Columns

પશ્ચિમ બંગાળે અદાણી ગ્રુપ સાથેનો તાજપુર બંદરનો કરાર કેમ રદ કર્યો?

તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા રૂપિયા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવા બાબતમાં જે વિવાદ થયો તેના છાંટા ગૌતમ અદાણી ઉપર ઊડ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપ પાસેથી રૂ. ૨૫ હજાર કરોડનો તાજપુર પોર્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ છીનવી લીધો છે. મંગળવારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે તાજપુર સી પોર્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

અગાઉ આ પ્રોજેક્ટનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું. તાજપુર પોર્ટ વિકસાવવાનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવતાં રાજકીય ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક તરફ વિપક્ષ અદાણી જૂથ પર પ્રહારો કરી રહ્યો છે અને બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર મોટા પ્રોજેક્ટનું કામ આ જ જૂથને સોંપી રહી છે. મમતા સરકારે થોડા મહિના પહેલાં તાજપુર પોર્ટને વિકસાવવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને ઇરાદા પત્ર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો કે, હવે સરકારે અદાણી પોર્ટને સુપરત કરેલા લેટર ઓફ ઈન્ટેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ જ કારણ છે કે મંગળવારે મુખ્ય મમતા બેનર્જીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રોજેક્ટ માટે નવાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. એટલે કે કોઈ પણ કંપની તાજપુર પ્રોજેક્ટ માટેની હરાજીમાં ભાગ લઈ શકે છે. મમતા બેનર્જીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૨માં ભાગ લીધો હતો અને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તે પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પોતે કોલકાતામાં અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીને આ પ્રોજેક્ટ વિકસાવવા માટે ઇરાદાપત્ર સોંપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે બંગાળ સરકારના બિઝનેસ ઈવેન્ટમાં અદાણી ગ્રુપમાંથી કોઈએ ભાગ લીધો ન હતો.

ગૌતમ અદાણી ડિસેમ્બર ૨૦૨૧માં આ વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે મમતા બેનર્જીને મળ્યા હતા. અદાણીએ પશ્ચિમ બંગાળ રાજ્યને પણ વચન આપ્યું હતું કે તેઓ તેમના ગ્રુપના રોકાણને માત્ર પોર્ટ સુધી મર્યાદિત નહીં કરે અને અન્ય ઘણા ઉદ્યોગોને પણ ટેકો આપશે. ઉદાહરણ તરીકે ગૌતમ અદાણી પશ્ચિમ બંગાળ માટે તેની રોકાણ યોજનાના ભાગરૂપે ડેટા સેન્ટર્સ, અંડરસી કેબલ, ડિજિટલ ઈનોવેશનમાં શ્રેષ્ઠતાનાં કેન્દ્રો, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ પાર્કમાં રોકાણ કરવા માંગતું હતું.

તેનો પ્રારંભ અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના માધ્યમથી કરવામાં આવ્યો હતો. તાજપુર બંદર પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરમાં બનવા જઈ રહ્યું છે. તાજપુર પોર્ટ તૈયાર કરવા માટે ૭,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે દેશનાં મોટાં બંદરોમાંથી એક હશે. પશ્ચિમ બંગાળ સરકારે ઓક્ટોબરમાં આ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોજેક્ટ ચાર તબક્કામાં પૂર્ણ થશે. તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અદાણી ગ્રૂપે બે દાયકા કરતાં ઓછા સમયમાં સંપાદન, બાંધકામ અને વિકાસ દ્વારા સંખ્યાબંધ બંદરો પર નિયંત્રણ મેળવ્યું છે. અદાણી ગ્રુપ દેશની લગભગ ૨૪ ટકા પોર્ટ ક્ષમતા ધરાવે છે. આ પોર્ટ માટે અદાણી ગ્રુપે સૌથી વધુ બોલી લગાવી હતી. તાજપુર પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગાર મળવાની શક્યતા છે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ૨૫,૦૦૦ લોકોને રોજગારીની તકો આપશે. તેમણે કહ્યું કે પોર્ટના વિકાસમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ સિવાય પોર્ટ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સરકાર દ્વારા ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

મમતા બેનર્જીએ બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન કહ્યું કે રાજ્ય સરકાર નવા ટેન્ડર પર કામ કરી રહી છે. આ પછી બુધવારે અદાણી પોર્ટના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના એક દિવસ પહેલાં મુકેશ અંબાણીએ ૨૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તાજપુર પ્રોજેક્ટને લઈને મમતા બેનર્જીએ કરેલી જાહેરાત રાજકીય મજબૂરી હોઈ શકે છે. હકીકતમાં ઇન્ડિયા ગઠબંધન આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી એનડીએ ગઠબંધન સામે લડી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનનાં વડા મમતા બેનર્જી છે. વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સતત પ્રહારો થઈ રહ્યા છે કે તેમની સરકાર અદાણી અને અંબાણી ચલાવે છે. આ સંયોગોમાં મમતા બેનર્જીને સવાલો પૂછાઈ રહ્યા હતા કે તેઓ પશ્ચિમ બંગાળમાં અદાણી ગ્રુપને કેમ તાજપુર બંદરનો ઠેકો આપી રહ્યાં છે?

