ચીન તાઇવાન પર તરાપ મારીને જ રહેશે?

ચીની પ્રમુખ ઝી જિનપિંગે હાલમાં તાઇવાનને મુખ્ય ભૂમિ સાથે ફરી ભેગું કરવાની મજબૂત હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે તાઇવાનનો પ્રશ્ન ઉકેલી નાખવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું છે કે તાઇવાન એ ચીનનો આંતરિક મામલો છે અને તેમાં કોઇ બાહ્ય દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં. દેખીતી રીતે તેમણે સ્વતંત્ર તાઇવાનને ટેકો આપી રહેલા જાપાન અને અમેરિકા જેવા દેશોને આમ કહીને મોઘમમાં ચેતવણી આપી દીધી છે. તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે પણ ચીન તેનો આ દાવો ગણકારતું નથી. ચીન કહે છે કે તાઇવાન એ ચીનથી છુટો પડેલો એ પ્રદેશ છે અને તેને ચીન સાથે ફરીથી ભેળવી દેવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી તાઇવાન મામલે ચીનની આક્રમકતા વધી છે અને હવે ચીની પ્રમુખે તાઇવાનને ચીન સાથે ભેળવી દેવાની સ્પષ્ટ ધમકી જ આપી દીધી છે એમ કહી શકાય.

ચીની પ્રમુખ જિનપિંગની આ સખત ટિપ્પણીઓ એના પછી આવી છે જ્યારે ચીને હાલ થોડા દિવસ પહેલા તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં સતત ચાર દિવસ સુધી લશ્કરી વિમાનો મોકલ્યા હતા અને શક્તિનું જાહેર પ્રદર્શન કર્યું હતું. તાઇવાન પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર માને છે પરંતુ ચીને તેને એક છૂટા પડેલા પ્રાંત તરીકે એક સ્વશાસિત ટાપુ તરીકે જુએ છે. બૈજિંગે આ સંભવિત એકત્રીકરણ માટે બળપ્રયોગની શક્યતા નકારી નથી. આ શનિવારે બૈજિંગમાં ચીની ક્રાંતિની ૧૧૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ગ્રેટ હોલ ઓફ પીપલમાં બોલતા જણાવ્યું હતું કે આ યુનિફિકેશન સામેનો સૌથી મોટો અવરોધ એ તાઇવાનની સ્વતંત્રતાના બળો છે.

તાઇવાન પ્રશ્ન નબળાઇમાંથી ઉદભવ્યો છે અને ચીનની અંધાધૂંધીમાંથી ઉદભવ્યો છે અને તેને ઉકેલી નાખવામાં આવશે કારણ કે રાષ્ટ્રીય નવનિર્માણ એ વાસ્તવિકતા બની છે. ચીની પ્રમુખ એમ પણ કહ્યું હતું કે તાઇવાનની બાબતમાં કોઇ બાહ્ય દખલગીરી સહન કરવામાં આવશે નહીં, અમેરિકા અને જાપાન તાઇવાનને ટેકો આપી રહ્યા છે તે સંદર્ભમાં આ ટિપ્પણી નોંધપાત્ર છે. ચીની પ્રમુખે તેમના આ પ્રવચનમાં બળપ્રયોગની કોઇ વાત કરી નથી પણ ભૂતકાળમાં તાઇવાનની બાબતમાં બળપ્રયોગની વાત ચીને નકારી નથી.

અહીં એ નોંધનીય છે કે તાઇવાન ૧૯૪૯માં માઓ ઝે ડોંગના વડપણ હેઠળના ચીની સામ્યવાદી પક્ષ સાથે નાગરિક યુદ્ધ લડીને ચીનથી છૂટું પડ્યું હતું. પ્રમુખ ઝીએ ૨૦૧૨માં જ્યારથી શાસન સંભાળ્યુ ત્યારથી તેમણે ચીની રાષ્ટ્રનો પુનરોદ્ધાર કરવાની અને કથિત ચીની સ્વપ્નને સાકાર કરવાની કોશિશો કરી છે અને તાઇવાનને ચીનની મુખ્ય ભૂમિ સાથ જોડવાની બાબત તેમનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. જિનપિંગે દાવો કર્યો છે કે તાઇવાનને ચીન સાથે ભેળવી દેવામાં આવે તેવી ચીની પ્રજાની પણ ઇચ્છા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન લશ્કરી દષ્ટિએ ખૂબ બળવાન બની ગયું છે અને વિવિધ ક્ષેત્રોમાં તે સતત આક્રમકતા બતાવી રહ્યું છે. અમેરિકા સામે પણ તેણે શિંગડા ભેરવવા માંડ્યા છે. તેની વિસ્તારવાદી નીતિને અનુરૂપ તે તેની સરહદોની બાબતમાં ઘણા પાડોશી દેશો સાથે આક્રમક વર્તન કરી રહ્યું છે. ભારતના અરૂણાચલ પ્રદેશ પર લાંબા સમયથી તે દાવો કરી રહ્યું છે અને લડાખમાં તો તાજેતરના સમયમાં તેને ભારત સાથે ઉગ્ર સંઘર્ષ પણ સર્જાયો છે. દક્ષિણ ચીની સમુદ્રની બાબતમાં તો અનેક દેશો સાથે તેને સંઘર્ષ છે. અમેરિકા અને જાપાન સાથેના તેના સંઘર્ષનું મહત્વનું કારણ જ દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની
આક્રમકતા છે.

અન્ય પ્રદેશોની બાબતમાં તો ચીન કદાચ હાલ તુરંત બહુ આક્રમક પગલાઓ કદાચ નહીં ભરે, પણ તાઇવાનની બાબતમાં તે ટૂંક સમયમાં આવુ કરી પણ શકે છે કારણ કે તે તાઇવાનની બાબતમાં પોતાના દાવાની કાયદેસરતા પુરવાર કરવાની સ્થિતિમાં છે અથવા તો પોતે આવી સ્થિતિમાં હોવાનું તે માને છે. એટલે તાઇવાનને બળપૂર્વક પોતાની સાથે ભેળવી દેવા માટે ચીન સક્રિય થાય તેવો ઘટનાક્રમ જોવાની તૈયારી દુનિયાએ રાખવી પડશે એમ લાગે છે.

Related Posts