Charotar

નડિયાદ પોલીસની સોલાર અને ITની લડાઈની તમામ વાતો બોગસ


ક્રિકેટના કરોડોના કાળા કારોબારની ભાગબટાઈ વખતે પોલીસના મળતીયાઓ બાખડ્યા
વીડિયો પોલીસ ક્વાર્ટર્સનો નહીં,પરંતુ ‘આંબાવાડીયુ’ નજીક સટોડીયાના મકાનનો હોવાની ચર્ચા


ખેડા જિલ્લાના 3 પોલીસ ઈન્સપેક્ટર્સના સસ્પેન્શન અને વાયરલ વીડિયો પાછળ કરોડોનો ક્રિકેટનો કાળાબજારનો ધંધો જવાબદાર છે. નડિયાદમાં ફતેપુરા રોડ પર આવેલી પોલીસ અધિકારીઓની ભાગીદારીવાળી હોટલની નજીક એક સટોડીયાના મકાનમાં બનેલી ઘટનાનો વીડિયો હોવાનું મનાય છે. અહીં, ભાગબટાઈની બાબતે ચાલી રહેલી વાતચીત દરમિયાન પોલીસના મળતીયાઓ ઉગ્ર થઈ ગયા અને બાખડી પડ્યા હોવાની પણ વિગતો સાંપડી છે. જો કે, તપાસકર્તા આ સમગ્ર મામલે ઘટનાને જવાબદાર અધિકારીઓ દ્વારા જાહેરાતો કરી બહાર લવાયેલી સોલર અને ITની બાબતને ટાંકી પોઝીટીવ રીપોર્ટ કરી નાખે તેવી વકી છે.
સસ્પેન્ડ થયેલા પી.આઈ. હરપાલસિંહ ચૌહાણ, યશવંત ચૌહાણ અને આર. કે. પરમારના 17 સેકન્ડના વીડિયોએ ખળભળાટ મચાવી હતી. આ અંગે આઈ.જી. અને ડી.જી.પી. કક્ષાએથી તે સમયે કાર્યવાહી કરાઈ હોત, તો ત્રણેય પોલીસ ઈન્સપેકટર્સની જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં બદલી શક્ય બની હોત. પરંતુ ઘીના ઠામમાં ઘી ઢાળવા અને પુરાવાનો નાશ કરવાનો સમય મળે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાર્યવાહી કરાઈ અને ત્રણેય પી.આઈ. ખેડા હેડક્વાર્ટરમાં મૂકી સસ્પેન્ડ કરાયા. જો કે, આ વચ્ચે તપાસને ખોટી દિશા આપવા માટે જાહેરાતોના માધ્યમથી આખી ઘટનાને સોલાર નાખ્યા બાદ પણ લાઈટબિલ વધારે આવતુ હોય અને ITનો અગ્રણી હોય તો ઉપડી ગયેલા નાણાં પરત લાવી આપ જેવી બાબતે 2 સિવિલયનને માથાકૂટ થઈ હોવાની વિગતો બહાર લાવવા પ્રયાસ કરાયા હતા. પરંતુ આવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હોય તે પ્રથમ દ્રષ્ટિએ જ માનવામાં ન આવે તેવી વાતો છે. ત્યારે આ અંગે હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્રણેય પોલીસ ઈન્સપેક્ટર્સ અને તેમના મળતીયા મિત્રો નડિયાદના જ આંબાવાડીયુ કાફેની નજીક એક સટોડીયાના ખાનગી મકાનમાં મળ્યા હતા. જ્યાં દારૂની મહેફીલ માણી હોવાની ચર્ચા છે. જે દરમિયાન ક્રિકેટના સટ્ટાના કાળા કારોબાર મામલે કરોડો રૂપિયાની ભાગબટાઈની ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સત્તાધારી નેતાઓને ખુદ પોલીસ ઈન્સપેક્ટર્સ દ્વારા જ ગાળો પણ બોલવામાં આવી હતી. આ વખતે મળતીયા મિત્રો ભાગબટાઈ મામલે બાખડી પડ્યા હોવાની ચર્ચા છે અને આ વખતે ત્રણેય પી.આઈ. તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જેનો વીડિયો ઉતારી લેવાયો અને તેમાંથી 17 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. ત્યારે હવે તપાસ કરનારા ડી.વાય.એસ.પી. વિમલકુમાર બાજપાઈ દ્વારા જાહેરાતોના માધ્યમથી સોલારની બાબતે થયેલી માથાકૂટ જેવી બાબતોને ટાંકી અને મામલો રફેદફે કરશે કે પછી આ સમગ્ર મામલે સત્ય હકીકતો શું છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી ત્રણેય પી.આઈ.ની વિરુદ્ધ કડક પગલાં લેવા જણાવશે, તે જોવુ રહ્યુ.

