Comments

ચમન-ચલ્લી શેખચલ્લીનો સાઢુભાઈ નથી!

દુનિયામાં માણસોનો રાફડો તો મોટો પણ એમાંથી નક્કર હસમુખો માણસ શોધવા માટે ધૂળધોયા જેવી વૃત્તિ જોઈએ. બાકી જગતમાં આનંદી માણસોનો દુકાળ નથી. અમુક ટાણાટાણે કટાણાં મોંઢાં કરે એ જુદી વાત છે. બ્રહ્મ કરતાં ‘ભ્રમ’ તો વધારે જ નીકળવાના. શરીરની ડીઝાઈન બધાની સરખી હોય, પણ કપાળે કપાળે બુદ્ધિ જુદી! એટલે કે જેવાં ઘરેણાં તેવી ડીઝાઈન જેવું! બુદ્ધિ હોય તો બારડોલી જવાય કે કેમ, એની ખબર નથી, પણ મન હોય તો માળવે જવાય, એવું વડીલો કહી ગયેલા. કારણ કે મનને સિધ્ધાંત આડા આવતા નથી. સમય-સ્થિતિ અને સંજોગ પ્રમાણે મન વધારે ઝડપ પકડે. ક્યારેક શેરડી સાથે ઢીંઢણ પણ પીલી નાંખે. કોણ કોની અડફટે ક્યારે આવે તેના ઉપર બધું છે.

ત્યારે બુદ્ધિનું કામકાજ અલગ. યોગ્ય લાગેલી બુદ્ધિ, બીજી વાર બુઠ્ઠી પણ નીકળે. તુંડે તુંડે મતિર્ભિન્ના! બધા જ માણસો હાસ્યના પેકેજ સાથે જનમ લેતા નથી. એમાં અમારો ચમન-ચલ્લી એટલે, એનાં બધાં જ કરતૂતનો છેડો છેલ્લે ‘હાસ્ય સમાપયેત’માં જ કાઢે. નાનપણમાં પીપ ભરીને હાસ્યનું ઓસડ પીને ઉછરેલો હોય, એમ શોકસભામાં પણ ‘જોક-સભા’ કરી આવે! એટલો હસમુખો. જિંદગીથી હતાશ થયેલા દર્દીને ડોક્ટર દવા નહિ આપે, ચમન-ચલ્લીને મળવાની પ્રિસ્ક્રીપ્શન લખી આપે એવો! હસો છો શું યાર?

એ જીવ જ એવો કે, એની સાથે હાથ મિલાવીએ તો હથેળી પણ હસવા લાગે.! વૃક્ષ ઉપર પાકેલાં ફળ જેટલો મીઠો. ચમન-ચલ્લીનું નામ પડે એટલે મહેફિલમાં સૌના હોઠ હસવા માંડે. આ તો એક વાત કે, જેનાં મોંઢાં કાયમના સવાલ ચિન્હ જેવા હોય, એ ચલ્લીને મળે તો ક્ષણમાં હસતો ‘ઈમોજી’ બની જાય. તંઈઈ..? આમ તો એની ઉંમર, માત્ર ૧૬૪૩૨ દિવસની..! પણ કાકાગીરીને હાસ્યગીરી એવી કે, લોકો એને ચલ્લી-કાકાથી જ ઓળખે. બાકી કોઈપણ ખૂણાથી એ શેખચલ્લીનો સાઢુભાઈ નથી..!

 જો બાવા..! બાપદાદા ભલે વારસામાં ભમરડા મૂકી ગયા હોય, બાકી આવો એક ઇસમ મૂકી ગયા હોય તો, પણ જીવન હરા-ભરા કબાબ જેવું બની જાય. ચલ્લીકાકાની ખૂબી જ એવી કે, લોકો માખીમાંથી ચરબી કાઢે, ત્યારે ચલ્લી માખીની ચરબીમાંથી ચ્યવનપ્રાસ બનાવે. એનું મગજ ૨૪ કલાક હાસ્ય સાથે જોડાયેલું હોવાથી, એણે ક્યારેય વિષાદ-વિહાર કર્યો નથી. યુવાનો યુવાની બતાવવા જુસ્સામાં કામ કરે, ત્યારે ચલ્લી જેમ જુસ્સો વધારે એમ યુવાન બને! જુસ્સો પણ પાછો જેવો તેવો નહિ, સવારે મરઘાં કરતાં વહેલો ઊઠે. મરઘાંઓએ એલાર્મ ગોઠવ્યું હોય એમ, ચલ્લી ઊઠે પછી જ મરઘાં ‘કુકરેકુક’ કરે! પૂજા-પાઠ કરતી વેળા મંત્રોચ્ચારનો અવાજ તો એવો કાઢે કે, આખું ઘર ગજાવી દે!

