Charchapatra

દઢ નિશ્ચયી બનો

કૃતનિશ્ચયી બનવું અઘરું નથી. કોઇ પણ કાર્ય કરો, એક દ્રઢ નિશ્ચય કરીને આરંભ કરો. કોઇ પણ સંજોગોમાં પૂરું કરીને સફળ થઈને જ એ કામ પૂર્ણ કરીશું એવો દ્રઢ નિર્ધાર કરો. જે લોકો હાર્યા વગર,અટક્યા વગર આગળ વધે છે તેની ડોકમાં વિજયમાળા સામેથી આવીને વરે છે. જરૂર છે માત્ર આત્મવિશ્વાસ અને સાહસવૃત્તિના ગુણોની. જીતવું હોય તો જીદ કરો જીતની. પાવર ઓફ પોઝીટીવ પુસ્તકમાં જણાવ્યા અનુસાર કોઇ પણ સમસ્યા હોય, એનાં મૂળ સુધી પહોંચીને જાતને સવાલ કરીને કોઇ પણ મુશ્કેલીનો સામનો કરો. ડરો નહિ. ગભરાઈને કામ નિષ્ફળતાની બીકે પડતું ના મૂકો. શક્ય છે એ  તમારો અંતિમ પ્રયાસ હોય એ લક્ષપ્રાપ્તિનો. માહિતી ભેગી કરવામાં કરકસર કદી ના કરશો. જેટલો વધારે માત્રામાં ડેટા હશે સફળતા એટલી નજીક હશે. કોઇ પણ કામ શરૂ કરતાં પહેલાં તમારી જાતને આળપંપાળ ના કરતા. કઠોર બનજો. આજે મૂડ નથી. કાલથી આ કામ આરંભીશ એવી આળપંપાળ ના કરો. દુનિયાના મહાન લેખકો મૂડ હોય કે ના હોય, રોજ જ લખવાનો મહાવરો રાખતા. તમારે જે બનવું હોય તેને જિંદગીનું લક્ષ્ય બનાવો અને તેને તમારી નજરમાંથી હટાવો નહિ ક્યારેય. આપણે ઘણી વાર ખૂબ બધી મહેનત કરી હોય અને નિષ્ફળતા મળે, તો તેનાથી વિચલિત ના થશો. નિષ્ફળ થયા એટલે એનો મતલબ એ નથી કે તમારી કાબેલિયત પાંગળી છે. થીંક ગ્રો રીચ પુસ્તકમાં લખ્યું છે કે વીજળીના બલ્બની શોધ કરનાર વૈજ્ઞાનિક થોમસ એડીસનને આ શોધમાં સેંકડો પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. તે છતાં તેઓ હતાશ થયા વિના પ્રયાસ જારી રાખતા તેમાં સફળ થયા છે. એમનું ધ્યેય લક્ષ્ય પ્રાપ્તિનું જ હતું. એટલે એમાં એઓ રાતદિવસ જોતરાયેલા રહ્યા અને સફળ થયા. આપણા સૌના જીવનમાં કેટલીક નબળી પળો આવે જ છે અને તે આપણા પર હાવી થઇ જાય છે અને આપણે શૂન્યમનસ્ક થઇ જઈએ છીએ. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે તે ન ભૂલવું જોઈએ. દ્રઢ નિશ્ચય જો હોય તો જરૂર સફળ થઈશું જ. દ્રઢ નિશ્ચય અશક્યને પણ શક્ય બનાવે છે. સુરત     – દિલીપ વી. ઘાસવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top