Sports

મોટો અપસેટ: બે વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન રહી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટમાંથી બહાર

હોબાર્ટ: ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલાં T20 વર્લ્ડકપમાં (T20 WorldCup) મોટો અપસેટ સર્જાયો છે. બે વખત ચેમ્પિયન રહી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાઈર રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આર્યલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ હારી ગયું છે.  T20 વર્લ્ડ કપની 11મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે હોબાર્ટમાં રમાઈ હતી. આ ગ્રુપ-બી મેચમાં આયર્લેન્ડે (Ireland) વેસ્ટ ઈન્ડિઝને (West Indies) નવ વિકેટે હરાવીને સુપર-12માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ પહેલા જ રાઉન્ડમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

  • આર્યલેન્ડે વેસ્ટઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું
  • આર્યલેન્ડે 150 રનના લક્ષ્યાંકને આસાનીથી હાંસલ કર્યું
  • વેસ્ટઈન્ડિઝ 146 રન જ બનાવી શક્યું હતું

ગ્રુપ બીમાં આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. તેણે આ મેચ નવ વિકેટથી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમે 17.3 ઓવરમાં એક વિકેટે 150 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે વિસ્ફોટક બેટ્સમેન પોલ સ્ટર્લિંગે 48 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. લોર્કન ટકર 35 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્નીએ 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. આયર્લેન્ડની જીતનો અસલી હીરો સ્પિનર ​​ગેરેથ ડેનલી હતો. તેણે ચાર ઓવરમાં 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એવિન લેવિસ, નિકોલસ પૂરન અને રોવમેન પોવેલને આઉટ કર્યા હતા.

આઈસીસી રેન્કિંગમાં આયર્લેન્ડ 12મા ક્રમે છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાતમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ રેન્કિંગ ટોપ-10 દેશોમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આયર્લેન્ડના ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝના ત્રણ મેચમાં માત્ર બે પોઈન્ટ હતા. સુપર-12માં આયર્લેન્ડની ટીમ કયા ગ્રુપમાં જશે, તે સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચના પરિણામ બાદ નક્કી થશે.

આયર્લેન્ડ: પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (સી), લોર્કન ટકર (ડબલ્યુકે), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્પર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, સિમી સિંઘ, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ.

વેસ્ટ ઈન્ડિઝ: કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, એવિન લુઈસ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન (w/c), રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, ઓડેન સ્મિથ, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.

Most Popular

To Top