બજેટ: ચેમ્બર ઓફ કોમર્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સવારે વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સામાન્ય બજેટમાં ઉદ્યોગ જગત માટે કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં સેમિકન્ડક્ટરથી લઈને ટેક્સટાઇલ અને MSME ઉદ્યોગો માટે વિશેષ પેકેજ અને યોજનાઓની જાહેરાત કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ભારતમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે સ્પેશિયલ સ્કીમની માંગ કરવામાં આવી હતી. બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા ફંડની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ચેમ્બર દ્વારા ક્લસ્ટર વાઈઝ અપગ્રેડેશન ફંડની પણ માંગ કરવામાં આવી હતી, જેની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ બજેટમાં લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થઇ છે. સામાન્ય બજેટ સબકા સાથ સબકા વિકાસ સાથે વિકાસને જાળવી રાખતું વિકાસશિલ બજેટ છે.

આ ઉપરાંત ચેમ્બરે લોજીસ્ટીક કોસ્ટ ઘટે એવી જોગવાઈ કરવાની માંગ કરી હતી. નાણામંત્રીએ MSME માટે લિક્વિડીટી સપોર્ટની જાહેરાત કરી હતી. નાના ઉદ્યોગો માટે લિક્વિડીટી સપોર્ટ હેતુ ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામની જાહેરાત થઈ છે. સેલ્ફ ઇન્ડિયા ફંડ બનાવવામાં આવશે, જેનાથી માઈક્રો એન્ટરપ્રાઇઝને સીધી મદદ મળશે, ક્રેડિટ ગેરંટી સપોર્ટ મિકેનિઝમ ઊભું કરવામાં આવશે અને જેમ પોર્ટલને ટ્રેડ સાથે લીંક કરવામાં આવશે. પ્રોફેશનલ સપોર્ટ માટે સરકારી સંસ્થાઓને મોડ્યુલર કોર્સ ડિઝાઇન કરવા નિર્દેશ આપ્યા છે.

ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, બજેટમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મેગા ટેક્સટાઇલ પાર્ક અને નેશનલ ફાયબર સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. રૂરલ વિસ્તારમાં ટેક્સટાઈલ ગ્રોથ માટે સ્પેશિયલ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી, જેની માંગ પણ ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા સુરતમાં ઘણા વખતથી ટેક્સટાઈલ યુનિવર્સીટીની પણ માંગ કરવામાં આવી રહી હતી. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ટેક્સટાઈલ યુનિવર્સીટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, માઈક્રો સ્મોલ ઇન્ટરપ્રાઇઝ માટે CGTMSE સ્કીમમાં પ્રતિ એકમ રૂપિયા ૧૦ કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે, જે રૂપિયા ૫ કરોડ સુધીની હતી. આ મામલે પણ ચેમ્બર દ્વારા ઘણા વખતથી માંગ કરવામાં આવી રહી હતી. આને કારણે સુરતનો આર્થિક વિકાસ બમણી ગતિથી વધશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું હતું કે બજેટમાં કસ્ટમ વેરહાઉસિંગ ફ્રેમવર્ક અંતર્ગત કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયામાં ફેસલેસ મિકેનિઝમ અમલમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી પારદર્શકતા વધશે અને સમય તથા ખર્ચમાં ઘટાડો થશે. કસ્ટમ વિભાગમાં એડવાન્સ રુલિંગની બાઈન્ડીંગની સમય મર્યાદા જે હાલમાં ત્રણ વર્ષની છે તેને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે, જેના કારણે વેપારીઓને લાંબા ગાળાની નીતિ સ્પષ્ટતા અને વ્યવસાયમાં સ્થિરતા મળશે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ માટે લાગુ પડતા ટીસીએસ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે, જેનાથી મધ્યમ વર્ગ અને પ્રવાસ તથા સેવા ક્ષેત્રને રાહત મળશે.

ચેમ્બરના માનદ્ મંત્રી બિજલ જરીવાલાએ કહ્યું હતું કે બજેટમાં ટેક્સટાઈલ અને લેધર પ્રોડક્ટના એક્સપોર્ટ માટે સ્પેસિફિક રો મટીરિયલ પર ઈમ્પોર્ટ ડ્યુટી નાબુદ કરવાની જાહેરાત કરાઈ હતી. એક્સપોર્ટ ઓબ્લિગેશન પૂર્ણ કરવા માટેના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. MSME માટે માઇક્રો ઇન્ટરપ્રાઇઝ માટે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ રચાશે. નેશનલ હેન્ડલુમ પોલિસી દ્વારા કારીગરોને પ્રોત્સાહન અને મદદ મળશે, જેમાં એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટેકનિકલી મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, મહાત્મા ગાંધીગ્રામ સ્વરાજ અંતર્ગત ખાદી અને હસ્ત કલાના પ્રોડક્શન, ટ્રેનિંગ અને માર્કેટ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને વેગ આપવામાં આવશે. આ ઉપરાંત, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM ૨.૦) દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે ભારતને સુસજ્જ કરવા માટે પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત પ્રોડક્શન ઇન્ડિયન આઇપી અને સપ્લાય ચેઇન બનાવવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ચેમ્બરના માનદ્ ખજાનચી મિતીષ મોદીએ કહ્યું હતું કે, બજેટમાં સીટી ઇકોનોમિક રીજન (CER) અંતર્ગત પાંચ વર્ષ માટે રૂપિયા ૫૦૦૦ કરોડની પ્રતિ CER દીઠ ફાળવ્યા છે. તે ઉપરાંત, ખેતી ક્ષેત્રમાં પણ AI ટુલ્સનો બહુ ભાશીય ઉપયોગ થઇ શકે તે હેતુથી BHARAT VISTAAR યોજના અંતર્ગત ફાળવણી કરી છે. MSME ગ્રોથ ફંડમાં રૂપિયા ૧૦૦૦૦ કરોડની ફાળવણી કરી છે. પરિણામે, સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ ક્ષેત્રના તથા અન્ય ક્ષેત્રના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ઔદ્યોગિક વિકાસ કરવા માટે બળ મળશે. બીજી તરફ, ૧લી એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવનાર નવા ઇન્કમ ટેક્સ એક્ટમાં સહકારી મંડળીની વ્યાખ્યા વિસ્તૃત કરીને મલ્ટી સ્ટેટ કો – ઓપરેટીવ સોસાયટીને પણ સામેલ કરવામાં આવી છે અને તેથી હવે મલ્ટી સ્ટેટ કો – ઓપરેટીવ સોસાયટી પણ ટેક્સ ઈયર ૨૦૨૬-૨૦૨૭થી ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ કર કપાતના લાભો મેળવી શકશે. આ ઉપરાંત, કેટલ ફીડ અને કોટન સીડસની પ્રવૃત્તિમાં રોકાયેલી સહકારી મંડળીઓને પણ કમાયેલી આવકને કર કપાતનો લાભ આપનારી દરખાસ્ત ખુબ જ આવકારદાયક છે.

Most Popular

To Top