SURAT

‘તું નહીં આવે તો ઘરેથી ઊંચકી જઇશ’ : ચોકબજારમાં ધમકી આપીને શાળાએ જતી સગીરાનું અપહરણ

સુરત : સુરતમાં પ્રેમપ્રકરણની એક વાત ગ્રીષ્માની હત્યા સુધી પહોંચી ગઇ છે. ગ્રીષ્માની હત્યાની શાહી હજૂ સૂકાઇ નથી ત્યાં ચોકબજાર વિસ્તારમાં રહેતી એક યુવતીને બળજબરીપૂર્વક ઘરેથી બોલાવીને ફરવા લઇ ગયા બાદ તેના ઘરે મુકી ગયો હતો, આ ઉપરાંત સગીરાના પિતા અને ભાઇને મારી નાંખવાની પણ ધમકી આપતા પોલીસે અપહરણ અને છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરમાં રહેતી અને ધો-૧૦માં અભ્યાસ કરતી સગીરાની પાછળ સિંગણપોરના સુમન પ્રતિક આવાસમાં રહેતો કેવલ કલ્પેશ માંડલીયા પાછળ પડ્યો હતો. કેવલ સગીરાની સાથે 2019થી જ સગીરા જ્યારે ટ્યુશન કે સ્કૂલમાં જતી હતી, ત્યારે તેનો પીછો કરીને હેરાન કરતો હતો. કેવલે સગીરાનો મોબાઇલ નંબર લઇને તેને વ્હોટ્સએપ કોલ તેમજ મેસેજીસ કરતો હતો. સગીરાએ કોઇ જવાબ નહીં આપતા તેને ઘરેથી જ ઊંચકી જવાની ધમકી આપી હતી. કેવલે સગીરાને ફોન કરીને કહ્યું કે, તું ઘરેથી નહીં આવીશ તો હું તારા ઘરે આવીશ અને તેને લઇને ચાલ્યો જઇશ, સાથે જ તારા પરિવારમાં તારા ભાઇ અને તારા પિતાજીને મારી નાંખીશ. કેવલની ધમકીથી ડરીને સગીરા ચોકબજારમાં રહેવા જતી રહી હતી, કેવલ સગીરાને બહાર ફરવા માટે લઇ ગયો હતો, ત્યારબાદ પરત ઘરે પણ મુકી ગયો હતો. પરંતુ કેવલના ત્રાસથી કંટાળી ગયેલી સગીરા અને તેના પરિવારે આખરે પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે કેવલની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.

‘તારી બહેન સાથે ફોન પર વાત કરાવ, નહીં તો તું મારી સાથે સંબંધ રાખ’
ઉમરગામ : ઉમરગામના કાલઈની મહિલાને રસ્તામાં રોકી ‘તારી બેન સાથે ફોન પર વાત કરાવ નહીં તો તું મારી સાથે સંબંધ રાખ, જો તુ સંબંધ નહીં રાખે તો ગોળી મારી મારી નાખીશ’ એવું પિસ્તોલ જેવું સાધન બતાવી ધમકી આપનાર પાલી ગામના એક ઈસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

ઉમરગામ તાલુકાના કાલઈ ગામે રહેતી એક મહિલાએ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં નયનભાઈ ઉર્ફે ઘનેશભાઈ નરસિંહભાઈ મિતના (રહે પાલી, કાદવીયા ફળિયા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નયનભાઈએ તેણીને ૫/૨/૨૦૨૨ રોજ ફણસા ટાટાવાડી ગેટની આગળ ફણસા તરફ જતા રોડ ઉપર રસ્તામાં રોકી ‘મને હમણાં જ તારા મોબાઇલ ફોન ઉપરથી તારી બેન સાથે વાત કરાવ’ તેણીએ ના પાડતાં નયન ઉર્ફે ઘનેશ એકદમ ઉશ્કેરાઈ ગાળો આપી તેની પાસેનું પિસ્તોલ જેવું હથિયાર બતાવી જો તું તારી બેન સાથે વાતચીત નહીં કરાવે તો તું જ મારી સાથે સંબંધ રાખ અને જો તું મારી સાથે સંબંધ નહીં રાખશે તો હવે પછી જ્યારે પણ તું એકલી મળશે તો તને ગોળી મારી મારી નાખીશ તેવી ધમકી આપી એકટીવાની આગળની નંબર પ્લેટ ઉખેડી નાખી મોટરસાયકલને પણ નુકસાન કર્યું હતું. આ ફરિયાદ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે નયનભાઈ મિતના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top