મને ખબર છે, એકાદ તો વલાર નાંખશે જ કે, ‘છીઈઈઈઈ..! આવો તે કોઈ વિષય હોય..?’ ભઈઈઈ…બહુરૂપી બનના હૈ, તો સબ ખેલ કરના પડતા હૈ, એમ હસાવવા માટે કંઈને કંઈ લાવવું તો પડે ને.? નાકનો વાળ ખેંચ્યો જ ના હોય એમ ચીહાળા શું પાડો છો..? હા, એક વાત છે, નાકના વાળ ખેંચવા એ સારી ટેવ નથી. ભોદા લાગીએ..! તંઈઈઈ..? અમુક તો ફોન ઉપર વાત કરતા કરતા પણ કતલ કરતા હોય. પછી જેવો જેનો ફોન..! ગમતી વ્યક્તિ હોય તો, વાળને મમરાવે, ને વાઈફનો ફોન હોય તો ચાર-પાંચ વાળ શહીદ પણ કરી નાંખે! જેવો જેનો વાર્તાલાપ! આવું નહિ કરાય!
નાકની ગુફા વિફરી તો, એક ઉપર બીજું નાક પણ ફૂટે..! એક ઉપર એક ફ્રી..! જેને ઢીમચું કહેવાય..! ઢીમચું એટલે ઢીમચું ..! સામાવાળાને આપણું ૧૨૦ રતલનું શરીર નહિ દેખાય, ટ્રાફિક સિગ્નલ જેવું ઢીમચું પહેલા દેખાય..! નાક ઉપર એવું ફૂટી નીકળે કે જાણે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી…! જાણકાર હોય તો સંભળાવે પણ ખરો, ‘નાકના વાળ ખેંચો તો આવું જ થાય..! હવે ઢીમચા ઉપર હાથ ફેરવ્યા કરો..! કોઈના નાક ઉપર ઢીમચું જોવા મળે તો રાખે એવું માનતા કે, મધમાખી કઈડી ગઈ હશે. ખેંચાખેંચી કરવાનું દુષ્પરિણામ પણ હોય શકે..! જો કે, આ મુદ્દે હું પણ દુધે ધોયેલા જેવો નથી જ..! આ લત મને પણ વળગેલી હોવાથી, શૈલીને (વાઈફ) લઈને ફર્યો નથી, એનાથી વધારે ઢીમચું લઈને ફર્યો છું. આદતસે મજબુર…!
અમુક તો તો સંભળાવી પણ ગયેલા કે, ખેંચો ખેંચો, નાકના વાળ ખેંચો..? ‘પણ જેને આનંદ જ માણવો હોય, એ ગમે ત્યાંથી ગમતાનો ગુલાલ શોધી કાઢે. જેમ છીંક ખાધા પછી, જન્નત મળ્યું હોય એવી હાશ થાય, માવો ખાનારને, જેવો માવો મોંઢામાં પડે એટલે, ઇન્દ્રાસન મળ્યું હોય એમ ખીલી ઉઠે. નાકનો વાળ ખેંચવામાં પણ આવી જ અનુભૂતિ થાય. ટમ્પુના હાથમાં હોર્બોજ ખાદીનો હવાલો આવી ગયો હોય, એવી ફીલિંગ આવી જાય. આમ કરવાથી ‘નાક’ની પણ ઈમેજ બગડે, એ ભૂલી જાય..! જો કે, નાકના વાળ પણ ખેંચાવા માટે જ પેદા થતા હોય એમ, લોકો નવરા પડ્યા નથી, ને બિચારા ખેંચાયા નથી..!
અસ્સલ એવું સાંભળેલું કે, ‘નવરો માણસ કાટલાં તોકે’ એમ, હવે એવું ‘વર્ઝન’ આવ્યું કે, ‘નવરો માણસ નાકના વાળ ખેંચે..!’ એને ‘upgradation’ કહેવાય. માણસ જ્યારે મંદીની ભીંસમાં આવે, ગ્રાહકનાં દર્શન પણ ‘દુર્લભ’ થઇ ગયા હોય, લેખકની બુદ્ધિ બહેર મારી ગઈ હોય, કે વાઈફે રોજ કરતા વધારે ખખડાવી નાંખ્યો હોય ત્યારે આવી ‘ખેંચાખેંચી’ થાય..! અમુક તો એવી નિર્દયતાથી વાળ ખેંચે કે, જાણે રીઢા ભાડુઆતને, મકાનમાંથી બહાર ના ફેંકતો હોય..? વાળનો ‘નાક-નિકાલ’ નહીં થાય, ત્યાં સુધી જંપે નહીં. સારું છે કે, નાકની ગુફામાં માથા જેવી ટાલ પડતી નથી. બીજાની તો શું પંચાત કરવી, આ લેખમાં આગળ વધવા માટે આદત પ્રમાણે મેં પણ ૧૮-૧૯ વાળનો ખાત્મો બોલાવ્યો હશે!
