Comments

રાજકીય પક્ષની માલિકી કોની? થોડાક ચુંટાયેલા નેતાઓની કે લાખો સમર્થકો કાર્યકર્તાઓની?

રાજકીય, આર્થિક, સામાજિક વિચારધારા મુજબ સત્તા મેળવી, શાસન કરવા સમાન વિચારધારાવાળા લોકો ભેગા મળી, એક રાજકીય પક્ષની સ્થાપના કરે છે. દેશના બંધારણ મુજબ કાયદા અને નિયમ અનુસાર તેનું ઔપચારિક ગઠન કરે છે. પોતાનું બંધારણ બનાવે છે. પક્ષના સભ્યો કારોબારીનું ગઠન કરે છે. પ્રમુખ અને ઉપપ્રમુખ વગેરે પદો પર નિયુક્તિ કરે છે. બધું જ કાયદા મુજબ ચૂંટણી કે સર્વસંમતિથી થાય છે, પછી પાર્ટી ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિ ઉતારે છે, જેમાંથી થોડા ચુંટાય છે. હવે આ ચુંટાયેલા ધારાસભ્યો રાતોરાત પાર્ટીની વિચાધારા અને પાર્ટીના કારોબારી કે પ્રમુખની વિરુદ્ધ જઈને અન્ય પાર્ટી સાથે ગઠન કરી સત્તા ના લાભ લે છે.

એટલું જ નહીં પોતે પાર્ટી છોડી છે તે વાત કહેવાને બદલે અમે જ સાચી પાર્ટી છીએ અને અમે પાર્ટીના બાકી સભ્યોને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે તેવું જાહેર કરે છે. મજાની વાત તો એ છે કે ચૂંટણી પાંચ આ માન્ય કરે છે. બળવો કરનારા સાચી પાર્ટી છે અને મૂળ પાર્ટી હવે જુદી પાર્ટી છે તેવો ચુકાદો આવે છે. દેશના બંધારણવિદો, કાયદાશાસ્ત્રીઓ અને લોકશાહીની ચિંતા કરનારા ચૂપ છે. ક્યાંયથી આ બાબત માટે કોઈ પ્રશ્ન આવતો નથી. કોઈ પૂછતું નથી કે પાર્ટીની માલિકી કોની? ચુંટાયેલા થોડા નેતાઓની કે લાખો કાર્યકર્તાઓ સમર્થકોની? યાદ રાખો, આજે જે શિવસેના કે એન સી પી સાથે બન્યું છે તે કાલે ભાજપ કે કોંગ્રેસ સાથે બની શકે છે. આજે ભાજપ લાભ મળે છે માટે ચૂપ છે અને કોંગ્રેસ આ આપણો ક્યાં પ્રશ્ન છે એમ માનીને ચૂપ છે, પણ આ યોગ્ય નથી.

ભારતના રાજકારણમાં પક્ષપલટાની પરમ્પરા વર્ષોથી ચાલે છે. પહેલાં તો આયારામ ગયા રામનો સીલસીલો ચાલતો, પછી પક્ષપલટા વિરુધ્ધ કાયદો બન્યો અને એકલદોકલ હેરાફેરી અટકી ગઈ. એક તૃતિયાંશ સભ્યો પક્ષ બદલો કરે તો જ માન્યતા મળે એ નીતિએ કાં તો સામુહિક હિજરત શરૂ કરી અને જ્યાં એક બે જ સભ્યો ચુંટાયા હોય ત્યાં કાયદો લાચાર બન્યો. પણ અત્યાર સુધી જયારે જ્યારે ચુંટાયેલા સભ્યોએ પક્ષ છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ત્યારે તેમણે નવી પાર્ટી સ્થાપી. આ કદાચ પ્રથમ વખત બન્યું છે કે મૂળ પાર્ટીમાંથી છુટા થઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરી સત્તા મેળવનારાએ કહ્યું હોય કે મૂળ પાર્ટી જ અમે છીએ. શિવસેનામાંથી જુદા પડી શિંદે ગ્રુપ ભાજપમાં ભળ્યું નથી. એન. સી. પી. માંથી જુદા પડીને અજીત પાવર સભ્યો સાથે ભાજપમાં જોડાયા નથી. આ બન્ને કિસ્સામાં તેમણે ભાજપનો સાથ લીધો છે, ભાજપમાં સમાઈ નથી ગયા. એટલે મુદ્દો પક્ષ પરિવર્તનનો નથી મુદ્દો પાર્ટીની માલિકીનો છે. મલિકી કોની ?

