વડોદરા: રવિવારની વહેલી સવાર સંસ્કાર નગરી વડોદરાએ મતદાનના સંકલ્પને સમર્પિત કરી હતી. તા.5 મી ડીસેમ્બર,2022ના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચુંટણીઓ નું મતદાન રાખવામાં આવ્યું છે.એ દિવસે ઇવીએમ યંત્ર પણ થાકી જાય એટલી વાર એની ચાંપ દબાય અને મહત્તમ મતદાન થાય તેની પ્રેરણા માટે રાખવામાં આવેલા રન ફોર વોટમાં નગરજનોએ હું મતદાન અચૂક કરીશ ના દ્રઢ સંકલ્પની દોડ લગાવી હતી. વડોદરાના સયાજીબાગના ગેટ નં.2 થી શરૂ કરી કાળા ઘોડા સર્કલ,પંચમુખી હનુમાન,કલેકટર કચેરી,જેલ રોડ થી પરત પ્રસ્થાન સ્થળની,લગભગ ત્રણ કિલોમીટર લાંબી આ દોડમાં આબાલવૃદ્ધ ,દિવ્યાંગ, રમતવીર જેવા વિવિધ શ્રેણીઓના મતદારો એ વિશાળ માનવ મહેરામણના રૂપમાં દોડીને અચૂક મતદાન કરજોનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર,અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા,અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉંમરના નવમા દાયકામાં પણ સ્ફૂર્તિ થી થનગનતા ડો.ભગવતી ઓઝાએ આ દોડને પ્રસ્થાન કરાવવાની સાથે તેમાં ભાગ લીધો હતો.નેશનલ ગેમ્સમાં મેડલ જીતનારો નાનકડો શૌર્યજિત ખેરે હાલમાં મતદાનની ઉંમર થઈ નથી તો પણ દોડમાં જોડાઈને ભાવિ પેઢીની કર્તવ્યશીલતા ની ઝાંખી કરાવી હતી.આ દોડમાં જોડાઈને પહેલીવાર મતનો અધિકાર મળ્યો છે તેવા આયુષી,ફોરમ, પ્રાચી,મૈથિલી, અને પ્રશાંતે યુવા સમુદાયને લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની મળેલી તકનો અનેરો રોમાંચ અનુભવતા યુવા મતદારોને મતદાનની પહેલી તક ના ચૂકવા સંદેશ આપ્યો હતો.
તો મૂકધ્વનિ ટ્રસ્ટના સંકલન થી પહેલીવાર મતનો અધિકાર મેળવનારા બધિર દિવ્યાંગો એ તેમાં જોડાઈને મતદાન ની ફરજ ના ભૂલતાનો વાચાળ સંદેશ આપ્યો હતો.મતદાન જાગૃતિ અભિયાન અવસર હેઠળ મતદાનનો ઉત્સાહ વધારવા માટે આ દોડનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકી અને જિલ્લા ચૂંટણી તંત્રની ટીમે કર્યું હતું.જેને સફળ બનાવવામાં શહેર પોલીસ દળ,મહેસૂલી કર્મચારીઓ,સમાજ સુરક્ષા,આઈ.ટી.આઈ., શિક્ષણ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગો,રમત મંડળો,મેરેથોન રનર ગ્રુપના સદસ્યો અને જાગ્રુત નાગરિકો એ અનન્ય યોગદાન આપ્યું હતું.
વ્હીલ ચેરને આધીન દિવ્યાંગ દંપતી રાજેન્દ્ર – ભારતી શાહ અને તેમના સાથીઓની ઉપસ્થિતિ પ્રેરક બની હતી અને તેમણે આ દોડ પૂરી કરીને પોતાના મતદાન જાગૃતિ સંકલ્પની પ્રતીતિ કરાવી હતી.જિલ્લા રમત વિકાસ અધિકારી પંડ્યા,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરાના વિવિધ રમતોના કોચિસ,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી કેતુલ મહેરિયા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી સહિતના અધિકારીઓ એ સમુચિત સંકલન થી આયોજનને સફળ બનાવ્યું હતું.વેટરન અને વર્તમાન રમતવીરો સુશ્રી રઝિયા શેખ,મયુર રોહિત, વિશ્વા,તનવીર ખોખર ઇત્યાદિ આ લોકશાહીને મજબૂત કરવાની કવાયત માં જોડાયા હતા.તાલીમાર્થી અને હાલમાં સેવા આપી રહ્યાં છે તેવા પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ ની સાથે મોર્નિંગ વોકર યુવાનો અને વડીલો જોડાયાં હતાં.આર.જે.પ્રતિક અને તેમની ટીમે ઝુંબા ડાન્સ ગ્રુપના સહયોગ થી સૌ માં જોશનો સંચાર કર્યો હતો.