SURAT

આપના ધારાસભ્ય યુવતી સાથે સુરતની હોટલમાં આવ્યા અને તેનો પતિ આવી જતાં હોટલમાંથી જતા રહ્યા

સુરત: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની હોટલમાં યુવતી સાથે આવ્યા બાદ યુવતીના પતિએ રંગેહાથે પકડી લેતા ભાયાણી પોતાના મોઢા પર રૂમાલ બાંધીને હોટલમાંથી ભાગી ગયાનો વિડીયો વાઈરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બની શકે કે આ વાઈરલ થયેલા વિડીયોમાં ખુદ ધારાસભ્ય ભૂપત ભાયાણી ના હોય પરંતુ ભાયાણીએ આ પોતે હોવાનો ઈન્કાર કર્યો નથી અને ધારાસભ્ય ભાયાણીએ આ ઘટના અંગે પોતાની લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપશે તેવું જણાવ્યું છે.

ગત તા.8મી જૂનનો આ વિડીયો હાલમાં વાઈરલ થયો છે. વિડીયોમાં કડોદરાની હોટલ સુરજના સીસીટીવી ફુટેજ છે અને આ ફુટેજમાં એવું દેખાય છે કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આ હોટલમાં યુવતી સાથે આવ્યા હતા. જ્યારે હોટલમાં આવ્યા અને રિસેપ્શન પર વિધિઓ પુરી કરી ત્યારે ભૂપત ભાયાણીની સાથે મોઢા પર કપડું બાંધેલી યુવતી હતી. બાદમાં બંને નજીકના સંબંધ હોવાથી હોટલની રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ થતાં અચાનક યુવતીનો પતિ ત્યાં આવી ગયો હતો. યુવતીનો પતિ આવી જતાં ધારાસભ્ય ભાયાણી તાત્કાલિક પોતાના મોઢા પર રૂમાલ બાંધીને હોટલમાંથી જતા રહ્યા હતા. આશરે 13 દિવસ બાદ આ વિડીયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમ થઈ જવા પામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ચકચાર મચવા પામી છે.

વિડીયોમાં દેખાતા ધારાસભ્ય ભૂપત ભાયાણી પોતે જ છે કે કેમ? સાથે તેમની જ્યારે પ્રતિક્રિયા પુછવામાં આવી ત્યારે તેમણે આ મુદ્દે કશું પણ કહેવાનો ઈન્કાર કરી એટલું જ કહ્યું હતું કે, હું આ મુદ્દે અત્યારે કોઈ જ પ્રતિક્રિયા આપીશ નહીં. હું મારી લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે કશું સ્પષ્ટીકરણ કે નિવેદન આપીશ. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો આ રીતે વાઈરલ થયેલા વિડીયોને કારણે ભાજપ ગેલમાં આવી ગયું છે ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચકચારી વિગતો બહાર આવવાની સંભાવના છે.

Most Popular

To Top