ઘરમાં સૂતેલા પણ પથારી ઉઠાવીને મંદિરના ઓટલે સૂવા ચાલી જાય! પણ ભૂલકણા બહુ. પૂજાપાઠ શ્રીકૃષ્ણનાં કરે, પણ માતાજીની પણ ગાઈ નાંખે. એક વાર એમનાં ચશ્માં ખોવાઈ ગયેલાં. આખું ઘર ખાંખાંખોળાં કર્યું, પણ ચશ્માં મળ્યાં નહિ. વાસ્તવમાં ચશ્માં એમના કપાળ ઉપર જ ચોંટેલા હતા. આવી જાનબાજ વ્યક્તિની મૂડી જેના ઘરમાં હોય, એ દુનિયાના શ્રેષ્ઠ ધનિકોથી પણ અધિક ધનિક છે! કારણ કે, એમની પાસે અનુભવની મૂડી છે. વાસુદેવની માફક પાણીમાંથી પણ રસ્તો કાઢવાની ત્રેવડ છે. વિખ્યાત એટલા કે, ચમન-ચલ્લી નામ બોલે, એટલે સામેવાળો સમજી જાય કે, ઇસમ ફલાણા ગામનો છે.! બુદ્ધિના બાપ જેવો!

 એમણે એકવાર બેંકમાંથી બાઈક માટે લોન લીધેલી. છ મહિનાથી હપ્તા ભરેલા નહિ, એટલે, બેંકના જપ્તીદારો બાઈકને જપ્ત કરવા ઘરે આવ્યા. ચલ્લી કહે, એક કામ કરો, મારી વાઈફ, છોકરા ને મને પણ જપ્ત કરી જાવ. કારણ કે, મારા લગન વખતે લીધેલી લોનના હપ્તા પણ ભરવાના બાકી છે..! કહેવાનો મતલબ તમે કેટલી દિવાળી કાઢી એ મહત્ત્વનું નથી, કેટલા ફટાકડા ફોડ્યા એ મહત્ત્વનું છે. ચલ્લી ભણેલા ઓછું પણ ચોપડા વધારે ફાડેલા.

 એક દિવસ મને કહે, ‘ચાલ ને નાસ્તો કરવા જઈએ..!’ આપણને એમ કે, નાસ્તા માટે સંગાથ જોઈતો હશે. હોટલમાં ગયા અને ચલ્લીએ દિલ્હીનો વાઈસરોય ઓર્ડર આપે એમ વટથી ઓર્ડર આપ્યો. નાસ્તો કર્યા પછી ૩૦ રૂપિયાનું બીલ આવ્યું તે મને પકડાવી દીધું. મને કહે, ‘લે, હવે પૈસા ચૂકવી દે..!’ મેં કહ્યું, ‘નાસ્તો કરાવવા તમે મને લઈ લાવ્યા ને પૈસા ચૂકવવાનું મને કહો છો..?’ મને કહે, ‘કમાલ છે, મારી પાસે પૈસા હોય તો એકલો આવીને નહિ કરી જાઉં..? પૈસા ખાતર તો હું તને સાથે લાવ્યો..! મેં કહ્યું, ‘હું તો વગર પૈસે આવ્યો છું.મારી પાસે પૈસા નથી.’

