Dakshin Gujarat

નડિયાદમાં ધો.9માં ભણતી ઉચ્છલની કિશોરીનું વેચી દેવાના ઇરાદે અપહરણ, આદિવાસી આલમમાં રોષ

વ્યારા: (Vyara) ઉચ્છલ તાલુકાની નડિયાદમાં ધો.૯માં ભણતી ગત તા.૨૩મીએ ગુમ થયેલી આશરે ૧૫ વર્ષની કિશોરી (Girl) ગત ૩જી ફેબ્રુઆરીએ મળી આવી હતી. જે મામલે પોલીસે (Police) સ્થળે ગુનો નોંધવા એકબીજા પોલીસમથકને ખો આપતાં સમગ્ર આદિવાસી આલમમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

  • નડિયાદમાં ધો.૯માં ભણતી ઉચ્છલની કિશોરીનું વેચી દેવાના ઇરાદે અપહરણ!
  • અપહરણ કરનાર પણ ઝડપાયો, પણ ગુનો નોંધવા પોલીસના ગલ્લાંતલ્લાં
  • ગત તા.૨૩મીએ ગુમ થયેલી કિશોરી ૩જી ફેબ્રુઆરીએ મળી આવી
  • બસમાં બાજુમાં બેસી અપહરણ કરનાર પોલીસ હોવાની ઓળખ આપી સાથે લઈ ગયો હતો

ઉચ્છલની કિશોરીના પિતાએ તા.૨૩મીએ તેને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી નડિયાદ સ્કૂલે જવા માટે બસમાં બેસાડી હતી, પરંતુ તે દિવસે સાંજે ૪ વાગ્યાના અરસામાં તેમને શાળામાંથી ફોન આવ્યો હતો કે, તેમની દીકરી શાળાએ પહોંચી નથી. બીજા દિવસે સતત બે દિવસ સુધી સુરત જઈને પોતાની દીકરીને શોધવા પિતાએ દોડધામ આદરી હતી. પણ પોતાની દીકરીનો કોઇ પત્તો ન મળતાં તેણે દીકરીનાં અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં તેની નોંધ કરાવી હતી, પણ આ દીકરીને પોલીસ શોધવામાં નિષ્ફળ રહી હતી. દીકરીએ પોતાના મામા પર ફોન કરી પોતે ક્યાં છે તેની માહિતી આપતાં દીકરીનું પરિવાર તેને લેવા સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે અપહરણ કરનાર યુવકને પણ ઝડપી પાડ્યો હતો. તેને નજીકનાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં એમની કોઇ ફરિયાદ લેવાઈ ન હતી.

કહેવાય છે કે, આ પરિવારને ત્યાંથી ઉચ્છલ ફરિયાદ નોંધાવવા માટે મોકલી આપ્યા હતા. આ પરિવારે આ કિશોરીનું અપહરણ કરનારને ઉચ્છલ પોલીસને સોંપી દીધો હતો. ત્યાર બાદ ઉચ્છલ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી પાલેજ પોલીસમથકે ઘટનાની જાણ કરી હતી. કિશોરીએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, બસમાં બાજુમાં બેસી પોલીસની ઓળખ આપી, નજીકમાં ઘર હોવાનું જણાવી આ કિશોરીને અપહરણ કરનાર યુવક તેની સાથે લઇ ગયો હતો. જાંબુવા ચોકડીએ ઉતારી હતી, કિશોરીને ત્યાં બદામ શેક અને બિસ્કિટ ખવડાવી હતી, ત્યાર બાદ આ યુવક જ્યાં જાય ત્યાં બેભાન અવસ્થામાં હોય તેની પાછળ તે જતી હોવાનું જણાવ્યું હતું. ગત ૨૩ જાન્યુઆરીથી ૩જી ફેબ્રુઆરી સુધી આ કિશોરીને સાથે ફરાવ્યા કરતો હતો, નાઇટ રોકાવાની જીદ પણ કરતો હતો. કિશોરી સાથે કોઇના ઘરમાં પણ રોકાયો હતો. ત્યાર બાદ તેણીને કોઇ બ્રિજ પાસે મૂકીને જતો રહ્યો હતો. અપહરણ કરનાર તેને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવા માંગતો હતો, તેવું પણ કિશોરીએ જણાવ્યું હતું.

Most Popular

To Top