Columns

નિરાધારનું આશ્રયસ્થાન- સલામતીનું ધામ:
અમેરિકા

અમેરિકા દેશ જ ઈમિગ્રન્ટોનો છે. કોલંબસે ઈ. સ. 1492માં એની ખોજ કરી ત્યારે એ દેશમાં રહેતા રેડ ઈન્ડિયો આજે ત્યાં નહીંવત જેટલી સંખ્યામાં છે. 40 કરોડની વસતિ ધરાવતા દુનિયાના એ સૌથી આગળ પડતા દેશમાં બહારથી આવીને વસેલા લોકો જ રહે છે. ન્યૂયોર્કના બારામાં ઊભેલી સ્વતંત્ર્તાની દેવી પણ વિશ્વના લોકોને આહવાન આપે છે કે ‘વિશ્વના હારેલા, થાકેલા, દુ:ખ-દર્દથી પીડાતા માનવીઓ તમે અહીં આવો, હું તમને આશ્રય આપીશ.’ અમેરિકા ખંડની શોધ થઈ ત્યાર બાદ લગભગ 200 વર્ષ સુધી એમાં પ્રવેશવા માટે કોઈ પણ જાતની રોકટોક નહોતી. સૌ પ્રથમ યુરોપના અને ઇંગ્લેન્ડના લોકોએ અમેરિકા ભણી દોટ મૂકી.

તેઓ એ સમયે દુષ્કાળથી પરેશાન હતા. રોગચાળાથી હેરાન હતા. રાજાઓ અને ધર્મગુરુઓના રંજાડથી ત્રાસેલા હતા. પછી વિશ્વના બધા જ દેશોના લોકો અમેરિકા પ્રત્યે આકર્ષાયા. ભારતીયો એ સમયે ભારત છોડીને અમેરિકા ન દોડ્યા કારણ કે ભારતમાં ત્યારે સુવર્ણયુગ હતો. પછી આપણે ગુલામ બન્યા. 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું. અંગ્રેજોની અસર હોવાના કારણે આપણે ઇંગ્લેન્ડ અને એની હકૂમત નીચેના દેશોમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે અમેરિકા વિશ્વનો આગળ પડતો દેશ બનવા લાગ્યો અને ભારતીય ઇંગ્લેન્ડ છોડીને અમેરિકા પ્રત્યે આકર્ષાયા. એ આકર્ષણ હજુ આજે પણ ચાલુ છે.

સ્થળાંતરનો મૂળભૂત સિદ્ધાંત છે ‘પુશ એન્ડ પુલ.’ જે દેશમાં અશાંતિ હોય, અરાજકતા હોય, કમાવાની તકો ન હોય, ભણતર સારું પ્રાપ્ત થતું ન હોય, રાજકારણીઓ પ્રજાને રંજાડતા હોય, ધર્મના નામે અત્યાચારો થતા હોય એ દેશ એમના દેશવાસીઓને દેશ છોડી જવાની ફરજ પાડે, ધક્કો મારે, ‘પુશ’કરે. જે દેશમાં સુખ-સાહ્યબી હોય, કમાવાની તકો હોય, રાજકારણીઓ પ્રજાનું શોષણ કરતા ન હોય, ધર્મના નામે અત્યાચારો થતા ન હોય એ દેશ અન્ય દેશના લોકોને પોતાને ત્યાં આવવા માટે આકર્ષે, ખેંચે, ‘પુલ’કરે. આજે ભારતમાં અશાંતિ, અરાજકતા પ્રવર્તતી નથી. આપણા દેશનો વ્યાપાર-ઉદ્યોગ ખૂબ જ ખીલ્યો છે. આપણી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ માટે પંકાયેલી છે. આપણો દેશ સહિષ્ણુ છે. ધર્મના નામે કોઈને રજાંડવામાં નથી આવતા. ઊલ્ટાનું સરકાર માયનોરિટીઓને વધુ પડતું રક્ષણ આપે છે. આપણા દેશ-દેશવાસીઓને દેશ છોડીને બહાર જવા માટે, અન્ય કોઈ દેશમાં જવા માટે ધક્કો નથી મારતો, પુશ નથી કરતો. પોતાના કુટુંબના અને દેશના વધુ વિકાસ માટે જ આજે ભારતીયો અમેરિકામાં સ્થળાંતર કરે છે.

