Vadodara

લુણાવાડામાં આડા સંબંધના વ્હેમમાં શિક્ષક પર જીવલેણ હુમલો

શિક્ષક યુવતીને લઇ લગ્નમાં મુકવા જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ તેમને આંતરી લોખંડની કાંસથી મારમાર્યો

(પ્રતિનિધિ) લુણાવાડા તા.21

લુણાવાડાના હિન્દોલીયા ગામના માછી ફળીયામાં રહેતા શિક્ષક ગામની યુવતીને લઇ લગ્નમાં મુકવા જતાં હતાં, આ દરમિયાન યુવતીના કુટુંબીજનોએ તેમને રસ્તામાં રોકી આડા સંબંધનો વ્હેમ રાખી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે શિક્ષકે ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

લુણાવાડાના હિન્દોલીયા ગામમાં રહેતા ધુળાભાઈ રામાભાઈ માછી (ઉ.વ.56) લુણાવાડાના રામપુર પાદેડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. ધુળાભાઈ 20મી મેના રોજ ઘરે હાજર હતાં તે સમયે મગફળીના કામકાજ માટે મજુરો લેવા માટે સરસ્વા ઉત્તર ગામે જવાનું થયું હતું. આથી, તેઓ કાર લઇને એકલા નિકળ્યાં હતાં. તેઓ રસ્તામાં ગેસ પુરાવા માટે તેમજ બીજા કામ અર્થે લુણાવાડા ગયાં હતાં. આ દરમિયાન તેમને ગામની યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મજુરો લેવા સરસ્વા જવાના છો. તો અમારે ગોધર ઉત્તર લગ્નમાં જવાનું હોય અમને લેતા જશો. તેમ કહેતા ધુળાભાઈ લુણાવાડા બસ સ્ટેશન ગયા હતા અને ત્યાંથી બન્ને યુવતીને લઇ ગોધર ઉત્તર જવા નિકળ્યાં હતાં. તેઓ મોડાસા રોડે આગળ જતા લીંબડીયા ચોકડીથી પૂર્વમાં ખાનપુરવાળા રોડે થઇ ગોધર ગામથી થોડે દુર આગળ રોડના વળાંક પર એક કારે તેમને ફિલ્મીઢબે આંતર્યાં હતાં. આ કારમાંથી યુવતીના કુટુંબીજનો વિનોદ કાંતિ બારીયા લોખંડની ટોમી લઇ ઉતર્યો હતો.

આ ઉપરાંત અન્ય માણસો પણ તેની સાથે હતાં. આ લોકોએ ધુળાભાઈને નીચે ઉતારી માર મારી પોતાની કારમાં બેસાડી દીધાં હતાં. આ સમયે યુવતી પણ વચ્ચે પડતાં તેને પણ મારમાર્યો હતો. ધુળાભાઈ અને યુવતીને મારતા મારતા હિન્દોલીયા ગામમાં લાવ્યાં હતાં. જ્યાં વિનોદે તેના ઘરમાં ધુળાભાઈને હાથ પગે દોરડાં બાંધી દીધાં હતાં. આ લોકોએ ધુળાભાઈને તું આડા સંબંધો રાખે છે. તેમ કહી લોખંડની કાંસ લઇ પગના ઢીંચણ નીચે નળા પર ફટકા માર્યાં હતાં. આ ઉપરાંત લાકડીથી મારી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, બુમાબુમથી ફળિયાના માણસો ભેગા થઇ ગયા હતા અને પોલીસ પણ આવી જતાં ધુળાભાઈને છોડી તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે લુણાવાડા તાલુકા પોલીસે અશોક કાંતિ બારીયા, વિનોદ કાંતિ બારીયા, કાંતિ રત્ના બારીયા તથા કાશીબહેન કાંતિ બારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top