કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનના મરણ પર દેશના નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે. સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક જણાય છે, પણ હરિયાળી ક્રાંતિ દ્વારા જેટલી સમસ્યાઓ હલ થઈ તેના કરતાં પણ વધુ સમસ્યાઓ પેદા થઈ છે. સ્વતંત્રતા પછી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિના નામે જે કૃષિનીતિ અખત્યાર કરવામાં આવી તેને કારણે ખેતીવાડીના ખર્ચમાં પ્રચંડ વધારો થયો છે,પણ આવકમાં નહીંવત્ જ વધારો થયો હોવાથી દેશના મોટા ભાગના કિસાનો દેવાના ડુંગર હેઠળ દબાઇ ગયા છે.
ભારતમાં જેટલી ખેતીલાયક જમીન છે, તેની ૨.૫ ટકા જમીન પંજાબમાં છે; તો પણ પંજાબના ખેડૂતો ભારતના ખેડૂતોના કુલ વપરાશના ૧૮ ટકા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. ભારતના ખેડૂતો હેક્ટર દીઠ સરેરાશ ૧૫૦ કિલોગ્રામથી ઓછાં રાસાયણિક ખાતરો વાપરે છે, પણ પંજાબના ખેડૂતો હેક્ટર દીઠ ૪૦૦ કિલોગ્રામથી વધુ રાસાયણિક ખાતરો વાપરે છે. ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીએ પંજાબની સરકાર રાસાયણિક ખાતરો ખરીદવા ત્રણ ગણી સબસિડી આપે છે, જેને કારણે ખેડૂતો રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનો હવે બિનઉપજાઉ બની રહી છે, જેને કારણે પંજાબના દેવામાં ડૂબેલા ખેડૂતો પણ આપઘાત કરી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને હાઇબ્રિડ બિયારણનો વપરાશ વધે છે તેમ જંતુનાશક દવાઓનો વપરાશ પણ વધે છે.
ઇ.સ.૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પંજાબમાં હરિયાળી ક્રાંતિના પ્રયોગનો અમલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઘઉંનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપરાંત સંકર બિયારણનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાં પંજાબ રાજ્યમાં એકર દીઠ જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓના ભારે ઉપયોગને કારણે પંજાબમાં કેન્સરના કેસોની સંખ્યા ભયજનક હદે વધી ગઇ છે. ઇ.સ.૨૦૦૫માં દિલ્હીની સંસ્થા ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વિરોન્મેન્ટ’દ્વારા પંજાબના કિસાનોના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં પણ જંતુનાશક દવાઓ મળી આવી હતી. હરિયાળી ક્રાંતિને કારણે પંજાબમાં સમૃદ્ધિ આવી છે, પણ તેની સાથે કેન્સર જેવા જીવલેણ રોગો પણ આવ્યા છે. પંજાબમાં દર એક લાખ નાગરિકો દીઠ ૧૨૫ નાગરિકો કેન્સરથી પીડાય છે. ૩,૦૦૦થી ૪,૦૦૦ની વસતિ ધરાવતાં નાના ગામમાં પણ કેન્સરનાં ચારથી પાંચ દર્દીઓ અચૂક મળી આવે છે.
પંજાબમાં હરિયાળી ક્રાંતિને કારણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધી ગયો છે. જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે ખેતરમાં થતા જંતુઓ મરી જાય છે, પણ તેના છાંટનારાઓ જીવલેણ કેન્સરનો ભોગ બને છે. એક અંદાજ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં પંજાબમાં કેન્સરને કારણે ૩૩,૦૦૦ કિસાનોનાં મોત થયાં છે. પંજાબમાં કેન્સરની સારવાર બહુ મોંઘી હોવાથી પંજાબનાં દર્દીઓ સારવાર માટે બિકાનેરની બિજોય પ્રિન્સ મેમોરિયલ હોસ્પિટલમાં જાય છે. પંજાબના ભટીંડાથી દરરોજ રાતે ૯.૩૦ કલાકે રાજસ્થાનના જોધપુર જવા માટે એક ટ્રેન ઉપડે છે. આ ટ્રેનને ‘કેન્સર ટ્રેન’તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં ૭૦થી ૧૦૦ કેન્સરનાં દર્દીઓ પ્રતિદિન હોય છે. રાતે તેઓ ‘કેન્સર સ્પેશિયલ’ટ્રેનમાં બેસી જાય છે અને સવારે બિકાનેર પહોંચી જાય છે.
કેન્સરનો ભોગ બન્યા પછી પણ પંજાબના કિસાનો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વિષચક્રમાંથી બહાર આવી શકતાં નથી. અગાઉ તેઓ દેશી બિયારણ જ વાપરતા હતા, જેમાં જંતુનાશક દવાઓની બિલકુલ જરૂર પડતી નહોતી. હવે તેઓ જે સંકર બિયારણ વાપરે છે તેમાં જંતુઓ પડતાં હોવાથી જંતુનાશક દવાઓ વગર ચાલતું નથી. સંકર અનાજમાં જો તેઓ જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરે તો પાક નાશ પામે છે. પંજાબના કિસાનો આ વિષચક્રમાં એવા ફસાઇ ગયા છે કે કેન્સરના આક્રમણ છતાં તેઓ તેમાંથી બહાર આવી શકતાં નથી.
