પલસાણા: (Palsana) બારડોલી તાલુકાના છીત્રા ગામની (Village) સીમમાં થયેલી યુવકની હત્યાનો (Murder) ભેદ ઉકેલાય ગયો છે. યુવકની હત્યા તેની સગી માસીની પુત્રીએ જ કરી હોવાની હકીકત સામે આવતા પોલીસે મહિલાની અટક કરી તપાસ શરૂ કરી છે.
- કુવાડિયાના યુવકની હત્યા તેની માસીની દીકરીએ કરી હતી
- શારીરિક અડપલાં કરતા ગુસ્સામાં આવી લાકડાના ફટકા માર્યા હતા
શુક્રવારે સાંજે છીત્રા ગામની સીમમાં ખેતરાડી રસ્તા પરથી કુવાડિયાના યુવક જીતુભાઇ ધીરુભાઈ હળપતિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવકની લાકડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કોઈ જાણકારી મળી શકી ન હતી. દરમ્યાન સમગ્ર ઘટનની તપાસમાં સુરત જિલ્લા એલસીબીની ટીમ જોડાઈ હતી. એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે બારડોલી તાલુકાના છીત્રા ગામે જીતુભાઇ ધીરુભાઈ હળપતિની હત્યાનો બનાવ બનેલ છે. જે ખૂન કુવાડિયા ગામે રહેતી તેના સગા માસીની દીકરીએ કરેલ છે અને તે હાલમાં તેના ઘરે હાજર છે.
આ બાતમીના આધારે કુવાડિયા ગામે મહિલા પોલીસ સાથે જઈ આરોપી મહિલાને ઝડપી લીધી હતી. પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે જીતુ તેના સગા માસીનો દીકરો થતો હોય જે તેણી પર ખરાબ નજર રાખતો હતો. ગત 9/2/2024ના રોજ કામ પરથી પરત આવતી વખતે રસ્તામાં ઉભો રહી શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. ના પાડવા છતાં માનતો ન હોય ગુસ્સામાં આવી જઈ મહિલાએ જ લાકડાના ફટકા મારી હત્યા કરી નાંખી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની તાપસ હાથ ધરી છે.