કાકો કહે, ‘oh my God, હવે શું થશે..?’ મેં કહ્યું, ‘હવે માર પડશે, બીજું શું..?’ મને કહે, ‘ચિંતા નહિ કર, હું બેઠો છું ને..? કાકાએ ફરીથી બીજો નાસ્તો મંગાવ્યો..! લેએએએએ..! મેં કહ્યું, ‘આ ૩૦ તો ચુકવાતા નથી ને, લાંબુ ક્યાં કરો છો..?’ મને કહે, ‘માર તો પડવાનો જ છે ને..? ૩૦ માં પણ માર પડવાનો ને ૫૦ માં પણ માર પડવાનો. માર તો સરખો જ પડવાનો..! કંઈ ખાધું હોય તો માર તો ઝીલાય..! ચલ્લીએ ખરેખર ૫૦ રૂપિયાનું બીલ કરી નાંખ્યું. મને કહે, ‘તું હવે ધીરેથી બહાર ગરકી જા.

માર પડે, તો તું એક તો બચે..! કાકા ધીમે રહીને ગલ્લા આગળ ગયા, થયું એવું કે, ગલ્લા ઉપર એક ગ્રાહક સાથે શેઠને પૈસાની બાબતમાં રકઝક ચાલતી હતી. પેલો કહે, ‘મેં ૨૦ ની નોટ આપી છે ને શેઠ કહે, તમે ૧૦ ની આપી છે. ચમનિયાએ પાંચ મિનીટ સુધી આ તાગ જોયા કર્યો. પછી કહે, ‘એ ભાઈ તમારી આ ૨૦ ની ને ૧૦ની લડાઈમાં, મારી ૧૦૦ ની નોટ ભૂલી નહિ જતાં હંકેએએએ..!’શેઠ કહે, ‘તમારું કેટલા રૂપિયાનું બીલ થયું છે..? ચલ્લી કહે, ‘૫૦ નું બીલ થયું છે, ૧૦૦ ની નોટ આપી છે, ૫૦ રૂપિયા પાછા આપો..! એના કપાળમાં કાંદા ફોડું, ચલ્લી ૫૦ નો નાસ્તો કરીને, ૫૦ ઉપરથી લઇ આવ્યો..! બોલો, આવાને મોંઘવારી નડે..?

 આવું જ્ઞાન પુસ્તકમાંથી નહિ મળે. આ તો ઠીક, એક કાકાએ મને એમના ઘરે કાર્યક્રમ માટે બોલાવેલો. મને કહે, ‘બરાબર નવ વાગ્યે આવી જજે.’ હું એક કલાક વહેલો કાકાને ત્યાં ગયો. તો કાકા બારણું બંધ કરીને સૂઈ ગયેલા. મેં ઉઠાડ્યા તો કહે, ‘અરે, હું તો ભૂલી જ ગયેલો કે, આજે તમને કાર્યક્રમ માટે બોલાવેલા. વાંધો નહિ, આવ્યા જ છો તો, આ ઓટલા ઉપર કરી નાંખો.’ મેં કહ્યું, ‘કાકા, લાઈટ નથી, માઈક નથી, શ્રોતા નથી, તો કેવી રીતે કાર્યક્રમ કરું..? મને કહે, ‘આપણે ક્યાં એવી શરત કરેલી કે, હું આવી બધી સવલત આપીશ..? આ તો બાજુવાળાનો કૂતરો રોજ સૂવા નહિ દે એટલે તને બોલાવેલો..! એના કપાળમાં કાંદા ફોડું, લોકોનાં કૂતરા સૂવા નહિ દે તો પણ કલાકારનો ઉપયોગ કરે બોલ્લો..!
 બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા
 બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખા

 લાસ્ટ બોલ
ચમન-ચલ્લી ઉપર એક સમારંભમાં હાજર રહેવાની આમંત્રણપત્રિકા આવી. એમાં ભોજન સમારંભનો સમય રાતે ૭ થી ૧૦ વાગ્યા સુધીનો લખેલો. ચમન-ચલ્લી ૭ વાગ્યાનો જમવા બેઠેલો તે રાતે ૧૦ વાગ્યા સુધી જમ્યો. મેં કહ્યું,’ કાકા તમે તો કમાલ કરી..? ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જમ્યા..! મને કહે,’યજમાનને ખોટું નહિ લાગવું જોઈએ કે, અંગત માણસે પણ જમવામાં ઉતાવળ કરી. પત્રિકામાં સ્પષ્ટ લખ્યું છે કે, ભોજન સમારંભનો સમય રાતે સાત થી દશ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top