Vadodara

વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ

માંડવી સબ ડિવિઝનના પાંચ ફીડરમાં આવતા 625 કનેક્શન ચકસવામાં આવ્યા :

પોલીસ બંદોબસ્ત સાથેની ટિમો દ્વારા સઘન ચેકીંગ બાદ વીજ ચોરો સામે વીજ અધિનિયમની કલમ 135 મુજબ કાર્યવાહી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

એમજીવીસીએલના વડોદરા માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટિમો દ્વારા પાંચ ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 625 જેટલા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 32 કનેક્શનોમાં વીજ ચોરીમાં અંદાજીત 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.

વડોદરા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જ્યારે બપોરના સુમારે ગરમીનો અહેસાસ થઈ રહયો છે. લોકો હજી પણ બપોરના સુમારે એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે. પંખા પણ ધમધમી રહ્યા છે. ત્યારે, હજી પણ શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસનો બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવમાં શહેરના પાણીગેટ રોડ દૂધવાલા મોહલ્લા ચુડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુકસવાર મોહલ્લો,પટેલ ફળિયા 1-2 ,યાકુતપુરા મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ રોડ, ચોરા પાસે, બુમલા વાળી ગલી, રેશમવાલાનો ખાંચો, અંબે માતાનો ખાંચો, ધૂળધોયાવાડ, ફતેપુરા, હાથીખાના ભાંડવાડા, મીઠા ફળિયા, ઊંડા ફળિયા, ગેંડા ફળિયા, રાવત શેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન કુલ 625 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 0.83 લાખ એમ મળી આશરે 30.4 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે વીજ અધિનિયમ 2003 ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. કલમ 135 માં એક તો પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણતરી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. આ સાથે જ દિવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.

Most Popular

To Top