આ એક ‘ઇન્ટર નેશનલ હેબીટ’ છે દાદૂ..! ફેર એટલો કે બીજા બોલે નહિ, ને આપણે બકબક કરીએ..! ખૂબીની વાત એ છે કે, આટલો જુલમ થવા છતાં, નાકના વાળ ગદ્દાર બનતા નથી, ખુદ્દાર હોય..! માથાના વાળ તો ચુપચાપ ટાલીયા બનાવીને ચાલી જાય. નાકના વાળ ખુદ્દારી છોડતા નથી..! છેલ્લા શ્વાસ સુધી સંબંધ જાળવ રાખે. બાકી કોઈના નાકમાં ટાલ પડી હોય એવું સંભળાયું નથી..! બીજું કે, માથાના વાળ ફેલાય તો, ‘ફેશન’ કહેવાય. નાકના વાળને એવી જાહોજલાલી નથી. નાકના વાળની ‘ડાય’ કરીને, ચોટલા કે ચોટલીની ગૂંથણી કરી હોય એવું જાણમાં નથી!
નાકના ભૂંગળાની બહાર જેવો પગ કાઢે એટલે, કતલ થઈ જાય.! નહીં તો સુંદરતાની પથારી ફેરવી નાંખે. વિશ્વની મહાન નૃત્યાંગના અન્ના પાવલોવા (Anna Pavlova), માર્થા ગ્રેહામ (Martha Graham) અને માર્ગોટ ફોન્ટેન (Margot Fonteyn) ની જેમ નાકના વાળને બહાર નીકળીને ઝૂમવા ના દે..! નાકનાં વાળ એટલે શ્વાસોશ્વાસનું કુદરતી ફિલ્ટર, ધૂળની રજકણો માટેનું ‘ટોલ-નાકું..!’ એમના NOC વગર ફેફસા-ધામની યાત્રા સંપન્ન નહિ થાય..! અંગ્રેજી ભાષાના સમર્થ હાસ્ય લેખક પી,જી.વોડહાઉસ અને બીલ બ્રાયસને પણ આ વિષય ઉપર એક લેખ લખેલો.
બને એક રાતે સ્વપ્નામાં આવીને કહે, ‘બેટા રોમેશ..! (આ લોકો રમેશનું રોમેશ કરે..!) નાકનો વાળ ખેંચવા એ માત્ર સંહાર-ક્રિયા નથી, તણાવ મુક્ત થવાનું હાથવગું હથિયાર પણ છે. ખેંચીને વાળ તોડો એટલે, અઘરા પ્રશ્નનોનો ઉકેલ મળવા માંડે. મરવા પડેલું મગજ ક્રિયાશીલ થાય. બરફ બની ગયેલા વિચારો પ્રવાહિત થાય. બીજું કે, એક વાતની માત્ર મને જ ખબર છે કે, વિચારોને સજીવન કરવાનો કોઈ અકસીર ‘પોઈન્ટ’ હોય તો એ નાકની ગુફામાં આવેલો છે.’ આવું સાંભળીને મારાથી હસતા હસતા વાળ ખેંચવાની ચળ એવી ઉપડી કે, નોન-સ્ટોપ ચાર-પાંચ વાળ મારાથી શહીદ થઇ ગયા. આમ કરવાથી વેદના એવી સખ્ત થઇ કે, ચીસ પાડીને જગાય ગયું. પણ જાગીને જોઉં તો જગત દિશે નહિ, એમ બંને ગાયબ..! પછી ખબર પડી કે, આ તો એક સ્વપ્નું હતું..!
તમને જાણીને નવાઈ લાગશે કે, નાકના વાળ ખેંચવાના વિષય ઉપર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માટે દાવો કરનારા પૈકી અમેરિકાના સ્પ્રિંગફીલ્ડના રહેવાસી માઈકલ બેઈલી (Michael Bailey) એ તો પોતાના નાકમાંથી જ નીકળેલા અંદાજે ૫૮૪ જેટલા લાંબા અને જાડા નાકના વાળ ભેગા કરીને એક અનોખો રેકોર્ડ બનાવેલો..! પણ આપણે એવું કરવું નથી. ભલે ને એ અકસીર ઈલાજ કે ક્ષણિક આનંદની ચેષ્ટા હોય, સજ્જન માણસ માટે નાકમાંથી વાળ ખેંચવાની ક્રિયા શોભાયમાન નથી. લગનનું પાકું કરતા પહેલા ચીલાચાલુ અનેક પ્રશ્નોતરી થાય છે ત્યારે, આ પણ પૂછવાનું કે, જાતકને નાકના વાળ ખેંચવાની આદત તો નથી ને..? કમસેકમ મૂછના દોરા જેટલી ઈજ્જત તો નાકના વાળની પણ થવી જ જોઈએ. ધોળા દિવસે તારા જોવાનો જેને શોખ હોય, એમણે જ અરીસા સામે ઊભા રહીને આ ચેષ્ટા કરવાની.નહિ એક નાક ઉપર બીજું નાક (ઢીમચું) ઉભું થાય..! એક છીંકશે ને બીજું કણસશે…! પછી એમ નહિ કહેતા કે, સમાજમાં મારું નાક નાં રહ્યું..! શું કહો છો રતનજી..?
લાસ્ટ બોલ
વાળ કપાવીને ઘરે આવીને ચમનીયાએ ચંચીને એટલું જ કહ્યું કે, ‘જો મારા વાળ સરસ કાપ્યા છે ને..?
હું ઉમરમાં હવે તારાથી ૧૦ વર્ષ નાનો લાગુ છું..!
ચંચી કહે, ‘સાવ ટકો જ કરાવીને આવવું હતું ને..? હજી હમણાં જ જન્મ્યા હોય એવા દેખાતે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.