Business

તાપસી પન્નૂ બિંદાસ બની રહી છે!

તાપસી પન્નૂએ OTT પર રજૂ થયેલી ‘લૂપ લપેટા’ માં પ્રયોગ કર્યો છે પણ બહુ ઓછા દર્શકો એ જોવા તૈયાર હોય છે. કદાચ એટલે જ તેની ફિલ્મો થિયેટરમાં બતાવવાનું જોખમ લેવાને બદલે સીધી OTT પર રજૂ કરવામાં આવી રહી છે. તાપસીની થિયેટરમાં આવેલી છેલ્લી ફિલ્મ ‘થપ્પડ’ હતી. એ પછી આ ચોથી ફિલ્મ OTT પર આવી છે. શું તેની ફિલ્મો એટલી સશક્ત નથી કે થિયેટરોમાં રજૂ થઇ શકે? એવો સવાલ થઇ રહ્યોં છે. તાપસી કંગનાની જેમ હીરોઇન પ્રધાન ફિલ્મોને પ્રાથમિકતા આપી રહી છે અને સાથે જોખમ લઇ રહી છે. તાપસીને એના મિજાજની ફિલ્મો મળતી હોવાથી વધારે મહેનત કરવી પડતી નથી. દર્શકોએ એની ફિલ્મ જોવાનું જોખમ લેવું કે નહીં એ એમના પર આધાર રાખે છે. ‘સોની પિક્ચર્સ’ દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. એમણે પોતાની ચેનલ પર ફિલ્મ મૂકવાનું જોખમ લેવાને બદલે ‘નેટફ્લિક્સ’ પર રજૂ કરી છે.

‘લૂપ લપેટા’ ને સમીક્ષકોએ ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે. કેમકે તેની ‘રશ્મિ રૉકેટ’ ના દોડવીરના પાત્રનું જ ‘લૂપ લપેટા’ માં અનુસંધાન થતું લાગે છે. એ વાત અલગ છે કે તાપસીએ હવે જાહેર કર્યું છે કે તે ભાગદોડ કરવાનું થતું હોય એવા પાત્રવાળી ફિલ્મ કરવા માંગતી નથી. એ વાત સૌ કોઇ માનશે કે તાપસીનો અભિનય દરેક ફિલ્મમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરે છે. તે પોતાની ભૂમિકાને સમર્પિત થઇને કામ કરે છે. ફિલ્મના ટાઇટલમાં ‘લૂપ’ની જોડણીમાં અંગ્રેજીના ત્રણ’ઓ’ લખવાનું કારણ એ છે કે એમાં એક સરખી ઘટના ત્રણ વખત બને છે. છતાં તાપસી દરેક વખતે એકસરખા ઉત્સાહથી કામ કરતી દેખાય છે. જ્યારે તાહિર રાજ ભસિનના અભિનયમાં આગળ જતાં મર્યાદા આવી જતી હોય એમ લાગે છે. તાહિરે ધ્યાન ખેંચે એવો અભિનય જરૂર કર્યો છે. ફિલ્મમાં તાપસીની બેક સ્ટોરી છે પણ તાહિરની નથી. તાહિરને ‘લૂપ લપેટા’ થી લાભ જરૂર થશે. એક સમયે ટૂંકી ફિલ્મોમાં કામ કરતા તાહિરનું છેલ્લા થોડા સમયથી નામ થઇ રહ્યું છે. રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ માં સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં દેખાયા પછી તેની બે મોટી વેબસીરિઝ આવી. ઉપરાંત ગયા મહિને ‘યે કાલી કાલી આંખેં’ અને ‘રંજીશ હી સહી’ જેવી નાની ફિલ્મો આવી છે.

રાનીની ‘મર્દાની’ માં મુખ્ય વિલનની ભૂમિકા પછી તાહિરને મોટી ભૂમિકાઓ મેળવવામાં સમય લાગી ગયો. ‘લૂપ લપેટા’ને જોઇ શકાય એવા જે કારણો છે એમાં સૌથી પહેલું તાપસીની હાજરી છે. તાપસીએ બિંદાસ બનીને ચુંબન દ્રશ્યો જ નહીં અંતરંગ દ્રશ્યો પણ આપ્યા છે. તાપસીની બધી મહેનત નબળા લેખનને કારણે સફળ થતી નથી. ક્રિકેટ પર આધારિત ‘ઇનસાઇડ એજ’ વેબસીરિઝના કેટલાક એપિસોડ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા નિર્દેશક આકાશ ભાટીયાએ જર્મન ફિલ્મની અંગ્રેજીમાં ઉતરેલી ‘રન લોલા રન’ નું ભારતીયકરણ કરવા માટે ચાર લેખકોની ટીમ બનાવી હતી.એમ છતાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી. બોલિવૂડમાં સ્થિતિ એવી છે કે લેખકો પાસે વાર્તા લખાવવામાં આવતી નથી પરંતુ ઉધાર લીધેલી વાર્તા પર એમની પાસે મહેનત કરાવવામાં આવે છે.લેખકોએ ભારતીય દર્શકોને પાત્ર સાથે જોડવા માટે સત્યવાન- સાવિત્રીની પુરાણી વાર્તાનો આધાર લેવો પડ્યો છે.

એક યુવતી પોતાના પ્રેમીને બચાવવા માટે ભાગદોડ કરે છે એ વિષય પરની 24 વર્ષ જૂની ફિલ્મની રીમેક બનાવીને બોલિવૂડે ફરી સાબિત કર્યું કે તેની પાસે વાર્તા જ નથી. બોલિવૂડ રીમેકના ભરોસે ચાલી રહ્યું છે. હિન્દી ફિલ્મ હોવાથી એમાં ગીત-સંગીત અને અન્ય બાબતો રાખવામાં મૂળ ફિલ્મ કરતાં 50 મિનિટની લંબાઇ વધી ગઇ છે. 80 મિનિટની વિડિયો ગેમ જેવા પ્લોટ સાથેની ‘રન લોલા રન’ મુખ્ય મુદ્દા પર જ દોડતી હતી. જ્યારે ‘લૂપ લપેટા’ માં બીજા સબ પ્લોટ ઉમેરવામાં આવ્યા છે અને પાત્રોની ભૂતકાળની વાતો સાથે ગીતો મૂકીને લાંબી બનાવવામાં આવી છે. ફિલ્મ છેક ઇન્ટરવલ પછી શરૂ થતી હોય એવું લાગે છે. કેટલીક જગ્યાએ ફિલ્મ હસાવે છે અને મજેદાર લાગે છે. પણ છેલ્લે એવું લાગે છે કે તાપસી અને તાહિરની વાર્તા સિવાય દરેકને મહત્વ મળ્યું છે. તાપસીની આ ફિલ્મમાં રોમાંચ હોવાથી માત્ર એક વખત જોઇ શકાય એમ છે.

Most Popular

To Top