Business

એવું શું થયું કે, ડાયમંડની 50 % ઓફિસ એન્ટવર્પથી દુબઈ શિફ્ટ થઈ ગઈ

સુરત : 2022નાં વર્ષના ઉનાળામાં (Summer) અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA) એ તેની એન્ટવર્પ (Antwerp) લેબોરેટરી બંધ કરી અને દુબઈમાં (Dubai) નવી ઓફીસ શરૂ કરતાં જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં (Gem and Jewelery Industry) આશ્ચર્ય ફેલાયું હતું. એવી જ રીતે એન્ટવર્પમાં સ્થપાયેલ સ્ટાર જેમ્સે (Star Gems) તેની હેડ ઓફિસ દુબઈમાં ફેરવી અને શહેરમાં નિયમિત રફ ડાયમંડના (Rough Diamond) ટેન્ડરો યોજ્યા છે. યુએઈ (UAE) સરકારે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગનું ટ્રેડિંગ હબ એન્ટવર્પથી દુબઇ લઈ જવા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે કેટલાક પ્રોત્સાહનો જાહેર કર્યા હતાં. બીજી તરફ બેલ્જીયમનાં (Belgium) એન્ટવર્પમાં હીરા ઉદ્યોગ પર કેરેટ ટેક્સ, લેબર ચાર્જમાં વધારો, મોંઘી પ્રોપર્ટી અને ગેસ સપ્લાયને લીધે નફાનું માર્જિન ઘટતાં સુરત-મુંબઈ સહિત દેશનાં મોટા જેમ એન્ડ જવેલરી ઉદ્યોગકારોએ 2017 થી 2022 સુધી 50% હીરાની ઓફીસ દુબઇ શિફ્ટ કરી દીધી છે.

બ્રસેલ્સથી સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) સહિત યુરોપનાં જે દેશોમાં તૈયાર હીરા જતાં હતાં એ હવે દુબઈથી જઈ રહ્યાં છે. દુબઈથી એરકનેક્ટિવિટી વિશ્વના અનેક દેશોમાં હોવાથી આ વેપાર દુબઇ અને અબુ ધાબીમાં (Abu Dhabi) સરળ થયો છે. જો કે, રફ ડાયમંડના ટ્રેડિંગ અને ઓકશન માટે સુરત-મુંબઈની ડાયમંડ કંપનીઓએ રેસિડન્સ કમ ઓફીસ ચાલુ રાખી છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં હીરા ઉદ્યોગના માર્ગનો સ્પષ્ટ સંકેત હતો.

કોવિડ -19 રોગચાળા પછી દુબઈના વેપારમાં તીવ્ર વૃદ્ધિ થઈ છે. દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર (DMCC) અનુસાર ગયા વર્ષની રફ નિકાસ 2020ની સરખામણીમાં 98% વધીને $12.96 બિલિયન થઈ હતી, જે 2019ના આંકડા કરતાં 62% વધુ હતી. પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 70% વધીને $4.15 બિલિયન હતી. DMCC એ હજુ સુધી 2022 માટે વિગતવાર ડેટા પ્રકાશિત કર્યો નથી, કેરેટ ટેક્સ હીરા ક્ષેત્ર માટે 2017 માં રજૂ કરવામાં આવ્યો હતો. પણ આ વિશેષ કર પ્રણાલીથી બેલ્જિયમની ફેડરલ સરકારને અપેક્ષા કરતાં ઘણી ઓછી આવક થઈ છે.

આ ટેક્સનો પ્રથમ મૂલ્યાંકન અહેવાલ જણાવે છે કે 2020 કરવેરા વર્ષ માટે દેશના 1,200 અથવા તેથી વધુ હીરાના વેપારીઓએ 28 યુરો મિલિયન કર પેટે ચૂકવ્યા હતા. જે ટાર્ગેટ 70 યુરો મિલિયન કરતાં ખૂબ ઓછો હતો. બેલ્જિયમમાં કરપાત્ર હીરા કંપનીઓની સંખ્યા 2017માં 1,445થી ઘટીને 2020માં 1,220 થઈ ગઈ હતી. આ સંખ્યા 2022 નાં અંતે વધુ ઘટી છે.

દુબઇ માટે મુંબઈ અને તેલ અવીવથી ત્રણ કલાકની ફ્લાઇટ છે અને નજીકના UAE શહેર શારજાહ (Sharjah) અને ભારતીય ઉત્પાદન કેન્દ્ર સુરત વચ્ચે સીધી ફ્લાઇટ્સ છે. દુબઈ આફ્રિકાના ખાણકામ રાષ્ટ્રો અને યુરોપિયન વ્યાપારી કેન્દ્રો માટે પણ સારી સ્થિત છે.યુએઈ તેની આ સ્થિતિને વધુ મજબૂત કરવા 2020 માં એક મોટું પગલું આગળ વધાર્યું, જ્યારે UAE એ ઇઝરાયેલ સાથે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા જેણે દેશો વચ્ચે હીરાના વેપારના દરવાજા ખોલ્યા હતાં. એન્ટવર્પ કરતાં દુબઈમાં બેન્ક ધિરાણ સરળતાથી મળે છે. એ કારણ પણ શિફ્ટિંગ માટે મહત્વનું છે. કોરોનામાં એન્ટવર્પ અને બોટસવાના લોક ડાઉનને લીધે બંધ હતાં. ત્યારે ડાયમંડના મહત્તમ ઓક્શન દુબઇમાં યોજાયા હતાં.

યુએઈ સરકારે 2002માં DMCCની સ્થાપના કરી, જે હીરાથી લઈને કોફી સુધીના ઉત્પાદનોની શ્રેણીમાં વેપાર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. આ બુર્સ 22 વર્ષે એન્ટવર્પનાં દાયકા જુના વેપારના લેવલે આવી ગયું છે. દુબઈ ડાયમંડ કોન્ફરન્સમાં આફ્રિકન રાષ્ટ્રના ખનિજ સંસાધન અને પેટ્રોલિયમ મંત્રી ડાયમન્ટિનો અઝેવેડોએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં, અંગોલા તેની લગભગ 90% રફ યુએઈમાં નિકાસ કરી રહ્યું છે.

Most Popular

To Top