Dakshin Gujarat

વાપી પાલિકાની ૨૮ નવેમ્બરે ચૂંટણી : ફોર્મ ભરવાથી માંડીને મતગણતરી સુધીનું શિડ્યુલ જાહેર થયું

વાપી : વાપી (Vapi) નગરપાલિકાની ચૂંટણી (Election) ૨૮ નવેમ્બરે થશે. ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. વાપી નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકોની ચૂંટણી થશે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી ૪૪ પૈકી ૪૧ બેઠક કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસને ૩ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે છેલ્લી ચૂંટણી બાદ હવે ઘણાં સમીકરણો બદલાયા છે. આ વખતે બરાબર દિવાળીના સમયે ચૂંટણી જાહેર થતાં ઉમેદવારો નક્કી કરવા માટે લાભ પાંચમ પહેલા જ રાજકીય પાર્ટીઓએ કામે લાગવું પડશે. બીજી તરફ ૨૮ નવેમ્બરે મતદાન હોવાથી પ્રચાર માટે પણ ઓછો સમય હોવાથી દિવાળીમાં પણ નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં લાગી જશે. વાપી પાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ સોમવારે વિધિવત જાહેર થયો છે.

આ કાર્યક્રમ પ્રમાણે ૮મી તારીખે જાહેરનામું પ્રસિધ્ધ થશે. ૧૩મી તારીખ સુધી ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ૧૫ નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તેમજ ૧૬ નવેમ્બરે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ રાખવામાં આવી છે. ત્યારબાદ ૨૮ નવેમ્બરે રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન રાખવામાં આવ્યું છે. ૩૦ નવેમ્બરે મતગણતરી થશે. વાપી પાલિકાની આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ રહે તેવા એધાણ છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી ચૂંટણીની તૈયારી તો થોડા સમયથી ચાલતી જ હતી. હવે અહીં આપ પાર્ટી કેવા ઉમેદવાર ઊભા રાખે છે તે જોવું રહ્યું.

વાપીમાં ભાજપનું સંગઠન મજબૂત છે. પેજ કમિટીને લઇને હવે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સક્રીય કર્યા છે. બીજી તરફ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇની જન આશિર્વાદયાત્રાથી પાલિકાની ચૂંટણી માટે ભાજપે પહેલા જ માહોલ બનાવી દીધો છે. બાકી કસર હતી તે તાજેતરમાં જ વાપીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઘણી યોજનાઓના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાપી પાલિકાની ચૂંટણીમાં આ વખતે ૪૪માંથી ૪૪ બેઠકો ભાજપ કબજે કરશે. બીજી તરફ કોંગ્રેસ છેલ્લા અઢી મહિનાથી વાપીમાં પોતાના કેટલાક ઉમેદવારો નક્કી કરીને લોકસંપર્કમાં લાગી છે. હવે આ ચૂંટણીમાં કેવા સમીકરણો બદલાય છે તે જોવું રસપ્રદ રહેશે.

ભાજપનો ૪૪ બેઠકો જીતવાનો દાવો

વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઇ પટેલને ચૂંટણી જાહેર થયા બાદ પૂછતાં તેમણે જણાવ્યું કે, દરેક વાર્ડના ઉમેદવારો પાર્ટી તરફથી નક્કી થશે. પરંતુ ભાજપના કાર્યકરો દ્વારા આ ચૂંટણીમાં ૪૪ બેઠકોમાંથી ૪૪ બેઠકો ભાજપ જીતશે. ઉમેદવારો નક્કી કરવા માટે પાર્ટી તરફથી પુરી પ્રક્રિયા કરવામાં આવશે. ઉમેદવારો નક્કી થયા બાદ કાર્યકરો દ્વારા તેમને જીતાડવામાં કોઈ કસર બાકી નહીં રહે.

પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર

વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમિષભાઇ વશીને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા અઢી માસથી વાપી પાલિકાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ૮૦ ટકા ઉમેદવારો નક્કી કરી દીધા છે. કોંગ્રેસ ૪૪ બેઠકો પર ચૂંટણી લડી જીતવા પુરો પ્રયાસ કરશે.

વાપી પાલિકાનો ચૂંટણી કાર્યક્રમ

  • જાહેરનામું પ્રસિધ્ધ થશે ૮-૧૧-૨૦૨૧
  • ઉમેદવારીની અંતિમ તારીખ ૧૩-૧૧-૨૦૨૧
  • ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૫-૧૧-૨૦૨૧
  • ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૬-૧૧-૨૦૨૧
  • મતદાન ૨૮-૧૧-૨૦૨૧
  • મતગણતરી ૩૦-૧૧-૨૦૨૧

Most Popular

To Top