Columns

જોન્સન એન્ડ જોન્સન પ્રોડક્ટ પર 26 હજાર કેસોની કહાની, એક પછી એક પૂરાવા મળ્યા અને કંપનીની પોલ ખોલી

જોન્સન એન્ડ જોન્સન હેલ્થકેર કંપનીએ આખરે તેમની પાવડરની પ્રોડક્ટને પૂરા વિશ્વના બજારમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જોન્સન એન્ડ જોન્સન પાવડરનાં વેચાણ પર છેલ્લા 2 વર્ષથી અમેરિકા અને કેનેડામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અત્યાર સુધી કંપનીની આ પ્રોડક્ટ પર 26,000  જેટલા કેસ દર્જ થયા છે અને ગ્રાહકો એવાં ઠોસ કારણો રજૂ કરી શક્યા છે કે તેનાથી ઓવેરિયન(અંડાશય)નું કેન્સર થાય છે. આની શરૂઆત 2013માં થઈ હતી જ્યારે અમેરિકાની જેકલિન ફોક્સ નામની 62 વર્ષીય મહિલાને કેન્સર ડિટેક્ટ થયું અને તે પછી તેણે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. તેણે પોતાના કેન્સર અને જોન્સન એન્ડ જોન્સનના પાવડરનું કનેક્શન શોધી કાઢ્યું અને તે કોર્ટમાં સાબિત પણ થયું.

2016માં જેકલિનનું મૃત્યુ થયું અને તે પછી કોર્ટ દ્વારા તેને વળતર પેટે 72 મિલિયન ડૉલર(અંદાજે 500 કરોડ) ચૂકવવામાં આવ્યા. જેકલિને મુખ્યત્વે કંપનીની બે પ્રોડક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા એક, બેબી પાવડર અને બીજું, શાવર ટુ શાવર પાવડર. કોર્ટમાં પુરાવારૂપે મૂકવામાં આવેલા દસ્તાવેજોમાં એવું સાબિત થયું છે કે આ બંને પ્રોડક્ટમાં ટેલ્કમ પાવડર છે. જો કે, પહેલી વખત જ્યારે જેકલિને કંપની પર આરોપ લગાવ્યા ત્યારે કંપની તેના બચાવમાં એક જ વાત કહેતી રહી કે તે તેના પ્રોડક્ટ માટે ઉચ્ચતમ ધોરણને અનુસરે છે, ઉપરાંત તેમાં કોઈ હાનિકારક દ્રવ્યનો ઉપયોગ થતો નથી. કંપનીના અવારનવાર આવાં નિવેદનોથી જેકલિનની લડત મોળી પડતી ગઈ અને એક સમયે એવું પણ લાગ્યું કે જેકલિન પોતાની વાત સાબિત નહીં કરી શકે.

ખાસ તો ત્યારે જ્યારે કંપનીના પ્રવક્તાએ કોર્ટમાં કેસ ચાલતો હતો તે દરમિયાન એમ કહ્યું કે, ઓવેરિયયન કેન્સર એક અટપટી બીમારી છે. તે થવાનું કોઈ ઠોસ કારણ શોધવામાં નથી આવ્યું. ‘અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન’, ‘નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ’ અને ‘કોસ્મેટિક ઇન્ગ્રેડિઅન્ટ રિવ્યૂ કમિટિ’એ આપેલાં તારણ મુજબ પણ ઓવેરિયન કેન્સર થવાનું કારણ પાવડરને ગણી શકાય નહીં. જો કે ત્યારે જેકલિનના એડવોકેટ કંપનીનો જ એક આંતરિક પત્રવ્યવહાર શોધી લાવ્યા, જેમાં જોન્સન એન્ડ જોન્સન કંપનીના મેડિકલ કન્સલ્ટન્ટે જ ટેલ્કમ પાવડરથી ઓવેરિયન કેન્સર થાય તેમ કબૂલ કર્યું હતું. તે પછી જેકલિનનું અવસાન થયું અને તેની તરફેણમાં કોર્ટનો ચુકાદો આવ્યો.