અત્યાર સુધી એવું અનેક વાર બન્યું છે કે ચૂંટણી પતી ગયા પછી ચુંટાયેલા નેતા કદી લોકોને પૂછતાં નથી. પ્રજા બિચારી તમાશો જોયા કરે છે. હવે તો પક્ષ અને કાર્યકર્તાઓ પણ લાચાર બનીને તમાશો જુએ છે  એટલે મુદ્દો એ બને છે કે કાયદો સંશોધન માગે છે . જો શિંદે જૂથને ઉદ્ધવ ઠાકરે અને તેમની કારોબારીના નિર્ણય નોતા ગમતા તો તેમણે પહેલા શિવશેના પક્ષની બેઠક બોલાવવાની જરૂર હતી, પછી નિયમ અનુસાર ઉદ્ધવ ઠાકરે અને તેમની કારોબારીને પોતાના વિચાર બદલવા દરખાસ્ત કરવાની જરૂર હતી .પક્ષ લેવલે જ બહુમતીથી પ્રમુખ કે કારોબારી બદલીને નવા પ્રમુખ કારોબારી દ્વારા નવા નિર્ણય લઇ સત્તામાં જોડવાની જરૂર હતી અને ત્યારે ઉદ્ધવ ઠાકરે કે તેમના સમર્થકો વિરોધ કરે તો તેમને તે પક્ષ માંથી હાકી કાઢી શકે અને પછી ઉદ્ધવ જુથે નવો પક્ષ રચવો પડે .આવું જ શરદ પવારના કિસ્સામાં પણ થાય તે જરૂરી. લોકસભા કે વિધાન સભામાં ચુંટાયેલા સભ્યો જ પાર્ટી છે તે માનવું જ ભૂલભરેલું છે. જો વર્તમાન કાયદો પણ આ માનતો હોય તો સંસદમાં તે સુધારવો અને સ્પસ્ટ કરવો જરૂરી છે અન્યથા લોક્ષ્ગાહી નું ચીર હરણ થતું જ રહેશે

ધારોકે એક મોટી રાષ્ટ્રીયપાર્ટીના બે જ સભ્યો લોકસભામાં ચુંટાય અને રાતોરાત સત્તા ના લાભ લેવા સત્તાપક્ષને ટેકો આપવા દોડી જાય અને પક્ષ પોતાની વિચારધારા મુજબ વર્તન નહી કરનારા આ બન્ને સભ્યો ને ગેરલાયક ઠેરવે તો બીજી તરફ આ બન્ને એમ કહે કે અમે જ પાર્ટી છીએ અને પાર્ટી અમને શું કાઢતી હતી અમે જ પાર્ટીને કાઢી મૂકીએ છીએ તો શું આ યોગ્ય ગણાશે ? આ તો હિન્દી ફિલ્મના ડાયલોગ જેવું થયું, “હમ જહાં ખડે હોતે હે લાઈન વહાંસે શુરુ હોતી હે”- આવું ફિલ્મમાં સારું લાગે, લોકશાહીમાં નહીં.આ દાદાગીરી છે. આ માત્ર કાયદાનો દુરુપયોગ છે અને પ્રજાની લાચારીનો ગેરલાભ છે . કોઈને પણ જો લોકશાહીમાં  શ્રધ્ધા હોય તો તેણે આ મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા ઉપાડવી જોઈએ .ખરેખરતો ભાજપ અને કોગ્રેસ જ આ મુદ્દાને સ્પસ્ટ કરે તે તેમની ફરજ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top