મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં આવેલા નળખેડામાં શનિવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. મા બગલામુખી મંદિરના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર મંદિર નજીક આવેલા વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર કુલ આઠ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ઓડિશાથી આવેલા શ્રદ્ધાળુઓ પહેલા ઉજ્જૈન પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે નળખેડા ખાતે આવેલા પ્રસિદ્ધ મા બગલામુખી મંદિરના દર્શન માટે કાર ભાડે લીધી હતી. કાર મંદિર નજીક પહોંચ્યા બાદ રસ્તામાં આવેલા વરસાદી નાળાને પાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. પાણીના ભારે પ્રવાહની વચ્ચે કાર અચાનક સંતુલન ગુમાવી નાળામાં તણાઈ ગઈ હતી.અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલેક્ટર અને પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ નાળામાંથી કારને બહાર કાઢી હતી. જોકે કારમાં સવાર તમામ આઠ લોકોને બચાવી શકાયા નહોતા.
આગર માલવાના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કાર નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર લોકોમાંથી કોઈને બચાવી શકાયું નહોતું. મૃતકોમાં ત્રણ બાળકો હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માત પાછળ ભારે વરસાદ બાદ નાળામાં વધેલો પાણીનો પ્રવાહ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ઘટનાના અગાઉના 24 કલાક દરમિયાન વિસ્તારમાં આશરે 37 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે મંદિર નજીકનો વરસાદી નાળો પાણીથી છલકાઈ ગયો હતો અને તેનો પ્રવાહ જોખમી રીતે વધી ગયો હતો.
ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદ દરમિયાન નાળામાં અચાનક પાણીનું સ્તર વધી જાય છે, જેના કારણે અહીં અવરજવર જોખમી બની જાય છે. કેટલાક સ્થાનિકોએ આ સ્થળે યોગ્ય વિકાસ, સુરક્ષિત માર્ગ અને નાળાને પાર કરવા માટે પુલ બનાવવાની માંગ કરી હતી.નળખેડાનું મા બગલામુખી મંદિર ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળ છે અને અહીં દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આવી સ્થિતિમાં મંદિર તરફ જતા માર્ગો અને વરસાદી નાળાઓ પાસે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કાર નાળામાં કઈ પરિસ્થિતિમાં તણાઈ તે અંગેની વિગતો તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે. હાલ આ ઘટનાએ ઓડિશાથી દર્શન માટે આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તોડી નાખ્યો છે અને નળખેડામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.