જો કે મમતા બેનર્જીએ તેના ચહેરા પર સ્મિત સાથે તાજપુર બંદરના તાજા ટેન્ડર વિશે જાહેરાત કરી હોવા છતાં જાણકારો કહે છે કે અદાણી ગ્રુપ તાજપુર પ્રોજેક્ટ છોડી દેશે તે વાસ્તવમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ માટે મોટો ફટકો છે. તાજપુર બંદર પ્રોજેક્ટને છેલ્લા પાંચ દાયકામાં બંગાળમાં એક માત્ર સૌથી મોટું રોકાણ માનવામાં આવતું હતું. જાણકારોના મતે અદાણીએ તાજપુર પ્રોજેક્ટથી દૂર જવાનું નક્કી કરવાનું મુખ્ય કારણ નાણાંકીય છે.

અદાણી સમૂહે તારણ કાઢ્યું હતું કેટલાંક કારણોસર આ પ્રોજેક્ટ અવ્યવહારુ છે. પહેલું કારણ એ હતું કે ધમરા અને પારાદીપ બંદરો સૂચિત તાજપુર બંદરની નજીક છે. અદાણી દ્વારા સંચાલિત ધમરા ૨૦૦ કિલોમીટરથી ઓછું દૂર છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પારાદીપ ૨૯૦ કિલોમીટર દૂર છે. આ બંને બંદરો ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને છ તેમ જ આઠ લેન હાઈ વે તથા રેલવે દ્વારા જોડાયેલા છે. આ બંને બંદરો ઓડિશામાં સ્થિત છે, જ્યાં ઔદ્યોગિક વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પશ્ચિમ બંગાળ કરતાં ઘણું સારું છે.

ધમરા અને પારાદીપ પહેલેથી જ ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ઉદ્યોગોને બંદરની સેવા પૂરી પાડે છે અને ભવિષ્યમાં તેના કેટલાક ટ્રાફિકને તાજપુર તરફ વાળવાની કોઈ શક્યતા દેખાતી નથી. બીજું કારણ એ કે પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી હતી કે તાજપુર બંદર ૨૫,૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગાર અને એક લાખથી વધુ લોકોને પરોક્ષ રોજગાર આપશે. રાજ્ય સરકાર અદાણી ગ્રુપ પર આ માટે ખાતરી આપવાનું દબાણ કરી રહી હતી, પરંતુ અદાણી ગ્રુપ તેમ કરવા તૈયાર ન હતું. રાજ્ય સરકારે અદાણી ગ્રુપને પાંચ કિ.મી. દૂર ૧૨૫ એકર સીફ્રન્ટ અને ૧,૦૦૦ એકર જમીન આપવાનું વચન આપ્યું હોવા છતાં, ઘણી બધી જમીન પર અતિક્રમણ છે, જેને દૂર કરવું મુશ્કેલ હતું.

પશ્ચિમ બંગાળની કુખ્યાત જમીન સંપાદન નીતિને કારણે આ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ અને બોજારૂપ બની ગઈ હતી. ગૌતમ અદાણી મહુઆ મોઇત્રાને તેમની સામે લગભગ રોજેરોજના આક્ષેપો બંધ કરવાનું કહેવાના મમતા બેનર્જીના ઇનકારથી પણ નારાજ હતા. ગૌતમ અદાણીએ કથિત રીતે મમતા બેનર્જીને જાણ કરી હતી કે તેમનું જૂથ રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું હોવાથી ખોટા આરોપોના આધારે તેના પર હુમલાઓ કરવા યોગ્ય નથી. મમતા બેનર્જીએ કેવળ રાજકીય કારણોસર દરમિયાનગીરી કરવાનો અને મહુઆ મોઇત્રાને ચૂપ રહેવાનો ઓર્ડર આપવાનો ઇનકાર કર્યો હતો. મહુઆ મોઇત્રાએ અદાણી સામે પોતાના આરોપો ચાલુ રાખ્યા હતા. કદાચ તેનાથી કંટાળીને ગૌતમ અદાણીએ મેગા પ્રોજેક્ટમાંથી દૂર થવાનું નક્કી કર્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top