Business

જમ્મુ-કાશ્મીરમાં ફરવાના નવા 20 સ્થળ જાહેર કરાયા, પ્રવાસીઓ પહેલી વખત જશે

સુરત: પશ્ચિમ ભારતમાં નેટવર્કીંગનું ઉત્તમ પ્લેટફોર્મ ગણાતા સુરતમાં દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ત્રિદિવસીય ટીટીએફ (ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફેર) સુરતનો પ્રારંભ થયો છે, જે કોરોના મહામારી પછીના ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. 2 વિદેશી રાષ્ટ્રના 100થી વધુ સહયોગીઓ અને ભારતના 10 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો આ ફેરમાં જોડાયા છે.

જમ્મુ-કાશ્મીર, લેહ, લદાખના 20 એવા લોકેશન છે જ્યાં પ્રથમવાર પ્રવાસીઓ વેકેશનમાં જઈ શકશે
ફેરના આયોજક અને ફેરફેસ્ટ મિડીયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ફેરમાં પ્રથમવાર જમ્મુ-કાશ્મીર ટુરિઝમ વિભાગે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 75 ટુરિઝમ ડેસ્ટિનેશનની ટુર નક્કી કરી છે. જમ્મુ-કાશ્મીર, લેહ, લદાખના 20 એવા લોકેશન છે જ્યાં પ્રથમવાર પ્રવાસીઓ વેકેશનમાં જઈ શકશે. એવી જ રીતે નોર્થ ઈસ્ટના સેવન સિસ્ટર સ્ટેટમાં અરૂણાચલ પ્રદેશના તવાંગ, આસામના કાઝીરંગા નેશનલ પાર્ક, મેઘાલયના શિલોન્ગ, ચેરાપૂંજી, મણિપુરની વોટર ચેનલ, લોકટક, સિક્કિમ, વેસ્ટ બંગાળના દાર્જિલિંગ,કલિંગપોન્ગ માટેના પેકેજની સારી ઇન્કવાયરી પ્રથમ દિવસે ટૂર ટ્રાવેલર્સ દ્વારા મળી છે.સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીમાં પાછલા કેટલાક વર્ષોમાં નોર્થ ઇસ્ટના રાજ્યોનો ક્રેઝ વધ્યો છે.ગોવા, અરૂણાચલ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, રાજસ્થાનના પ્રવાસન સ્થળો માટે દિવાળી વેકેશનના બમ્પર બુકીંગ મળવાની સંભાવના છે.

ટ્રાવેલ માર્કેટ દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતું બજાર ગણાય છે
વર્ષ 2022-23ના આગામી મહિનાઓમાં ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે અમૂલ્ય વૃધ્ધિ જોવા મળશે, કારણ કે ભારતનું ટ્રાવેલ માર્કેટ દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતું બજાર ગણાય છે. ભારતમાંથી વિદેશમાં રહેતા લોકોનું બજાર વર્ષ 2024 સુધીમાં 42 અબજ યુએસ ડોલરનો આંકડો વટાવી જઈ શકે તેમ છે. દેશના અર્થતંત્રમાં સ્થાનિક પ્રવાસન પ્રવૃત્તિ પણ મહત્વની ભૂમિકા બજાવે છે. વર્ષ 2022માં 68 ટકા ભારતીયો પ્રવાસન પ્રવૃત્તિમાં સામેલ થશે તેવી અપેક્ષા છે. અન્ય મહત્વના રાજ્યોની સાથે સાથે ગુજરાત પણ ટુરિઝમ માર્કેટમાં ખૂબ જ મહત્વનું સ્થાન ગણાય છે.અહેવાલો મુજબ ગુજરાતની જીડીપીમાં પ્રવાસન પ્રવૃત્તિનો હિસ્સો વર્ષ 2022માં 10.2 ટકા જેટલો રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણ ઉત્સવ અને વ્હાઈટ રણ,કચ્છ સફારી લોકપ્રિય બની રહ્યાં છે. ટીટીએફમાં આંદામાન અને નિકોબાર આઈલેન્ડઝ, દિલ્હી, કર્ણાટક, કેરાલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ટીટીએફ સુરતનો પ્રારંભ મેયર હેમાલી બોઘાવાલા,પાલિકા કમિશનર બંછાનિધિ પાની, સ્થાયી ચેરમેન પરેશ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

વેકેશનમાં નેપાળ, ભૂતાન, થાઈલેન્ડ, માલદિવ્સ અને દુબઇ સુરતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન બનશે
વેકેશનમાં સુરતીઓ કેરળ અને ગોવાના બજેટમાં નેપાળ, ભૂતાન, થાઈલેન્ડના પેકેજ શોધતા થયાં છે. એવી જ રીતે યુએઈમાં દુબઇ, અબુધાબી અને શારજાહનું પેકેજ મેળવી રહ્યાં છે. આ વર્ષે માલદિવ્સના પેકેજની પણ ડિમાન્ડ છે. એને લીધેજ ટીટીએફ સુરતમાં નેપાળ અને યુએઈ જેવા દેશો ભાગ લઈ રહ્યાં છે.

Most Popular

To Top