Charotar

દારૂની મહેફીલમાં સંડોવાયેલા 3 PIને બચાવવા માટે IPS અધિકારીઓ મેદાને પડ્યા?


2 મિત્રોની માથાકૂટ આગળ ધરી 3 પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવાની કારસો ઘડાયો
(
નડિયાદમાં 3 PI અને તેમના મિત્રોની દારૂની મહેફીલમાં નશો ભલે ઉતરી ગયો હોય, પરંતુ હજુ પણ આ મામલે પોલીસની કાર્યવાહીની વિગતો જાણવા આખુ ગુજરાત આતુર છે. જો કે, આ મહેફીલ કાંડ પર પડદો પાડી દેવા માટે કેટલાય IPS કક્ષાના અધિકારીઓ મેદાને પડ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. તો એટલુ જ નહીં, ખુદ જિલ્લા પોલીસ પ્રશાસનથી માંડી મહેફીલમાં સંડોવાયેલા 3 PI લોકોના મગજમાંથી મહેફીલકાંડનો નશો ઉતારવા માટે તેમના જ 2 મિત્રોની માથાકૂટ થઈ હોવાનું તેની પાછળ છુપાઈ પોતાની લાજ બચાવવા પ્રયત્નશીલ બન્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના મિત્રોએ એક બંધ રૂમમાં દારૂની બોટલો સાથે મહેફીલ કરી. આ મહેફીલમાં શ્વેત પટેલ અને મનીષ જૈનની વચ્ચે મારામારી થઈ, જે દરમિયાન ટાઉન પી.આઈ. હરપાલસિંહ ચૌહાણ, પશ્ચિમ પી.આઈ. વાય.આર. ચૌહાણ અને વડતાલ પી.આઈ. આર. કે. પરમાર છોડાવવા પડ્યા અને આ દરમિયાન ત્યાં જ હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતાર્યો. આ વીડિયોનો 17 સેકન્ડનો એક ટુકડો વાયરલ થઈ ગયો. તે બાદ ભીંસમાં મુકાયેલા જિલ્લા પોલીસ પ્રશાસને ત્રણેય પી.આઈ.ને સસ્પેન્ડ કર્યા, જ્યારે ડી.વાય.એસ.પી. બાજપાઈને તપાસ સોંપાઈ. આ વીડિયો વાયરલ થયે અને તપાસ શરૂ થયે આજે દસેક દિવસનો સમય વીતિ ગયો છે, પરંતુ ખાતાકીય તપાસમાં પોલીસ શું રાંધી રહી છે તે અંગે કોઈ જ સ્પષ્ટતા થઈ રહી નથી. આટલુ જ નહીં, પરંતુ જે ડી.વાય.એસ.પી.ના વિસ્તારના 3 પી.આઈ. મહેફીલકાંડમાં પકડાયા, તે જ ડી.વાય.એસ.પી.ને ખાતાકીય તપાસ આપી ત્રણેય પી.આઈ.ને બચાવવાની પેરવી પહેલાથી જ કરી લેવાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આ વચ્ચે હવે સમગ્ર મામલે ખૂબ મોટો ઉહાપોહ થતા અને રાજ્યભરમાં ચકચાર જાગી હોય, આ મામલે અનેક IPS અધિકારીઓ પોતાના માનીતા આ ત્રણેય પી.આઈ.ને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.
આ વચ્ચે છેલ્લા 2 દિવસથી બંધ રૂમમાં બનેલી આ ઘટના અંગે અનેક પ્રકારની માહિતી બહાર આવી રહી છે. પરંતુ બંધ રૂમમાં બનેલી ઘટના અચાનક બહાર કેમ આવી? તે પણ મહત્વનો પ્રશ્ન બન્યો છે. મળતી માહિતી મુજબ મહેફીલ પૈકીના શ્વેત પટેલ અને મનીષ જૈન વચ્ચે અંગત બાબતે ઝઘડો થયો હોવાનું સામે લાવી અને દારૂની મહેફીલનો નશો લોકોના મગજમાંથી ઉતારવા પ્રયાસ થઈ રહ્યો છે. આ બંને વચ્ચે ખાતામાંથી ઉપડી ગયેલા નાણાં IT એક્સપર્ટ તરીકે મનીષ જૈન પરત લાવી શકે કે કેમ? તેમજ સોલાર નાખવા છતાં બિલ વધારે આવતુ હોવા અંગેની શ્વેત પટેલ સાથે તકરારની બાબત સામે લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો કે, આખી ઘટનામાં મૂળ વીડિયો 17 સેકન્ડ નહીં પરંતુ વધારે સેકન્ડનો હોય અને તેમાં નડિયાદના એક અગ્રણ્ય સત્તાધારી પક્ષના જ નેતાને અપશબ્દ બોલ્યાં હોવાની બાબતને પણ દબાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર બાબતે ખાતાકીય તપાસ પણ જિલ્લા બહારના કોઈ નિષ્પક્ષ અને બાહોશ IPS અધિકારીને આપવામાં આવે તો જ સત્ય હકીકત બહાર આવે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી વકી છે.

