Charchapatra

ગામડિયું

જ્યાં નૈસર્ગિક સૌંદર્ય હોય, પંખીઓનો કલરવ સંભળાતો હોય અને સર્વત્ર સાદગી જોવા મળે તો સમજવું કે તમે સુખી અને સમૃદ્ધ છો. આ થઈ ગામડાની વાત. જો કે મોટે ભાગનાં લોકોના મતે જ્યાં કેળવણીનો અભાવ હોય, ગંદકી હોય અને પશુઓ જોવા મળે તે ગામડું. વળી એમાં કહેવાતાં લોકોનું ગામડા તરફનું માનસિક વલણ કંઈક જુદું જોવા મળે. ગામડિયું એટલે અસભ્ય, નહિ સુધરેલું તેવું અનાગરિક. લોકોની રીતભાત બધે રોંચા જેવું. ટૂંકમાં ગામઠી એટલે મૂઢ, મૂર્ખ, બેવકૂફ અને ભૂંડું, સાવ અજ્ઞાની. અરે, ગામડાની આતિથ્ય ભાવના માણી છે ખરી? ભારતનું લોકજીવન જાણવું હોય તો તેમનો પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવારો-ઉત્સવો, મેળા વગેરે જાણવા પડે. ગામડાની બોલી, સંસ્કૃત વિનાની સર્વ પ્રાકૃત-અસલી લોકબોલી સાંભળીને આનંદ થઈ જાય!

ગામડિયું આજે સુખી અને વિચારોમાં સમૃદ્ધ જોવા મળે. કેળવણી પણ વધી છે. આવા એક ગામની વાત કરવી છે. જિલ્લા નવસારી, તાલુકા ગણદેવીનું એક નાનકડું ગામ નામે ભાટ. દરિયાકિનારે આવેલું. સમાજની પ્રદેશ કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. સ્થળ હતું પ્રાથમિક વિદ્યામંદિર ભાટ. શાળાની વિશાળ જગ્યા જોઈને વિચાર આવે કે મોટી કોલેજ કાર્યરત થઈ શકે. એક ગામડિયાને પૂછ્યું કે આ વિશાળ જગ્યાનું રહસ્ય શું છે? પ્રતિઉત્તર મળ્યો “અમારાં બાપ-દાદાઓ દાનમાં આપી ગયેલા.” આ મહાજનોના સંસ્કાર કહેવાય! દરેક ગામમાં હજુ પણ શાળા માટે જેટલી વધુ જગ્યા દાનમાં આપીએ, તો ભવિષ્યમાં સૌ કહેશે, “અમારા બાપ દાદાઓએ આ જગ્યા દાનમાં આપી હતી.” ભાવિ પેઢીને આપવા જેવા આ સંસ્કાર અતિ આવશ્યક છે. ગામડિયું સંસ્કારી બન્યું છે.
નવસારી           – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top