SURAT

ગેલેરીમાં મુકેલી ડોલ પર ચઢવા જતા 2 વર્ષની બાળકી ત્રીજા માળેથી નીચે પડી, સુરતના આ વિસ્તારની ઘટના

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક બે વર્ષીય બાળકી રમત રમતમાં ઊંધી ડોલ પર ચઢવા જતાં ત્રીજા માળેથી 30 ફૂટ નીચે પડી હતી. જોકે, બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો. હાલ બાળકીની શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં બે વર્ષીય બાળકી 30 ફૂટ નીચે પતરાં પર પડ્યા બાદ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આજે સવારે ખસેડવામાં આવી હતી. માતા કિચનમાં કામ કરી રહી હતી ત્યારે મોટા ભાઈ સાથે બાલ્કનીમાં રમતી બાળકી ઊંધી ડોલ પર ચઢવા જતા નીચે પડી હતી. જોકે, તે નીચે પતરાંના શેડ પર પડી હતી. તેથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

બાળકીની માતા સુધાએ જણાવ્યું હતું કે ઘટના આજે સવારે 9:45ની હતી. તેમની 2 વર્ષની દિકરી પૂર્વી એના મોટા ભાઈ સાથે રમતા રમતા ગેલેરીમાં પહોંચી ગઈ હતી. તે સમયે બાળકીની મોટી બહેન હોલમાં અભ્યાસ કરી રહી હતી. અને માતા રસોડામાં ઘરકામ સાથે બાળકો પર ધ્યાન રાખી રહી હતી. દરમિયાન અચાનક બુમાબુમ થઈ જતા માતાએ દોડીને જોયું તો નાની દીકરી પૂર્વી ગ્રાઉન્ડ ફ્લોરના પતરા ઉપર પડેલી હતી. ત્યારબાદ બાળકીને સ્થાનિક લોકોએ તાત્કાલિક નીચે ઉતારી બાઇક ઉપર સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.

વધુમાં માતાએ જણાવ્યું હતું કે ઘટના સમયે બાળકીની આજુબાજુ કોઈ ન હતું. મોટી દીકરીએ કહ્યું કે ભાઈએ ડોલ ઉંધી કરી હતી અને નાની બહેન પૂર્વી એની ઉપર ચઢતા જ નીચે ઢળી પડી હતી. ત્યાર બાદ લગભગ 30 ફૂટ ઉંચાઈએથી પટકાયા બાદ બેભાન પૂર્વીના કાન માંથી લોહી નીકળી રહ્યું હતું. બાળકીને લોહી લૂહાણ હાલતમાં સિવિલ લવાઇ હતી. જ્યાં એક્સ-રે સહિતના રિપોર્ટ કાઢ્યા બાદ પ્રાથમિક ધોરણે કોઈ ગંભીર ઇજા ન હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે તબીબો બાળકી વિશે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ આગામી દિવસોમાં કંઈક કહી શકાય એમ જણાવી રહ્યા છે.

ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયેલી બાળકી પૂર્વીને દાખલ કરી સારવાર હાથ ધરવામાં આવી છે. ત્યારે સિવિલના ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે જ્યારે બાળકીને હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્યારે બાળકીને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમજ તે 30 ફૂટની ઊંચાઈએથી પટકાયા બાદ બેભાન થઈ ગઈ હતી. હાલ બાળકીને ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર કરવામાં આવી રહી છે.

Most Popular

To Top