પંજાબમાં દક્ષિણે માલવા પ્રદેશ આવેલો છે. આ પ્રદેશમાં ભટીંડા, ફરિદકોટ, મોગા, મુખ્તસર, સંગરુર, ફિરોઝપુર અને મન્સા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં સંકર કપાસનો પાક મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. સંકર કપાસના છોડને જીવતો રાખવા માટે તેમાં જંતુનાશક દવાઓનો વધુમાં વધુ છંટકાવ કરવો પડે છે. આ કારણે માલવા પ્રદેશમાં કેન્સરનો રોગ બેકાબૂ બન્યો છે. પંજાબમાં ભટીંડા, ફરિદકોટ અને લુધિયાણાની અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ કેન્સરની સારવાર કરવામાં આવે છે, પણ તેઓ દર્દીઓને લૂંટવાનો ધંધો કરે છે. તેની સરખામણીએ બિકાનેરમાં આવેલી સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલો સસ્તામાં અસરકારક સારવાર કરે છે, જેને કારણે પંજાબથી કેન્સરનાં દર્દીઓનો અવિરત પ્રવાહ ‘કેન્સર ટ્રેન’દ્વારા રાજસ્થાનના બિકાનેર તરફ ચાલ્યા કરે છે.
અગાઉ પંજાબના કિસાનો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે લોન લેતાં હતાં, હવે તેમણે કેન્સરની મોંઘીદાટ દવાઓ બજારમાંથી ખરીદવા માટે લોન લેવી પડે છે. કેન્સરની સારવાર માટેનાં એક ઇન્જેકશનની કિંમત આશરે ૭,૨૦૦ રૂપિયા છે. આ દવાઓ વિદેશી કંપનીઓ બનાવે છે. અગાઉ કિસાનોને જંતુનાશક દવાઓ વેચીને કમાણી કરનારી કંપનીઓ હવે તેમને કેન્સરની સારવાર માટેની દવાઓ વેચીને બેફામ કમાણી કરે છે. ફરિદકોટ જિલ્લાના દૂધકોટ ગામમાં રહેતા પરવિંદરના પિતાનું કેન્સરને કારણે મોત થયું હતું. હવે પરવિંદર જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીમાં નોકરી કરે છે. તેઓ હજી પોતાના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે.
પંજાબનાં કેટલાક ખેડૂતો પોતાના પરિવાર માટે અનાજ અને શાકભાજી ઉગાડવા માટે જંતુનાશક દવાઓનો બિલકુલ ઉપયોગ કરતા નથી, પણ તેઓ બજારમાં વેચવા માટે જે અનાજ-શાકભાજી ઉગાડે છે, તેમાં જંતુનાશક દવાઓ તો છાંટે જ છે. પંજાબમાં હરિયાળી ક્રાંતિ આવી તે પહેલાં પણ અનાજનું જંગી ઉત્પાદન થતું હતું અને પંજાબમાંથી ઘઉંની અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવતી હતી. આ ઉત્પાદન તેઓ છાણિયાં ખાતર અને દેશી બિયારણની મદદથી મેળવતા હતા. વિદેશી કંપનીઓ ભારતમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને સંકર બિયારણનો ધંધો કરીને કમાણી કરી શકે એ માટે પંજાબના કિસાનોને હરિયાળી ક્રાંતિના રવાડે ચડાવવામાં આવ્યા હતા. હવે આ ક્રાંતિની ભ્રાંતિ છતી થઇ ગઇ છે. રાસાયણિક ખાતરના અતિરેકને કારણે જમીન ઉજ્જડ બની રહી છે ત્યારે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે.
કિસાનો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ, ટ્રેક્ટર અને ડિઝલ પાછળ જે ખર્ચાઓ કરે છે, તેને બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી કિસાન દેવાદાર જ રહેશે. કિસાને જો સ્વયંનિર્ભર બનવું હશે તો સજીવ ખેતી તરફ વળવું પડશે, જેમાં રાસાયણિક ખાતરનો કે જંતુનાશક દવાઓનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. સરકારે પણ યુરિયા ખરીદવા માટે કરોડો રૂપિયાની સબસિડી આપવાને બદલે કેમિકલના ઉપયોગ વગરની સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પડશે. જો સરકાર જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, સંકર બિયારણ, ટ્રેક્ટર, જીનેટિકલી મોડિફાઇડ બિયારણ વગેરે પર નિયંત્રણ નહીં મૂકે તો કિસાનો પાયમાલ થઈ જશે.