World

ચીનમાં છ મહિના પછી કોરોનાથી ત્રણના મોત, બેઇજિંગમાં શાળા બંધ, ગુઆંગઝૂમાં લોકડાઉન

બેઇજિંગઃ (Beijing) ચીનમાં (China) ફરી એકવાર કોરોના વાયરસના (Corona Virus) કેસ વધવા લાગ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ગત સપ્તાહે રાજધાની બેઈજિંગમાં છ મહિનામાં પ્રથમ વખત ત્રણ લોકોના મોત થયા છે. આ દર્શાવે છે કે ચીનની કડક શૂન્ય કોવિડ નીતિ (Zero Covid Policy) પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ચીન વિશ્વની છેલ્લી મોટી અર્થવ્યવસ્થા છે હજુ પણ કડક નીતિને અનુસરીને રહી છે. ચીને અચાનક ઘણા શહેરોમાં લોકડાઉન (Lockdown) જાહેર કર્યું છે. આ સાથે સામૂહિક પરીક્ષણ અને ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. નેશનલ હેલ્થ કમિશને રવિવારે અહેવાલ આપ્યો છે કે છેલ્લા 24 કલાકમાં ચીનમાં 26,824 ચેપ નોંધાયા છે.

આખી દુનિયાએ કોવિડ-19નો સામનો કરવાનું શીખી લીધું છે. પરંતુ ચીનની સ્થિતિ હજુ સુધરી નથી. ચીને રવિવારે સત્તાવાર રીતે 87 વર્ષના એક વ્યક્તિના મોતની જાણકારી આપી હતી. સોમવારે બેઇજિંગમાં કોરોના વાયરસના 962 નવા કેસ જોવા મળ્યા હતા. તેના એક દિવસ પહેલા 621 કેસ સામે આવ્યા હતા. નેશનલ હેલ્થ કમિશને રવિવારે અહેવાલ આપ્યો છે કે છેલ્લા 24 કલાકમાં ચીનમાં 26,824 ચેપ નોંધાયા છે. આ સંક્રમણો એપ્રિલની સમકક્ષ છે. બેઈજિંગમાં ઘણા જિલ્લાઓની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.

ચીનમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી છે પરંતુ સત્તાવાર રીતે અન્ય દેશોની તુલનામાં કોરોનાના ઓછા કેસ છે. ચેપના થોડા મહિના પછી કેસોમાં અચાનક વધારો થયો છે. કોરોનાના કેસમાં વધારો એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે ચીને 11 નવેમ્બરે કોવિડ-19 સંબંધિત નિયમોમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. આ છૂટછાટમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પછી ફરજિયાત ક્વોરેન્ટીનને દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોલ અને રેસ્ટોરન્ટ બંધ
ઘોષણા પછી ચીનના ઘણા શહેરોએ સામૂહિક કોરોના પરીક્ષણ રદ કર્યું, કારણ કે તેમને આશા હતી કે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. જો કે આ છૂટછાટને ઝીરો કોવિડ પોલિસીના અંત તરીકે જોવામાં આવી રહી નથી. ચીનની ઝીરો કોવિડ પોલિસીએ તેને દુનિયાથી અલગ કરી દીધી છે. જેના કારણે તેની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થયું છે. ચીનની સરકારે નાગરિકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા અટકાવ્યા છે. બેઇજિંગના ઘણા શોપિંગ મોલ રવિવારે બંધ રહ્યા હતા. બીજી તરફ ઘણા મોલ્સે તેમના ખુલવાનો સમય ઘટાડી દીધો છે. અનેક રેસ્ટોરાંમાં બેસીને ખાવાની સુવિધા પણ નાબૂદ કરવામાં આવી છે.

ચીને લોકડાઉન લાગુ કર્યું
ચાઓયાંગ જિલ્લાના અધિકારીઓએ કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવા જણાવ્યું છે. કેટલાક ઉદ્યાનો અને જીમ પણ બંધ છે. બેઇજિંગમાં નવા કોરોના પ્રતિબંધોને કારણે એશિયાના લગભગ તમામ શેરબજારોમાં સોમવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ લગભગ 2 ટકા ઘટ્યો હતો. ચીનના ગુઆંગઝૂમાં દરરોજ કોરોનાના 8 હજાર કેસ જોવા મળી રહ્યા છે જેના કારણે સરકારે બાયયુન જિલ્લામાં પાંચ દિવસનું લોકડાઉન લગાવ્યું છે.

Most Popular

To Top