SURAT

VNSGU: નાપાસ થવાના ડરે MBBSની પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી લઈ આવ્યો ને..

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની (MBBS) પરીક્ષામાં (Exam) વિદ્યાર્થી ખિસ્સામાંથી કાપલી કાઢવા ગયોને પકડાઈ ગયો છે. એટલું જ નહીં, બે વિદ્યાર્થી હોલ ટિકિટ પર જવાબ લખીને આવ્યા હતા. જ્યારે બે વિદ્યાર્થી મોબાઇલ (Mobile) લઇને આવ્યા હતા. જો કે, આ વાતની જાણ યુનિવર્સિટીને (University) થતાં જ તેમણે પાંચેય વિદ્યાર્થીઓને જે તે વિષયમાં ઝીરો માર્ક્સ સાથે રૂપિયા 500ની પેનલ્ટી કરી છે.

યુનિવર્સિટીએ જાન્યુઆરી-23ના એન્ડિંગમાં એમબીબીએસની થિયરીની પરીક્ષા લીધી હતી. જેમાં ગર્વમેન્ટ મેડિકલ કોલેજ અને સ્મીમેર મેડિકલ કોલેજમાં સ્ક્વોર્ડની ટીમ પહોંચી હતી. જેમાં એક વિદ્યાર્થી ખિસ્સામાંથી કાપલી કાઢતા જ પકડાઈ ગયો હતો. જેથી સ્ક્વોર્ડની ટીમે તરત જ તપાસ કરી હતી અને ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. તેવી જ રીતે અન્ય ક્લાસમાં બે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર લખાણ મળી આવ્યું હતું. જેથી તેમની પણ તપાસ કરી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી અપાયો હતો. જ્યારે મોબાઇલ લઈને આવનાર બે વિદ્યાર્થીઓને કોલેજ સુપરવાઇઝરે જ પકડી લીધા હતા. જે મામલે સુપરવાઇઝરે પણ ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો.

આમ, પાંચેય વિદ્યાર્થીઓની ગેરરીતિની ફાઇલ યુનિવર્સિટીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પાસે આવી હતી જેમાં પાંચેય વિદ્યાર્થીઓનું હિયરિંગ હાથ ધરાતાં કાપલી લઇને આવનારા વિદ્યાર્થીએ પોતાની ભૂલ કબૂલતા જણાવ્યું હતું કે, વાંચવાનું રહી ગયું હતું, જેથી નાપાસ નહીં થવાય તે ડરે કાપલી લઈ આવ્યો હતો. પરંતુ પહેલી વાર જ આવી ભૂલ થઈ હતી. આ રીતે જ હોલ ટિકિટ પર જવાબ લખી આવનારા બે વિદ્યાર્થીઓએ પણ ભૂલ કબૂલી હતી. જ્યારે મોબાઇલ લાવનારા વિદ્યાર્થીઓએ ઊતાવળે પરીક્ષામાં આવ્યા હોય અને મોબાઇલ ખિસ્સામાં રહી ગયા હોવાનું કબૂલ્યું હતું. આમ, એમબીબીએસના પાંચેય વિદ્યાર્થીઓએ પરીક્ષાના નિયમો તોડ્યા હોવાથી યુનિવર્સિટીએ પાંચેય વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે રૂપિયા પાંચસોની પેનલ્ટી કરી હતી.

આન્સર બુકમાં છેકછાક થતાં વિદ્યાર્થીએ પાના ફાળ્યા! સજા મામલે યુનિવર્સિટી મુઝવણમાં
યુનિવર્સિટીએ ડિસેમ્બરમાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામના ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા લીધી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ આન્સર બુકમાં છેકછાક થતા જ આન્સર બુકના પાના ફાળી નાંખ્યા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ફેક્ટ સમક્ષ કબૂલ્યું હતું કે, છેકછાક ખૂબ જ થઈ ગઈ હતી. જેના કારણે પેપર તપાસનારા પ્રોફેસર માર્ક્સ કાપી નહીં લે તે માટે આન્સર બુકના અડધા પાના સ્કેલથી ફાડી નાખ્યાં હતાં પરંતુ ગેરરીતિ કરવાનો કોઈ ઇરાદો ન હતો. આમ, વિદ્યાર્થીઓએ આવું લેખિતમાં આપતા જ યુનિવર્સિટીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના અધિકારીઓ મુંઝવણમાં મૂકાયા છે. જેથી યુનિવર્સિટીએ ત્રણેય વિદ્યાર્થીઓનો આ ઈશ્યુ પેન્ડિંગ રાખ્યો છે. વિદ્યાર્થીઓનું શું કરવું? સજા આપવી કે ના આપવી? તેનો નિર્ણય આગામી બેઠકમાં લેવાશે.

Most Popular

To Top