Comments

મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર મચ્છી માર્કેટ જેવાં દૃશ્યો કેમ જોવા મળે છે?

ભારતમાં આજની તારીખમાં પણ હવાઈ સફર લક્ઝરીનું પ્રતીક માનવામાં આવે છે. ઉનાળાની અને દિવાળીની રજાઓમાં ભારતનાં રેલવે સ્ટેશનો પર અફડાતફડીનો માહોલ હોય ત્યારે ધનિક પેસેન્જરો ફ્લાઇટ પકડીને પોતાના ગંતવ્યસ્થાન પર પહોંચી જતા હોય છે. એર પોર્ટના સંચાલકો પણ પોતાના માનવંતા ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવાની કોશિશ કરતા હોય છે. આ બધી ધારણાઓ ભારતના એરપોર્ટ પર વધી રહેલા ટ્રાફિકને કારણે ગલત સાબિત થઈ રહી છે. હમણાં હમણાં દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એર પોર્ટનું ટર્મિનલ-૩ સોશ્યલ મીડિયામાં કટાક્ષોનો શિકાર બન્યું છે. સવારના ગિર્દીના સમયમાં દિલ્હી ઉપરાંત મુંબઈના એર પોર્ટ પર એટલો ટ્રાફિક હોય છે કે તેને કારણે ઘણાં પેસેન્જરો તેની સરખામણી મચ્છી માર્કેટ સાથે કરતાં થઈ ગયા છે.

સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દિલ્હી એર પોર્ટ પર ચેક ઇન માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે. ઘણાં પેસેન્જરો તો ફરિયાદ કરતાં જણાયાં હતાં કે તેમણે એર પોર્ટના ગેટમાં પ્રવેશ કરવા કલાકો સુધી રાહ જોવી પડી હતી. ઘણાં કાઉન્ટરો ઉપર સ્ટાફની ગેરહાજરી હતી તો કેટલીક ફ્લાઇટો એવી હતી કે તેના માટે કાઉન્ટરો જ ફાળવવામાં આવ્યાં નહોતાં. કેટલાંક પેસેન્જરો તો સિક્યુરિટી ચેકમાં અટવાઈ ગયાં હોવાને કારણે ફ્લાઇટ પણ ચૂકી ગયાં હતાં.

એર ઈન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સો દ્વારા પોતાનાં ગ્રાહકોને સૂચના આપવામાં આવી રહી છે કે ભારે ધસારાને કારણે તેમણે એર પોર્ટ પર સાડા ત્રણથી ચાર કલાક વહેલાં પહોંચી જવું જોઈએ. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના કમાન્ડો સાથે વ્યવસ્થાની ચકાસણી કરવા દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. તેમણે ધસારાને કન્ટ્રોલ કરવા સવારના પિક અવર્સમાં ફ્લાઇટ ઘટાડી નાખવાનો આદેશ કર્યો છે. આ ધસારાને કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એર પોર્ટના સર્વિસ રેટિંગમાં પણ ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કોવિડ-૧૯ને કારણે બે વર્ષથી હવાઈ સફર પર જાતજાતનાં નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. વિમાની મુસાફરી કરવી હોય તો માસ્ક ફરજિયાત પહેરી રાખવો પડતો હતો. તદુપરાંત વચ્ચેની સીટ પર બેઠેલા પેસેન્જરે તો મુસાફરીના સમય દરમિયાન પીપીઈ કિટ પહેરી રાખવી પડતી હતી. ગયા મહિને સરકારે આ બધાં નિયંત્રણો હટાવી લીધાં તે પછી હવાઈ ટ્રાફિકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ડિસેમ્બર મહિનો ભારતમાં એનઆરઆઈનો મહિનો ગણાય છે. યુરોપ અને અમેરિકામાં ઠંડીને કારણે બિનનિવાસી ભારતીયો નાતાલની રજાઓ દરમિયાન ભારતની યાત્રા કરવા નીકળી પડે છે.

બે વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળી ગયેલાં ભારતીયો પણ ઓફિસમાંથી છુટ્ટી લઈને ફરવા નીકળી પડ્યાં છે. તેને કારણે ભારતનાં ૧૫૦ જેટલાં એર પોર્ટ પર સખત ધસારો જોવા મળે છે. ૧૨ ડિસેમ્બરે ભારતનાં એર પોર્ટો પર રેકોર્ડ ૫.૩૦ લાખ પેસેન્જરો જોવા મળ્યાં હતાં. તેમાં પણ મુંબઈ, દિલ્હી અને બેંગલોર જેવાં એર પોર્ટની હાલત સૌથી ખરાબ હતી. ૧૦ ડિસેમ્બરે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એર પોર્ટ પર ૧.૫૦ લાખ પેસેન્જરોનો ધસારો જોવા મળ્યો હતો. ૨૦૧૮ની ૨૧ ડિસેમ્બરે મુંબઈ એર પોર્ટ પર ૧,૫૬,૩૨૯ પેસેન્જરોનો રેકોર્ડ તૂટવાની તૈયારી ચાલી રહી છે. મુંબઈના એર પોર્ટ પર રોજની આશરે ૯૮૦ ફ્લાઇટો ટેક ઓફ્ફ કે લેન્ડિંગ કરે છે. મુંબઈમાં બે હવાઈ પટ્ટી છે. દરેક હવાઈ પટ્ટી પર દર ત્રણ મિનિટે એક ફ્લાઇટ જોવા મળે છે. ઘણી વખત ફ્લાઇટને લેન્ડિંગ માટે હવાઇ પટ્ટી ન મળે ત્યાં સુધી તેણે આકાશમાં ચક્કર મારવાં પડે છે, જેને કારણે કરોડો રૂપિયાનું ઇંધણ વ્યર્થ વેડફાય છે.

