ભણતર માટે અગિયારમા ધોરણમાં જો પ્રવેશ મેળવવો હોય તો દશમું ધોરણ પાસ કરવું પડે અને એ ફરજિયાત છે. એ યોગ્ય નિયમ છે. નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત હવે રાષ્ટ્રીય કક્ષાએ એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ ઊભી કરવામાં આવી છે. જે વિદ્યાર્થીએ પોસ્ટગ્રેજયુએટ થવું હોય તેમણે સૌ પ્રથમ એ.બી.સી.માં રજીસ્ટ્રેશન કરાવવું પડે એટલે કે તે પરીક્ષા આપે અને જે ક્રેડીટ મેળવે તે તેમાં જમા થશે. પણ આ પદ્ધતિ ઘણાં વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો સાબિત થઇ છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વિદ્યાર્થી પોતાના સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ દાખલ કરશે.
આધારકાર્ડ નંબર નાંખશે અને અહીં રજીસ્ટ્રેશન તો જ થશે. જો સ્કૂલ લીવીંગ અને આધાર કાર્ડમાં નામ સરખું હોય. પોસ્ટગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે આવતી અનેક યુવતીઓનાં લગ્ન થઇ ગયાં હોય. આવી દીકરીઓનું એ.બી.સી. ખુલતું નથી. કારણ કે તેમનાં નામ બંનેમાં જુદાં પડે છે. આ નામફેર ભૂલ નથી. આપણી પોતાની સમાજ વ્યવસ્થા છે. આ સંબંધિત ઉદ્દભવતા તમામ પ્રશ્નોનું નિરાકારણ લાવવું જ રહ્યું. આમાં એમ થઇ શકે કે આધાર કાર્ડમાં માત્ર પિતાના નામની સુવિધા છે તે સાથે પતિના નામની સુવિધા પણ કાયમી ધોરણે કરવામાં આવે તો શું વાંધો? પાનકાર્ડ અને પાસપોર્ટમાં આ સુવિધા છે તો આ જ બાબત આધારકાર્ડમાં કેમ નહીં?
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કારણ અકબંધ, આગ…!
વેરવિખેર કરનાર, ભસ્મીભૂત કરનાર, આગ શબ્દ જ ભયાનક લાગે. એની લપેટમાં આવતી કોઇ ચીજ વસ્તુને ભાગ્યે જ બચાવે. વર્તમાનપત્રો, ટી.વી. ન્યુઝ પર દરરોજ સમાચાર વાંચવા જાણવા મળે. તાજેતરમાં એક દુખદ સમાચાર મળ્યા કે આગ ઓલવવા કેટલાંય સ્થળોએ પૂરતાં સાધનો જ નથી. જે છે તે પૂર્ણ રીતે કાયરત નથી અથવા ખામીભર્યાં છે. સુરત, રાજકોટ, અમદાવાદ જેવાં શહેરોમાં સંખ્યા પણ અપૂરતી. ફાયરબ્રિગેડ છે. પહોંચે તે પહેલાં જ બધું રાખ થઇ ચૂકયું હોય. કયારેક સ્ટાફ અપૂરતો હોય. આગ જેવી ભયાનક ઘટના માટે જરૂરી પૂરતી કાળજી સત્વરે લેવાવી જોઈએ. કયારેક કારણ અકળ, અકબંધ, અજાણ જ રહે. છાશવારે બનતા આ બનાવો રોકવા જરૂરી. અલબત્ત સફળતા કોરી નથી.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.