પરીક્ષા પ્રણાલીમાં મોટા સુધારાની તૈયારી
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ભરતી અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકના બનાવોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. NEET-UG 2026 વિવાદ બાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં મૂળભૂત સુધારા લાવવા માટે હાઈ-લેવલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ટેક્નોલોજી, શિક્ષણ, સુરક્ષા અને વહીવટી ક્ષેત્રના દેશના અગ્રણી નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામાકોટીએ પેપર લીક રોકવામાં સૌથી મોટો પડકાર શું છે તે અંગે મહત્વપૂર્ણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
વી. કામાકોટીના જણાવ્યા મુજબ, પેપર લીક જેવી ઘટનાઓ માત્ર ટેક્નોલોજીની ખામીથી થતી નથી. સૌથી મોટો પડકાર સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની ‘એન્ડ-ટુ-એન્ડ સુરક્ષા’ જાળવી રાખવાનો છે. પ્રશ્નપત્ર તૈયાર થવાથી લઈને પ્રિન્ટિંગ, પેકિંગ, પરિવહન, સંગ્રહ, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા અને અંતે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી દરેક તબક્કે સુરક્ષાની મજબૂત વ્યવસ્થા જરૂરી બને છે. કોઈપણ એક કડી નબળી પડે તો સમગ્ર સિસ્ટમ જોખમમાં આવી શકે છે.
માત્ર ટેક્નોલોજી પૂરતી નથી
કામાકોટીએ સ્પષ્ટ કર્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રેકિંગ, એન્ક્રિપ્શન અને આધુનિક સુરક્ષા પ્રણાલીઓનો ઉપયોગ મહત્વનો છે, પરંતુ માનવીય જવાબદારી અને પારદર્શક વહીવટી પ્રક્રિયા પણ એટલી જ જરૂરી છે. ઘણી વખત આંતરિક લોકોની સંડોવણી અથવા પ્રક્રિયામાં રહેલી નાની ખામીઓ મોટી ગેરરીતિનું કારણ બને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પરીક્ષા પ્રણાલી એવી હોવી જોઈએ જેમાં દરેક પગલાની જવાબદારી નિશ્ચિત હોય અને દરેક પ્રક્રિયાની ડિજિટલ નોંધ ઉપલબ્ધ રહે.
પીએમ મોદીએ કેમ બનાવી હાઈ-લેવલ ટાસ્ક ફોર્સ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી હતી. પીએમ મોદીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં માળખાકીય સુધારા કરવામાં આવશે.
પીએમએ કહ્યું કે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક, વિશ્વસનીય અને ટેક્નોલોજી આધારિત બનવી જોઈએ. તેના માટે જ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એક મંચ પર લાવવામાં આવ્યા છે.
ટાસ્ક ફોર્સમાં કોણ-કોણ છે?
સરકારે રચેલી હાઈ-લેવલ ટાસ્ક ફોર્સમાં નીચેના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ નંદન નીલેકણી (અધ્યક્ષ)
પૂર્વ ISRO પ્રમુખ એસ. સોમનાથ
IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામાકોટી
પૂર્વ IB પ્રમુખ તપન ડેકા
પૂર્વ શિક્ષણ સચિવ અનિતા કરવાલ
વહીવટી અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીના, આ તમામ નિષ્ણાતો ટેક્નોલોજી, સુરક્ષા, શિક્ષણ અને વહીવટના અનુભવના આધારે નવી પરીક્ષા પ્રણાલી માટે ભલામણો તૈયાર કરશે.
પેપર લીકના મૂળ કારણો પર થશે અભ્યાસ
ટાસ્ક ફોર્સ માત્ર હાલની ખામીઓ દૂર કરશે એટલું જ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીની સમીક્ષા પણ કરશે. તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓનો સમાવેશ થશે:
પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા
ડિજિટલ સુરક્ષા
પ્રિન્ટિંગ અને પેકિંગ સિસ્ટમ
પ્રશ્નપત્રના પરિવહન માટે સુરક્ષિત વ્યવસ્થા
પરીક્ષા કેન્દ્રોની દેખરેખ
AI આધારિત મોનિટરિંગ
ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ
જવાબદારી નક્કી કરવાની નવી વ્યવસ્થા
NTAમાં થશે વ્યાપક સુધારા
NEET વિવાદ બાદ કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં પણ અનેક સુધારાઓ શરૂ કર્યા છે. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે નવી SOP, મજબૂત દેખરેખ, ટેક્નોલોજીનો વધુ ઉપયોગ અને કાયદા અમલ કરનારી એજન્સીઓ સાથે વધુ સારો સમન્વય વિકસાવવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટ પણ થઈ ચૂકી છે કડક
પેપર લીક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ NTA અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આવી ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ થાય છે અને જવાબદારી નક્કી કર્યા વિના આવી ગેરરીતિઓ અટકાવી શકાશે નહીં.
વિદ્યાર્થીઓનો વિશ્વાસ પરત લાવવો સૌથી મોટો હેતુ
નિષ્ણાતોનું માનવું છે કે પરીક્ષા માત્ર એક દિવસની પ્રક્રિયા નથી. સમગ્ર સિસ્ટમ પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાળવવો સૌથી મહત્વપૂર્ણ છે. જો પરીક્ષા પ્રણાલી પારદર્શક રહેશે તો જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય મળશે.ટાસ્ક ફોર્સનું મુખ્ય લક્ષ્ય એ છે કે ભવિષ્યમાં કોઈપણ રાષ્ટ્રીય પરીક્ષા દરમિયાન પેપર લીક, ગેરરીતિ અથવા સુરક્ષા ભંગ જેવી ઘટનાઓ માટે કોઈ જગ્યા ન રહે.
ટેક્નોલોજી અને માનવીય જવાબદારીનો સમન્વય જ ઉકેલ
વી. કામાકોટીના મત મુજબ, માત્ર નવી ટેક્નોલોજી અપનાવવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે. સુરક્ષા વ્યવસ્થા, માનવીય જવાબદારી, કડક દેખરેખ, ડિજિટલ ટ્રેકિંગ અને ઝડપી કાર્યવાહી – આ તમામ બાબતો સાથે મળીને જ પેપર લીક
જેવી ગંભીર સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાય.
હાઈ-લેવલ ટાસ્ક ફોર્સ ટૂંક સમયમાં પોતાની ભલામણો કેન્દ્ર સરકારને સોંપશે. ત્યારબાદ પરીક્ષા પ્રણાલીમાં ટેક્નોલોજી આધારિત મોટા ફેરફારો અમલમાં આવી શકે છે. સરકારનો દાવો છે કે આગામી તમામ મહત્વપૂર્ણ પરીક્ષાઓ વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બને તે માટે જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવશે.