Gujarat

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ 6th U20 બેઠકની યજમાની કરશે – ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિઓને સંબોધશે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જી20ની (G20) અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. હવે ગુજરાત (Gujarat) એક જ મહિનાની અંદર તેની ત્રીજી જી20 ઇવેન્ટ, એટલે કે છઠ્ઠી U20 બેઠકની યજમાની ભારતના સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે કરવા માટે સજ્જ છે.

છઠ્ઠી U20 બેઠક શહેરો વચ્ચે એકતા સ્થાપિત કરવા માટેનું આહ્વાન કરે છે, જેનો ઉદ્દેશ શહેરો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવાનો અને સામૂહિક રીતે એવા કોમન સોલ્યુશન એટલે કે સમાન ઉકેલો શોધવાનો છે, જે જી20ના સમગ્ર ઉદ્દેશોને અનુરૂપ હોય. આ બેઠક એવા 6 પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓને હાઇલાઇટ કરે છે, જે ગ્લોબલ એજન્ડાઓ પર પ્રતિક્રિયા આપવા માટે શહેરી સ્તરની કાર્યવાહીઓને પ્રેરિત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વર્ષે અન્ય પ્રતિનિધિઓની સાથે 35થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરો આ બેઠકમાં હિસ્સો લેશે.

અર્બન 20ના પ્રતિનિધિઓના સ્વાગત માટે રાજય સરકાર કોઈ કસર છોડી નથી રહી. 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિનિધિઓના આગમન પછી, તેમની અડાલજ વાવની મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ નેટવર્કિંગ ડિનર યોજાશે, જ્યાં અમદાવાદના શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવશે.
9 ફેબ્રુઆરી, 2023ના રોજ આયોજિત પ્લેનરી સેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરી વર્ચ્યુઅલી આ સેશનને સંબોધશે. જી20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત દ્વારા ‘જી20- કોલ ફોર એક્શન’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે.

પ્લેનરી સેશન પૂર્ણ થયા બાદ પ્રાથમિકતાઓ, એડવોકસી એટલે કે સમર્થન અને ભવિષ્યના માર્ગ અંગે ચર્ચા થશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સેક્રેટરી મનોજ જોશી દ્વારા ‘ભારતની શહેરી આવશ્યકતાઓ’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વર્કિંગ ગ્રુપ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ, ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ વગેરે દ્વારા પ્રેઝન્ટેશન્સ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજાશે.

U20 2023 સાયકલ પર એક સત્ર
કોન્ટેક્સ્ટ સેટિંગનું આયોજન પાછળથી કરવામાં આવ્યું છે, જ્યાં જકાર્તા શેરપા ડૉ. હયાતી ‘લૂકિંગ બેક એટ જકાર્તા’ પર, અમદાવાદ શેરપા ‘U20 અમદાવાદ પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ’ પર તેમજ કન્વીનરો ‘છઠ્ઠી સાયકના માઇલસ્ટોન્સ’ પર પ્રતિનિધિઓ સમક્ષ પ્રેઝન્ટેશન્સ કરશે. લંચ બાદ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા ‘ગુજરાતમાં અર્બન ઇનોવેશન્સ અને વે ફોરવર્ડ’ પર વિશેષ સંબોધન કરવામાં આવશે.

U20માં ભાગ લેનારા પ્રતિનિધિઓ માટે સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજ ખાતે પર્યટનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ‘સંવાદ ઓવર ડિનર’ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુદ્ધ શાકાહારી ગુજરાતી અને કોન્ટિનેન્ટલ વાનગીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેનું એક ગાલા ડિનર યોજાશે, જે રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

10 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્ય સરકારે U20ના પ્રતિનિધિઓ માટે શહેરની પ્રખ્યાત અમદાવાદ હેરિટેજ વોકની અને ત્યારબાદ હાઉસ ઓફ એમજી ખાતે સ્થાનિક નાસ્તાની વ્યવસ્થા કરી છે.ત્યારબાદ U20 2023 સાયકલ: પ્રાથમિકતાઓ અને સંદેશાવ્યવહાર અને U20 એડવોકસી: અન્ય એન્ગેજમેન્ટ ગ્રુપ્સ સાથે કન્વર્જન્સ પર સત્ર યોજાશે.

Most Popular

To Top