પછી જાણે જોહ્સન એન્ડ જોહ્સનના પાવડર પ્રોડક્ટ પર અમેરિકાભરમાંથી કેસ દર્જ થવા માંડ્યા. 2017માં આ કેસોની સંખ્યા 1000 સુધી પહોંચી. આ પછી 2018માં પણ 22 મહિલાઓને થયેલાં ઓવેરિયન કેન્સરનું કારણ કોર્ટને આ પાવડર જ લાગ્યું અને તેમને પણ મસમોટી રકમ કંપની દ્વારા ચૂકવવામાં આવે, તેવો કોર્ટે ઓર્ડર કર્યો. કંપની પર થયેલા આરોપ એટલા ગંભીર હતા કે કંપનીને પોતાના ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ્સ જાહેર કરવાની ફરજ પાડવામાં આવી. તે ડોક્યુમેન્ટ્સ જ્યારે કોર્ટની સમક્ષ મુકાયા ત્યારે તેમાં થયેલી નોંધો મુજબ છેક 1971થી કંપની પાસે એવી જાણકારી હતી કે તેમની પ્રોડક્ટ્સમાં હાનિકારક તત્ત્વો છે પણ તે તત્ત્વોને દૂર કરવાના કોઈ પ્રયાસ કંપનીએ ન કર્યા.

માર્કેટમાં મોટા પ્રમાણમાં જ્યારે ચીજવસ્તુઓ ખપે છે ત્યારે તેની ગુણવત્તા પર કોઈ ધ્યાન નથી આપતું. ખાસ કરીને એવી ચીજવસ્તુઓ તેમાંથી બાદ રહે છે, જેની અસર વર્ષો પછી થવાની હોય. આ કિસ્સામાં પીડિતોને કશુંય સાબિત કરવાનું મુશ્કેલ થઈ જાય છે. વિચારો અમેરિકામાં જ જોન્સન એન્ડ જોન્સન પર પગલાં લેવામાં આટલાં વર્ષો નીકળી ગયા તો અન્ય દેશોમાં તે કેસનું શું થાય? આજે કંપનીએ પોતાની પ્રોડક્ટ પાછી ખેંચી છે. કંપની માટે નામોશીજનક છે, કારણ કે છેલ્લા ઘણાં વર્ષોથી કંપનીએ પોતાના ઉચ્ચતમ માપદંડ વિશે ગાઈવગાડીને પ્રચાર-પ્રસાર કર્યો છે. આરોપ લાગ્યા છતાંય આ પ્રચાર-પ્રસાર ચાલતો રહ્યો. ભારતમાં પણ આ પાવડરની ખપત ખૂબ રહી છે અને તેની એડવર્ટાઇઝમેન્ટ ટેલિવિઝન પર પ્રાઇમ ટાઇમે અવારનવાર આવતી રહી છે.

કંપની પોતાનું જુઠ્ઠાણું આટલાં વર્ષો સુધી છુપાવી શકી તેનું એક કારણ તે વિશ્વની મસમોટી કંપનીઓમાં સ્થાન પામે તે પણ છે. મૂળે આ કંપની અમેરિકાની છે અને 1886માં જ્યારે તેની સ્થાપના થઈ હતી ત્યારે તેમાં મેડિકલ ડિવાઇઝ તૈયાર કરવાનું કામ થતું. તે પછી ફાર્માસ્યુટિકલ ને કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ સુધ્ધાંમાં તેની એન્ટ્રી થઈ અને કંપની સફળતા સર કરતી ગઈ. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજમાં કંપનીને 36મો ક્રમ મળે છે. અમેરિકામાં કંપનીને મળેલી ક્રેડિટ રેકિંગ ‘AAA’ છે, અમેરિકાની સરકાર કરતાં પણ આ ચડિયાતો ક્રમ છે. આ કંપનીના અંતર્ગત નાની-મોટી 250 કંપની કાર્યરત છે અને એ રીતે 60 દેશોમાં તેનું ઉત્પાદન થાય છે અને વેચાણ અર્થે તેની પ્રોડક્ટ વિશ્વના 175 દેશોમાં જાય છે.

