Gujarat

ઓક્ટોબર-19માં અમલમાં આવેલી નવી બંદર નીતિનો અમલ સરકારે સ્થગિત કર્યો

રાજ્ય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે. જેના પગલે એચપીસીએલ, નિરમા અને ટોરન્ટ સહિતની કંપનીઓને નવી કેપ્ટીવ જેટ્ટીની ફાળવણી જુની પોર્ટ નીતિ અન્વયે કરાશે. એવુ મનાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર વાર્ષિક 30 મિલિયન ટન ક્ષમતા ધરાવતી કેપ્ટીવ જેટ્ટીના પ્રોજેકટસને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી સંભાવના છે.

આર્સેલર અને એસ્સારના રૂઈયા વચ્ચે ચાલી રહેલા વિવાદના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
નવી પોર્ટ નીતિ 2019 અન્વયે એસ્સાર ગ્રુપ દ્વારા હજીરા પ્રોજેકટમાં દરખાસ્ત કરાઈ હતી. જેની સામે વાંધો ઉઠાવીને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરીને નવી પોર્ટ નીતિ 2019ને પડકારવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકારે નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે.

નવી બંદર નીતિનો હેતુ વધુ દરિયાકાંઠાના કાર્ગોને આકર્ષિત કરવાનો હતો અને ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં અડધો – અડધ ઘટાડો થશે તેવી પણ અપેક્ષા હતી. સૂત્રો કહે છે કે ગુજરાતમાં કેપ્ટિવ જેટીઝમાં વાર્ષિક આશરે 100 મિલિયન ટનની માલ હેરફેરની ક્ષમતા છે, જેનો ઉપયોગ નવી બંદર નીતિ હેઠળ થઈ શકે છે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, નવી બંદર નીતિ હેઠળ હાલની આઠ કેપ્ટિવ જેટીઓએ અરજી કરી હતી, જેમાં રાજ્યમાં રૂ .4000 કરોડના રોકાણની અપેક્ષા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ઓકટોબર -2019માં જાહેર કરાયેલા નીતિ વિષયક ફેરફાર બાદ કેપ્ટીવ જેટ્ટી ધરાવતા ગ્રુપ દ્વ્રારા થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ પણ કરી શકશે, જો કે તેના માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે સિંગલ ટાઈમ કરાર કરવાનો રહેશે

Most Popular

To Top