Business

મિત્ર અખબારની સરપ્રાઈઝ ગિફટ અણમોલ

દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આઝાદીની એની ઉજવણીના ભાગ રૂપે ‘ગુજરાતમિત્ર’ અખબારે એના 1947 ના વર્ષની 14 મી ઓગસ્ટની એક આનાની કિંમતવાળી જૂની પુરાણી દુર્લભ પેપરની કોપી પ્રકટ કરીને ચોંકાવી દીધાં  છે. વહેલી સવારે વરસતા વરસાદમાં ફેરિયાના હાથમાંથી અખબાર લેતાં પહેલાં તો નવાઈ લાગી. આ જૂનું પુરાણું અખબાર ભૂલથી તો આવી ગયું નથી ને! પરંતુ અખબારનાં પાનાં તપાસતાં આંખમાં ચમક આવી ગઈ. મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા, વાહ ભાઈ વાહ, ‘મિત્ર અખબાર’ આટલી જૂની નવી પેઢીના ગ્રાહકોની કદર અને કિંમત ‘મિત્ર અખબાર સિવાય કોઈની પાસે આ તાકાત નથી. ગુજરા હુઆ જમાનાની વિસરાતી યાદ ફરી તાજી થઈ ગઈ.

આંખમાં ખુશી સાથે હર્ષનાં આંસુ પણ આવી ગયાં. આઝાદીનાં 75 વર્ષની આવી અણમોલ ગિફટ માત્ર ‘ગુજરાતમિત્ર’ અખબાર જ આપી શકે. આ ગિફટ જેવી તેવી નથી. આની પાછળનો પરિશ્રમ અદ્ભૂત ગણાય. આ સરપ્રાઈઝ ગિફટ સાચવી રાખવા જેવી છે. વેલ્ડન મિત્ર અખબાર. અખબારના પહેલા પેઈજ પર પ્રકટ થયેલા શ્રી કનૈયાલાલ દેસાઈનો સંદેશો અને ‘સ્વરાજને  સુરાજ્યમાં પલટાવવાનું છે.’ એવું ડો. ઘીયાના નમ્ર સૂચનથી અહોભાવ પ્રકટ થયો. પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ બ્રિજ નહેરૂના દફતરોની યાદી જોવા મળી. એમાં સરદાર પટેલ અને રાજેન્દ્રપ્રસાદનાં નામ વાંચી મન પ્રસન્ન થયું. પછી જે કાંઈ બન્યું એ ઈતિહાસ માટે ભારત માતાની કમનસીબી ગણવી પડે. એવી જ લાગણી રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધીની તસવીર જોઈને થઈ.

આઝાદી પછીના માત્ર એક વર્ષમાં એમની હત્યા થઈ. દેશ અને દુનિયા સ્તબ્ધ બની ગઈ. લોર્ડ માઉન્ટ બેટનનું અંતિમ નિવેદન  આપણે મિત્રો હવે છૂટા પડીએ છીએ. આ વાંચી એમનું દર્દ સાથે ખુશી વ્યક્ત કરતા હોય એવી અનુભૂતિ થઈ. વિશેષ તો સુરતના પ્રાચીન કિલ્લા પર ફરકાવેલો નવો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ તે સમયના મિ. ડબલ્યુ એન. બખત્યાર સાથે શ્રીમતી જ્યોત્સ્નાબહેન શુકલના નામથી ખુશી પણ થઈ. આજે 75 વર્ષની ભારતના રાષ્ટ્રીય મહા પર્વ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી આન-બાન-શાન સાથે ત્રિરંગો લહેરાવ્યો ત્યારે વંદેમાતરમ, ભારત માતા કી જય ના નાદથી આકાશ ગૂંજી ઊઠયું.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top