Vadodara

આજવા રોડ પર નશામાં ધૂત કાર ચાલકનો કહેર, ટક્કર મારતા બાઈક પર સવાર યુવક-મહિલા ફંગોળાયા

ચાલક પોલીસ કર્મચારી હોવાની પ્રાથમિક માહિતી : કારમાંથી ખાલી શરાબની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી આવી :

112 અને 108ની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી SSGમાં ખસેડ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરના આજવા રોડ પર ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. બાઈક પર જઈ રહેલા એક યુવક અને મહિલાને પૂરઝડપે આવતી એક કાર ચાલકે સામેથી ટક્કર મારતા બંને હવામાં ફંગોળાયા હતા. કારમાંથી ખાલી શરાબની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચલાવનાર વ્યક્તિ પોલીસ કર્મચારી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે પોલીસ દ્વારા હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માત બાદ તરત જ સ્થળ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ ડાયલ 112 પર કોલ કરતા પોલીસની ટીમ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. રસ્તા પર લોહીના ડાઘા જોવા મળતા હતા અને વાહનોની અવરજવર પણ થોડા સમય માટે ખોરવાઈ હતી. સાથે કારમાંથી ખાલી શરાબની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખુલી ગઈ હતી. બનાવને પગલે ઈજાગ્રસ્ત યુવક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેની હાલત ગંભીર અને સ્થિર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તેમને વધુ સારવાર માટે ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કારને કબજે લઈને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. કાર ચાલકનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. અકસ્માતના ચોક્કસ કારણ અને કાર ચાલકની ઓળખ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આજવા રોડ જેવા વ્યસ્ત રસ્તા પર વારંવાર થતા અકસ્માતોને પગલે સ્થાનિક લોકોએ તંત્ર પાસે સ્પીડ બ્રેકર અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે.

Most Popular

To Top