Bharuch

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પહેલાજ ચોમાસામાં ભંગાણ: પીલુદરા પાસે પુલનો સ્લેબ તૂટતાં 8 ફૂટનું ગાબડું, ટ્રક પલટી, ટ્રાફિક ખોરવાયો

સ્લેબ ધસી પડતાં પસાર થતી ટ્રક પલટી ગઈ; સદનસીબે મોટી જાનહાનિ ટળી

અંકલેશ્વર, તા. 2: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પીલુદરા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અડોલ અને પીલુદરા વચ્ચે આવેલા પુલનો કોંક્રિટ સ્લેબ અચાનક ધસી પડતાં આશરે 8 ફૂટ જેટલું ગાબડું પડી ગયું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રક ગાબડામાં ફસાઈ પલટી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ એક્સપ્રેસવેની ગુણવત્તા અને બાંધકામને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

માત્ર થોડા સમય પહેલાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયેલા આ એક્સપ્રેસવે પર પહેલાજ ચોમાસામાં પુલને નુકસાન પહોંચતાં તૂટેલા સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. પુલના એક્સપાન્સન જોઈન્ટને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

સુરત-વડોદરા લેન બંધ, કલાકો સુધી ટ્રાફિક જામ; બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

ઘટના બાદ સુરતથી વડોદરા જતી મુખ્ય લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે હાઈવે પર માઈલો લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. હાલ ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની શંકા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પણ એક્સપ્રેસવેના બાંધકામની ગુણવત્તા અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, NHAIના અધિકારીઓએ ઘટનાના કારણો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, NHAIની ઉચ્ચ ટેકનિકલ ટીમ સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદની સ્થિતિ સુધર્યા બાદ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ટ્રાફિક ડાયવર્ઝન યથાવત રાખવામાં આવશે.

Most Popular

To Top