એ મુજબ કંપનીની શાખ દાયકાઓ સુધી અકબંધ રહી  પણ છેલ્લા વર્ષોમાં કંપનીની પ્રોડક્ટ પર અવારનવાર આરોપ લાગતા રહ્યા છે અને તેમાં સૌથી ગંભીર આરોપ પાવડરનો છે. આ અગાઉ 2010માં જોન્સન એન્ડ જોન્સન દ્વારા બાળકોની 43 પ્રોડક્ટસને બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમાં કેટલીક દવાઓ હતી અને તેનો અમલ 12 દેશોએ કર્યો હતો. આ દવા પાછી ખેંચવામાં આવી તેમાં જોન્સન એન્ડ જોન્સનના અંતર્ગત કાર્ય કરતી મેકનેઇલ કન્ઝ્યુમર હેલ્થકેર નામની કંપની હતી. કંપનીએ તે વખતે બધો દોષ મેકનેઈલ પર એમ કહીને ઢોળી દીધો કે નિર્ધારિત માપદંડ મુજબ મેકનેઇલ કાર્ય કરતી નથી. 2010માં જોન્સન એન્ડ જોન્સનની બીજી પણ એક પ્રોડક્ટ આ રીતે નિષ્ફળ ગઈ અને તે માટે કંપનીને વળતર પેટે મસમોટી રકમ ચૂકવવાની આવી હતી.

આ પ્રોડક્ટ હતી હિપ રિપ્લેસમેન્ટમાં ઉપયોગી થાય તેની. હવે જ્યારે જોન્સન એન્ડ જોન્સનની આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવતું ત્યારે તેમાં  100એ 13 દર્દીઓને તેની વિપરીત અસર થઈ છે. ઘણી વાર હિપ રિપ્લેસમેન્ટમાં પ્રોડક્ટ ખામીભરેલી છે તેવું લાગતાં તેને કંપની બદલી આપતી, તેમ છતાં તેની ગંભીર અસર દર્દીઓ પર થઈ. હિપ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટમાં પણ કંપની પર અનેક કેસ દર્જ થયા. ભારતમાંથી પણ કંપની પર આ બાબતે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મુદ્દે કંપનીની શાખ દાવ પર લાગી નહોતી કારણ કે જે પ્રોડક્ટ માર્કેટમાં હતી તેનું નામ અલગ હતું. જોન્સન એન્ડ જોન્સન અંતર્ગત તે કંપની કાર્યરત હતી. દવાઓના આ બિઝનેસમાં અનેક આવી ક્ષતિઓ છે પણ વિકસિત દેશોમાંય તે દવાઓ વર્ષો સુધી વેચાણમાં હોય છે અને તેના જો તુરંત ખરાબ પરિણામ આવે તો જ તેના પર પ્રતિબંધ લદાય છે અને એટલે કંપનીઓ પણ બેફામ થઈને પોતાનો બિઝનેસ ચલાવે રાખે છે.

જોહ્સન એન્ડ જોહ્સનના કિસ્સામાં જોઈએ તો અમેરિકા અને કેનેડામાં બેબી પાવડર પર પ્રતિબંધ લદાયા પછી પણ બ્રિટન સહિત અન્ય દેશોમાં તે પાવડર બિન્દાસ વેચાણમાં રહ્યો. આજના યુગમાંય એક તરફ જે ચીજ ઝેર સાબિત થઈ ચૂકી છે તે અન્ય દેશોમાં દવાના રૂપે વેચાય છે. થોડા વખત અગાઉ ભારતની અરબિંદો ફાર્મા અને સન ફાર્માએ અમેરિકામાં તેમની પ્રોડક્ટને પાછી ખેંચી છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિકને માપદંડ પર ખરા ન ઉતરવાના કારણે આ બંને કંપનીની દવાઓ બજારમાંથી પાછી લેવાઈ છે. સામાન્ય રીતે આપણે ત્યાં નકલી દવાઓ પર દરોડા પડવાના ન્યૂઝ આવે છે પણ જાયન્ટ કંપનીઓની પ્રોડક્ટને યોગ્ય રીતે ચકાસવામાં આવે છે કે નહીં તેની કોઈ ખાતરી આપણી પાસે નથી. બજારમાં અસંખ્ય દવાઓ છે અને તેનું મેન્યુફેક્ચરીંગ કરતી અગણિત કંપનીઓ છે. આમાં દવાઓના માપદંડ કેવી રીતે નિર્ધારિત થતાં હશે તેનું ચિત્ર ભારતમાંય સ્પષ્ટ થતું નથી.

Most Popular

To Top