Editorial

અમેરિકી બેન્કિંગ કટોકટીને પગલે ફરીથી ૨૦૦૮ જેવી વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાશે?

અમેરિકાના બેન્કિંગ સેકટરમાં છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘટનાઓ બની છે જે બાકીના વિશ્વમાં નાણાકીય જગત સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો માટે અને અમેરિકામાં પણ ઘણા બધા લોકો માટે અણધારી છે. પહેલા તો ત્યાંની  સિલિકોન વેલી બેંકમાં મોટી કટોકટી સર્જાઇ. સિલિકોન વેલી એ અમેરિકાનું વિશ્વભરમાં ટેકનોલોજી, ખાસ કરીને આઇટી કંપનીઓના મુખ્યાલયો માટે જાણીતુ સ્થળ છે. આ સિલિકોન વેલીમાં આવેલી કંપનીઓ કે તેમની સાથે સંકળાયેલી વિશ્વની  અન્ય સ્થળોની કંપનીઓની સાથે કારોબાર કરતી સિલિકોન વેલી બેન્ક નામની આ બેન્ક આમ તો તમામ ગ્રાહકો માટેની બેન્ક છે પરંતુ તે ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે તેના ધંધાકીય વ્યવહારો માટે વિશેષ જાણીતી હતી. આ બેન્કે ગત  સપ્તાહે અચાનક જાહેરાત કરી કે તે નાણાકીય મુશ્કેલી અનુભવી રહી છે અને તેની પાસેના સરકારી બોન્ડો ખોટ ખાઇને પણ તે વેચી દેશે.

અને ખલાસ! બેન્કના ગભરાયેલા થાપણદારોએ પોતાની થાપણો ઉપાડવા ભારે ધસારો કર્યો અને થોડા  કલાકોમાં જ આ બેન્કની નાણાકીય મિલકતોનું તળિયુ દેખાવા માંડ્યું. આ બેન્કનો કબજો છેવટે નિયંત્રકોએ લીધો અને તેને હંગામી રીતે બંધ કરી દીધી. આ ઘટનાને પગલે અમેરિકી શેરબજારમાં તો કડાકો સર્જાયો જ પરંતુ તેના પગલે  વિશ્વભરના શેરબજારોમાં ગાબડાં સર્જાયા. અને આ કટોકટી ઓછી હોય તેમ અમેરિકામાં બીજી એક બેન્કને પણ બંધ કરવી પડી. સિલિકોન વેલી  બેંક(એસવીબી)ને નાણાકીય કટોકટી પછી હંગામી રીતે બંધ કરાયા બાદ સિગ્નેચર બેંકને પણ આ જ રીતે બંધ કરી દેવાઇ છે.સત્તાવાળાઓએ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે ન્યૂયોર્કની સિગ્નેચર બેંકનો કબજો સંભાળ્યો હતો અને તેનું કામકાજ  અચોક્કસ સમય માટે બંધ કરી દીધું હતું.

એસવીબી પછી તે પણ મોટું જોખમ ધરાવતી બેંક જણાઇ હતી. સિગ્નેચર બેંક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક છે અને તેના જોખમને જોતા પણ આ બેન્કને બંધ કરાઇ છે. સિગ્નેચર બેંક ન્યૂયોર્કમાં વડુમથક  ધરાવે છે અને તે મોટી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓને ધિરાણ આપે છે. નિયંત્રકોએ જણાવ્યું હતું કે જો આ બેંક ખુલ્લી રહે છે તો ફાયનાન્શ્યલ સિસ્ટમ માટે મોટો ભય પેદા થઇ શકે છે. અને એવો ભય પણ વ્યક્ત થઇ રહ્યો છે કે ક્યાંક આ  અમેરિકન બેન્કિંગ કટોકટી ૨૦૦૮ જેવી વૈશ્વિક નાણાકીય કટોકટી ફરી ઉભી નહીં કરે.

