Charchapatra

હાલના વિદ્યાર્થીઓનું ભાવિ શું?

એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે LLB ના પેપરમાં ૭૬ ગુણના ૩૮ પ્રશ્ન ખોટા, છ મહિને ખબર પડી, ત્રીજી વાર રિઝલ્ટ બદલાશે. એવું પણ જણાવાયું છે કે કાયદાના પાઠ ભણાવતી નર્મદ યુનિવર્સિટીને FIR ની ફોર્મ્યુલા ખબર નથી. જે પરીક્ષાના પેપરમાં ભૂલ હતી તે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ને દિવસે એલએલબી સેમેસ્ટર – ૫ ની પરીક્ષા હતી. ભૂલ પકડવા ૩ વખત કમિટી બનાવાઈ, પણ કોઇ ફાયદો થયો નહીં, બે કમિટીએ પ્રોફેસરોને નિર્દોષ જાહેર કર્યા, હવે ત્રીજી કમિટી બનાવાઈ છે. યુનિર્વિસટીના રજિસ્ટ્રાર આર. સી. ગઢવીના જણાવ્યા પ્રમાણે એલએલબીના પ્રશ્નપત્રમાં ભૂલ હોવાની ફરિયાદ બાદ યુનિવર્સીટીએ ઘણા પ્રોફેસર સાથે સંપર્ક કરી પ્રશ્નો અંગે જાણકારી માંગી હતી, પરંતુ કોઇ પણ પ્રોફેસરે પ્રશ્નો ખોટા હોવાનું જણાવ્યું ન હતું.

હવે પ્રશ્ન એ થાય કે ૭૬ ગુણના ૩૮ પ્રશ્નો ખોટા હોવા છતાં કોઈ પ્રોફેસરને એક પણ પ્રશ્ન ખોટો ન લાગ્યો એ કેવું? આ પ્રોફેસરોના સ્તરને શું કહેવું? અને આ વિદ્યાર્થીઓ આવો કાયદાનો અભ્યાસ પૂરો કરીને વકીલ થઈને બહાર પડે તો તેમની વકીલાત કેટલે અંશે વ્યાજબી થઇ શકે. યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં આવા છબરડા ચાલતા હોય તો કોને કહેવા જવું? આ કિસ્સા પરથી એક વાત ધ્યાનમાં આવે છે કે જો શિક્ષણનું સ્તર આટલું બધું નીચે ચાલ્યું જાય તો હાલના વિદ્યાર્થીઓનું ભાવિ શું? ફકત આ કિસ્સામાં અને અહીં જ નહીં, આખા દેશમાં ભૂલો કરનારને અને ગુનો આચરનારાઓને જે રીતે છાવરવામાં આવે છે તે દેશને માટે નુકસાનકર્તા તો છે જ, પણ તે આ દેશની કમનસીબી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top