ભારતનાં મેટ્રો સિટીઝમાં એર પોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ જવાનું કારણ વિમાની કંપનીઓની ચાલાકી પણ છે. તેમને દૈનિક ૩૨૦૦ ફ્લાઇટ ઉડાડવાની પરવાનગી આપવામાં આવી છે, પણ તેઓ કરકસરનાં પગલાંના રૂપમાં આશરે ૨,૮૦૦ ફ્લાઇટો જ ઉડાવી રહ્યા છે. કોવિડ-૧૯ પહેલાં દિવસની આશરે ૩,૦૦૦ ફ્લાઇટો ચાલતી હતી, જેમાં સરેરાશ ૪.૨૦ લાખ પેસેન્જરો મુસાફરી કરતાં હતાં. હવે દિવસની સરેરાશ ૨,૮૦૦ ફ્લાઇટમાં સરેરાશ પાંચ લાખ પેસેન્જરો મુસાફરી કરી રહ્યાં છે. ફ્લાઇટની સંખ્યા ઘટી છે, પણ પેસેન્જરોની સંખ્યા વધી હોવાથી લગભગ બધી ફ્લાઇટો ફુલ જઈ રહી છે, જેને કારણે વિમાની કંપનીઓનો નફો વધી ગયો છે.

વિમાની કંપનીઓ ઓછી ફ્લાઇટો ચલાવવા માટે કારણ આપે છે કે તેમનાં ઘણાં વિમાનો સમારકામ હેઠળ છે. વળી મંદીના કારણે ઘણાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં છે કે તેઓ નાતાલની રજા ઉપર ગયા છે. ભારતનાં એર પોર્ટ પર પેસેન્જરોની હેરાનગતિ વધી જવાનું કારણ જાતજાતના સિક્યુરિટી ચેક છે. દરેક પેસેન્જરને ફ્લાઇટમાં પ્રવેશ કરતાં પહેલાં મેટલ ડિટેક્ટર ઉપરાંત ફુલ બોડી ચેક અપમાંથી પસાર થવું પડે છે, જેને કારણે લાંબી લાઇન લાગી જતી હોય છે. વિદેશોમાં લગભગ બધા એર પોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવી દેવામાં આવ્યા છે, જેમાંથી દરેક પેસેન્જરે ફરજિયાત પસાર થવું પડે છે.

જે પેસેન્જરના શરીર પર કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તેનું જ ચેકિંગ કરવામાં આવે છે, જેને કારણે સમયની બચત થાય છે, પણ તેમાં મહિલા યાત્રિકો સંકોચનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ તેમના શરીરની આરપાર જોઈ શકે તે તેમને ગમતું નથી. આ કારણે ભારતનાં કોઈ એર પોર્ટ પર હજુ સુધી ફુલ બોડી સ્કેનર મશીનો બેસાડવામાં આવ્યાં નથી. દરેક યાત્રિકના સામાનનું પણ એક્સ-રે મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, તેમાં પણ સમય જાય છે. કેટલાંક પેસેન્જરો તો પોતાની ફ્લાઇટ ચૂકી જવાના ડરથી સિક્યુરિટી બેરિકેડ તોડીને પ્રવેશ દ્વાર તરફ ધસી જતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે તો બોલાચાલી થતી જોવા મળતી હતી. ભારતનાં ત્રણ એર પોર્ટ પર ચેક ઇન માટે ડિજિયાત્રા નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ટિકિટ કે બોર્ડિંગ પાસની જરૂર પડતી નથી. તેમાં પેસેન્જરનો ચહેરો જ ટિકિટનું કામ કરે છે. સરકાર દ્વારા લાંબી લાઇનોથી બચવા દરેક પેસેન્જરને ડિજિયાત્રાની એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

છેલ્લા ૧૦ દિવસથી દિલ્હીના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર જે ધસારો અને અવ્યવસ્થા જોવા મળી રહ્યા છે તેને કારણે તેના રેટિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. ડીજીસીઆઇ દ્વારા દિલ્હીના એર પોર્ટનો વહીવટ કરતી કંપનીને પેનલ્ટી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તાજેતરમાં એક મીડિયા પ્લેટફોર્મ દ્વારા દિલ્હી ઇન્ટરનેશનલ એર પોર્ટનો ઉપયોગ કરતાં ૧૦,૦૦૦ પેસેન્જરોનો સર્વે કરવામાં આવ્યો તેમાંથી ૩૮ ટકાનું કહેવું હતું કે જે સેવા પૂરી પાડવામાં આવે છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી. ગયા વર્ષે તેની ટકાવારી ૧૫ની હતી. ૩૧ ટકા પેસેન્જરોનું કહેવું હતું કે એર પોર્ટમાં પ્રવેશ કરવા માટે અને ચેક ઇન કરવા માટે જે સુરક્ષા જાંચ કરવામાં આવે છે, તેનાથી તેઓ નાખુશ છે. ૩૮ ટકાનું કહેવું હતું કે તેમને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવામાં તકલીફ પડે છે. ૩૮ ટકાનું કહેવું હતું કે બહાર નીકળ્યા પછી તેમને ટેક્સી ભાડે કરવામાં ખરાબ અનુભવો થાય છે. દરમિયાન સરકારે હાથ ઊંચા કરી દેતાં કહ્યું છે કે જાન્યુઆરી સુધી પરિસ્થિતિમાં સુધારો થશે નહીં. ભારતનાં લોકો સમય બચાવવા વિમાની મુસાફરી કરતા હોય છે, પણ તેમના સમયની કોઈ કિંમત નથી.

Most Popular

To Top