આ સિગ્નેચર બેન્કના બંધ થવા પછી ફરીથી અમેરિકી શેરબજારોમાં મોટા ગાબડા પડ્યા અને આ સપ્તાહના પ્રથમ દિવસે ભારતના શેરબજારમાં પણ મોટું ગાબડું પડ્યું. અમેરિકામાં સિલિકોન વેલી બેન્કના ધબડકા પછી બીજી બેંકોમાં પણ  ધ્રુજારીઓને પગલે વૉલ સ્ટ્રીટમાં ચિંતાઓ ચાલુ જ રહી છે અને ખાસ કરીને બેન્કોના શેરોમાં મોટા ગાબડાઓ પછી સોમવારે અમેરિકી શેરબજાર ફરી એકવાર ગગડી ગયું હતું.  તેનો આ મોટો ડ્રોપ બેન્કોના શેરોના ગગડવાને પરિણામે આવ્યો છે. અમેરિકી પ્રમુખ જો બાઇડને ખાતરી આપી કે અમેરિકી બેન્કિંગ સેકટર મજબૂત અને સલામત છે અને અમેરિકી સરકારે રવિવારે બેન્કિંગ ઉદ્યોગને ફરી બેઠું કરવાની  યોજના જાહેર કરી તે છતાં રોકાણકારોમાં ગભરાટ ચાલુ જ રહ્યો હતો અને તેમણે બેન્કિંગ શેરોમાં ગભરાટભરી વેચવાલી કાઢતા અનેક મોટી બન્કોના શેરોમાં મોટા ગાબડા પડ્યા હતા. 

સિલિકોન વેલી બેન્ક પછી સિગ્નેચર બેન્ક પણ તૂટતા બેંકોના સેકટરમાં ફેલાયેલા ગભરાટની ગંભીરતા એટલી હતી કે ખુદ પ્રમુખે આ બાબતે બોલવું  પડ્યું હતું. તેમણે વ્હાઇટહાઉસના રૂઝવેલ્ટ રૂમમાંથી સંબોધન કરતા કહ્યું હતું કે અમેરિકનોને વિશ્વાસ છે કે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ સલામત છે. વ્હાઇટ હાઉસે ખાતરી આપી હતી કે એસવીબીના ગ્રાહકોને સાચવી લેવામાં આવશે અને  કરદાતાઓએ કોઇ બોજ સહન કરવો નહીં પડે. અમેરિકી ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ અને  અન્ય બેંક નિયામકોએ પણ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે સિગ્નેચર બેંક અને સિલિકોન વેલી બેંકેના કોઇ પણ નુકસાનનો બોજ કરદાતાઓએ ઉપાડવો નહીં પડે. જો કે અમેરિકી પ્રમુખ અને નિયંત્રકોએ આપેલી ખાતરીઓ શેરબજારના  રોકાણકારોનો ભય તો ઓછો નથી જ કરી શકી એમ લાગે છે કારણ કે મંગળવારે પણ અમેરિકી શેરબજારમાં કમઠાણ ચાલુ રહ્યું હતું. એસવીબી પછીના ગભરાટ વચ્ચે એશિયન શેરબજારો પણ મંગળવારે ઘટીને બંધ થયા હતા. જો કે યુરોપિયન શેરબજારોમાં આશ્ચર્યજનક રીતે વધારો જોવા મળ્યો હતો.

વૉલ સ્ટ્રીટના તે નિષ્ણાત કે જેમણે ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતનની આગાહી કરી હતી તેમણે જ હવે આગાહી કરી છે કે એસવીબી અને સિગ્નેચર બેન્ક પછી હવે ક્રેડિટ સ્યુઇસ બેન્ક તૂટી શકે છે અને તેમણે ચેતવણી આપી છે કે અમેરિકી  બોન્ડ બજારમાં ગંભીર મુશ્કેલી ઉભી થઇ શકે છે. રોબર્ટ કિયોસાકી, કે જેઓ રિચ ડેડ, પૂઅર ડેડ નામના જાણીતા પુસ્તકના લેખક છે તેમણે ૨૦૦૮માં લેહમેન બ્રધર્સની પેઢી તૂટવાની આગાહી કરી હતી અને આ પતનને પગલે સર્જાયેલા વમળો પછી ૨૦૦૮ની નાણાકીય કટોકટી સર્જાઇ હતી.  કિયોસાકીએ ચેતવણી આપી છે કે સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક પછી હવે ક્રેડિટ સ્યુસનો વારો છે. જો કે અન્ય નિષ્ણાતો માને છે કે હાલના આંચકાઓ ૨૦૦૮ જેવી વૈશ્વિક બેન્કિંગ કટોકટી સર્જશે નહીં પરંતુ તે નવી ધિરાણ કટોકટી સર્જી શકે છે. આશા રાખીએ કે ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટીનું પુનરાવર્તન નહીં થાય.

Most Popular

To Top