વિશ્વમાં આજે એવા અનેક દેશો છે, જ્યાંની પ્રજા ખૂબ જ પીડિત છે. એમને રંજાડવામાં આવે છે, આથી તેઓ પોતાનો દેશ છોડીને અમેરિકામાં આશરો માંગે છે. નિરાધારનું આશ્રય સ્થાન સલામતીનું ધામ અમેરિકા છે. આવા શરણાર્થીને અમેરિકા આશરો આપે છે. જે કોઈ વ્યક્તિને એના દેશમાં ધર્મના કારણે, રાજકીય વિચારોના કારણે, કોઈ સંસ્થાના સભ્યપદના કારણે, જાતિના કારણે રંજાડ થતો હોય અને એમના પોતાના દેશમાં રહેવાની ભીતિ લાગતી હોય અથવા જો તેઓ અમેરિકામાં હોય અને આવી ભીતિના કારણે સ્વદેશ પાછા જવાની એમની ઈચ્છા ન હોય એ લોકો અમેરિકામાં શરણાગતિ એટલે અસાયલમ માંગી શકે છે. અસાયલમ અમેરિકાની બહાર રહીને માંગી શકાય છે અને અમેરિકામાં પ્રવેશ્યા બાદ 1 વર્ષની અંદર પણ એની માંગણી કરી શકાય છે. આ માટે નિયત કરવામાં આવેલ અરજીપત્રક ભરવાનું રહે છે. એમના ઉપર શું વીત્યું હતું, એમને શું વીતશે એ એમણે જણાવવાનું રહે છે. એ હકીકતના પુરાવાઓ આપવાના રહે છે.

અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરો અસાયલમની આવી અરજી મળતા એની ચોકસાઈ કરીને અરજદારને આશરો આપે છે. જરૂર પડે તો આવી અરજીઓ ઈમિગ્રેશન જજને નિર્ણય માટે મોકલવામાં આવે છે. જ્યાં સુધી અસાયલમ આપવું કે નહીં એનો નિર્ણય લેવામાં ન આવે, ત્યાં સુધી અસાયલમ માંગતી વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. અસાયલમ માંગનાર વ્યક્તિની સાથે સાથે એમની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની ઉંમરનાં અવિવાહિત સંતાનોને પણ અસાયલમ મળી શકે છે. આજે યુક્રેનમાંથી સેંકડો લોકોએ અમેરિકામાં અસાયલમની અરજી કરી છે. અફઘાનિસ્તાનમાંથી સેંકડો લોકોને અમેરિકાએ અસાયલમ આપીને આશરો આપ્યો છે. મેક્સિકોમાંથી તો રોજેરોજ સેંકડો લોકો અસાયલમની માગણી કરે છે.

ભારતમાં સુખ, સાહ્યબી અને શાંતિ છે. રાજકીય દમન બિલકુલ નથી. ધર્મના કારણે કોઈના ઉપર અત્યાચાર થતો નથી. આમ છતાં અમુક લોકો ખોટેખોટાં કારણો આપીને અમેરિકામાં કાયમ રહેવા માટે અસાયલમની ખોટી અરજીઓ કરે છે. આવા લોકોએ એ જાણી લેવાની જરૂર છે કે અસાયલમની અરજી કરતા તમે જે કંઈ પણ વાતો જણાવો છો, એ સોગંદ ઉપર જણાવો છો. તમારી વાતો જો ખોટી પુરવાર થાય તો અમેરિકાની સરકાર તમને સોગંદ ઉપર જુઠ્ઠું બોલવા માટે થતી સજા જે દંડ અને જેલ હોઈ શકે છે એ કરશે અને ત્યાર બાદ અમેરિકાની બહાર તગેડી મૂકશે.

ક્યારેય પણ અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર પ્રવેશવા ન દેવા એવી પાબંદી લગાવશે. આવી પાબંદી લાગતા વિશ્વના બીજા દેશો પણ તમને એમને ત્યાં પ્રવેશ નહીં આપે.અસાયલમ વિશ્વમાં જે લોકોનું ખરેખર ધર્મના કારણે, રાજકીય વિચારોના કારણે, અમુક સંસ્થાના સભ્યપદના કારણે શોષણ થતું હોય, દમન થતું હોય એમના માટે છે. માનવતાના સિદ્ધાંતોના આધારે અસાયલમ અપાય છે. આ સગવડનો, આ સલામતીનો ગેરઉપયોગ કરવો ન જોઈએ. ભારતીયોએ ફકત અમેરિકામાં કાયમ રહેવા મળે એ વિચારે અસાયલમ માંગવું ન જોઈએ.

Most Popular

To Top