માત્ર આ વિગતો જાહેર થઈ
1. 13 ફેબ્રુઆરીએ નડિયાદ ટાઉન અને પશ્ચિમ પી.આઈ.ને લીવરીઝર્વમાં ખેડા હેડક્વાર્ટર બદલી કરાઈ
2. 23 ફેબ્રુઆરીએ વીડિયો વાયરલ થયો
2. 24મી ફેબ્રુઆરીએ વહેલી સવારે વીડિયોમાં દેખાતા ત્રીજા પી.આઈ. આર. કે. પરમારને SPએ લીવ રીઝર્વમાં ખેડા હેડક્વાર્ટર મુક્યા
3. 24મી ફેબ્રુઆરીએ જ ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક જિલ્લા પોલીસ વડાએ ત્રણેય પી.આઈ.ને સસ્પેન્ડ કર્યા
4. 24 ફેબ્રુઆરીએ જિલ્લા પોલીસ વડાએ આ વીડિયો અંગેની ખાતાકીય તપાસ ડી.વાય.એસ.પી.ને સોંપી
5. આ સમગ્ર ઘટનાક્રમમાં સંડોવણી ધરાવતા પોલીસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ પ્રશાસને જાહેરાતો આપી અને આ વીડિયોમાં બે સિવિલિયન મિત્રો સોલર માટે મારામારી કરી અને પી.આઈ. તેમાં છોડાવવા પડ્યાને ભોગ બન્યા તેવુ ઉજાગર કરવા પ્રયત્ન કરાયા

જે કરવાનું હતુ અને ન થયુ તે બાબતો
1. વીડિયો વાયરલ થયા પછી આઈ.જી. કે ડી.જી.પી. કક્ષાએથી કાર્યવાહીના ભાગરૂપે ત્રણેય પી.આઈ.ને સસ્પેન્ડ કરી જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં મૂકવા
2. ખાતાકીય તપાસના બદલે પોલીસ દ્વારા જાતે ફરીયાદી બની પ્રોહીબીશન અને શિસ્તભંગ બદલ ત્રણેય પી.આઈ. સહિતના લોકો સામે કાયદેસરની ફરીયાદ દાખલ કરવાની હતી
3. જે ઝોનમાં આવતા પોલીસ ઈન્સપેક્ટર્સ હતા, તેમના ડી.વાય.એસ.પી.ને તપાસ સોંપવાના બદલે જિલ્લા બહારના કોઈ IPS અધિકારીને તપાસ સોંપવાની જરૂર હતી
4. પોલીસ ઈન્સપેક્ટર્સ અને મહેફીલમાં હાજર અન્ય સિવિલયન માણસો વચ્ચેના સબંધ શું? તે અંગે તપાસ કરવી
5. સોલાર મામલે ઝઘડો થયાની જાહેરાતો કોણે છપાવી અને કયા હેતુથી છપાવી? તે અંગે તપાસ કરવી

ગુનો દાખલ કરવાને બદલે ખાતાકીય તપાસના નામે સોગઠા ગોઠવાયા
આ સમગ્ર મામલે ત્રણ પોલીસ ઈન્સપેક્ટર્સ સાથે તેમના ભાગીદારોની મહેફીલ, દારૂની હયાતી અને મારામારી મામલે ઉંડાણપૂર્વક તપાસ માટે પહેલા ફરીયાદ દાખલ કરવાની હતી. તેના બદલે જિલ્લા પોલીસ વડાએ ત્રણેયને સસ્પેન્ડ કરી માત્ર ખાતાકીય તપાસ સોંપી છે. જે ખાતાકીય તપાસમાં શું ચાલી રહ્યુ છે? તે અંગે પોલીસ કોઈ પણ જાતની માહિતી આપવા તૈયાર નથી. જેથી પારદર્શિતા ન દાખવી અને ત્રણેય પી.આઈ.ને બચાવી લેવા સોગઠા ગોઠવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top