ત્રણેય પીઆઈ સામે દાખલારૂપ પગલાં ભરવા માંગ
સમગ્ર મામલો શાંત થતો જોઈ ખેડા જિલ્લા કોંગ્રેસની લીગલ ટીમના વડા પણ હવે મેદાને ઉતર્યા છે. તેમણે આજે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત આપી છે. જેમાં ખેડા જિલ્લા પોલીસ પર છેલ્લા કેટલાય વખતથી ખાખી પર દાગ લાગતા હોવાનું જણાવ્યુ છે. રાજ્યમાં દેશી દારૂનો સૌથી મોટો અડ્ડો નડિયાદમાં SMCએ પકડવાથી માંડી ત્રણ પી.આઈ.ની દારૂની મહેફીલ, ટુંડેલ દારૂ પ્રકરણ, નડિયાદ રૂલરમાંથી ચોરાયેલો દારૂ, બિલોદરા સિરપકાંડ, જિલ્લામાં તાડીકાંડ સહિતની બાબતે ખાખીની છાપ ખરડી હોવાનું જણાવ્યુ છે. પી.આઈ. પ્રકરણમાં રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી છે.


ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીની માહિતી ન આપી શકાયઃ તપાસકર્તા
આ સમગ્ર મામલે આખી ઘટનાની તપાસ કરતા ડી.વાય.એસ.પી. બાજપાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ બાબતે કોઈ અપડેટ આપવાની ન હોય, ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી છે. જે પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે. ત્યાં સુધી કોઈ માહિતી આપી શકાય નહીં.


સોલાર અને આઈટીની વાતો બોગસ?
મહેફીલકાંડને છૂપાવવા માટે છેલ્લા બે દિવસથી બંધ રૂમમાં થયેલી મારામારી અને માથાકૂટની વિગતો બહાર આવી રહી છે. પરંતુ તેના તથ્ય અંગે કોઈ તપાસ કરવા તૈયાર નથી. IT એક્સપર્ટ મનીષ જૈને સોલારનો વ્યવસાય કરતા શ્વેત પટેલને સોલાર અંગે બિલ ઓછુ ન થયુ હોવાનું જણાવ્યુ અને બીજીતરફ શ્વેત પટેલે IT એક્સપર્ટ મનીષ જૈનને બેંક ખાતામાંથી ઉપડી ગયેલા નાણાં પરત લાવી આપવા બાબતની વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હોવાનું બહાર આવી રહ્યુ છે. પરંતુ આટલી નાની બાબતમાં મારામારી સુધી વાત પહોંચે તે શક્યતાઓ જ ઓછી જણાય છે, જેથી બંને વાતો માત્ર લોકોનું ધ્યાન ભટકાવવા બહાર લવાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top