Editorial

હવે સમય આવી ગયો છે કે, નશાબંધી વિભાગની જેમ ટીઆરબીનું પણ વિસર્જન કરવામાં આવે

છેલ્લા દોઢ મહિનાથી સરથાણાના વિવિધ વિસ્તારમાં પ્રાઇવેટ રિક્ષામાં ટ્રાફિક પોલીસના માણસો, ટીઆરબી તેમજ પ્રાઇવેટ માણસો લોકોને ટ્રાફિકના નિયમોના નામે રિક્ષામાં બોલાવીને દંડ ઉઘરાવીને લોકોને ત્રાસ આપતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. દરમિયાન દોઢ મહિના પહેલા એટલે કે તા. 10મી જૂલાઇ-2022ના રોજ મુળ અમરેલીના જાફરાબાદના પીછડીગામના વતની અને સુરતમાં યોગીચોક પાસે આંગન રેસિડેન્સીમાં રહેતા મેહુલકુમાર મનસુખભાઇ બોધરા કે જેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ સીમાડા કેનાલ રોડ ઉપરથી પસાર થતા હતાં ત્યારે ત્યાં ટીઆરબી જવાન સાજન ભરવાડ ટેમ્પાવાળાઓને રોકીને ઉઘરાણું કરી રહ્યાં હતાં.

તેમણે આ ઉઘરાણાનું ફેસબુક લાઇવ શરૂ કરતાં જ ટીઆરબી સાજન ભરવાડ ઉશ્કેરાયો હતો અને કોઇ પશુને પણ નહીં મારે તે રીતે દંડો લઇને તેમના ઉપર તૂટી પડ્યો હતો. આ વકીલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે મેહુલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દૂધીયા શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ ઇસમની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી હતી. જાણવા મળ્યા મુજબ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હુમલાખોર સાજન ભરવાડ ટીઆરબી સુપરવાઇઝર છે. પોલીસે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. આટલું ઓછુ હોય તેમ આ ટીઆરબી જવાન લાજવાને બદલે ગાજ્યો હતો.

તેણે આ વકીલના એક મિત્ર અનિલ રબારીને ફોન કરીને કહ્યું હતું કે મેહુલ બોધરા વર્દી ઉતરાવી દેશે તો શું થયું..? વર્દીની જરૂર નથી. પછી હું મેહુલ બોધરાને જોઇ લઇશ. તો બીજી તરફ સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા એડવોકેટ મેહુલ બોધરા ઉપર થયેલા જીવલેણ હુમલામાં સુરત જિલ્લા વકીલ મંડળની કાઉન્સિલ મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સુરત વકીલ મંડળ દ્વારા મેહુલ ઉપર જીવલેણ હુમલો કરનાર સાજન ભરવાડ નામના ઇસમની સામે કોઇપણ વકીલે વકીલપત્ર ફાઇલ નહીં કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. એક ટીઆરબી જવાન દ્વારા વકીલ ઉપર હિંસક હુમલાની ઘટનાને સમગ્ર ગુજરાતે લાઇવ જોઇ છે.

એક પણ વ્યક્તિનો મોબાઇલ ફોન એવો નહીં હશે કે જેમાં આ ઘટનાનું શુટિંગ નહીં હોય. આ ઘટનાના કારણે લોકોમાં એટલો આક્રોશ ફેલાયો હતો કે, કલાકો સુધી સરથાણા પોલીસમથકને લોકોએ ઘેરી લીધું હતું અને સૂત્રોચ્ચાર કર્યાં હતાં. આ ઘટના બાદ પોલીસે હવે નવ એવા ટીઆરબી જવાનને કાઢી મૂક્યા છે કે જેઓ ફરજ ઉપર બેદરકારી દાખવતા હતાં. પ્રજા અને ટીઆરબી વચ્ચેના ઘર્ષણની આ પહેલી ઘટના નથી. આવું વારંવાર થતું આવ્યું છે. સુરતના લોકોના બનેલા ટ્રસ્ટ દ્વારા ટીઆરબીને અડધો પગાર ચૂકવવામાં આવે છે.

એટલે કે આપણા જ રૂપિયા લઇને આપણી પર જ દમન કરવામાં આવે છે. ટીઆરબીનું કામ માત્રને માત્ર ટ્રાફિકને નિયમન કરવાનું છે. તેમ છતાં ઠેર ઠેર તેઓ લોકોના વાહનો અટકાવે છે. તેમની પાસે વાહન સંબંધીત દસ્તાવેજો માગે છે. ટીઆરબી દ્વારા થતાં ઉઘરાણાના વીડિયો શુટિંગ વારંવાર પ્રકાશમાં આવે છે. ટ્રાફિક પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બનતા નથી તેટલા બનાવો ટ્રાફિક બ્રિગેડ અને પ્રજા વચ્ચેના પોલીસ ચોપડે નોંધાયા છે. આ તમામ હકીકત દર્શાવે છે કે, ગુજરાતીઓને ટીઆરબીની આ સિસ્ટમ પસંદ નથી. જો ટ્રાફિક નિયમન માટે જ તેમને લાવવામાં આવ્યા હોય તો શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો કેમ ઓછા થતાં નથી.

ટીઆરબીની સિસ્ટમ નહીં હતી ત્યારે શહેરમાં જેટલો ટ્રાફિક જામ થતો હતો એટલો જ આજે પણ થાય છે. પરંતુ એક હકીકત સ્પષ્ટ છે કે, ટીઆરબીની વાણી અને વર્તન ગુજરાતીઓ પસંદ કરી રહ્યાં નથી. એટલે જે રીતે વર્ષો અગાઉ નશાબંધી અને આબકારીનું વિસર્જન કરી નાંખવામાં આવ્યું હતું તેવી જ રીતે ટીઆરબીનું વિસર્જન કરી નાંખવામાં આવે તો જ ગુજરાતીઓને તેમની કનડગતમાંથી મુક્તિ મળી શકે તેમ છે. પોલીસ ભલે એવું માને છે કે ટીઆરબી ફક્ત ટ્રાફિકનું નિયમન કરે છે પરંતુ જો રસ્તા ઉપર પસાર થતાં વાહનચાલકો, રિક્ષા ચાલકો કે ગુડ્સ વ્હિકલના ચાલકોને પૂછવામાં આવે તો સાચી હકીકત બહાર આવશે કે ટીઆરબી ટ્રાફિક નિયમન ઓછું અને કનડગત વધારે કરે છે.

Most Popular

To Top