Dakshin Gujarat

વાપી: 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો, નરાધમ 3 બાળકોનો પિતા

વાપી: (Vapi) વાપીમાં એક ઇસમ 6 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ પરિવારજનોએ વાપી ડુંગરા પોલીસ મથકમાં (Police Station) કરી હતી. મોડી રાત્રીના ડુંગરી ફળિયા નજીક દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ જતા માર્ગ નજીક પસાર થતી ખાડીની આસપાસ ઝાડી-ઝાંખરાવાળી અવાવરૂ સ્થળેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ટીમે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં એક અજ્ઞાત વ્યકિત નજરે પડયો હતો. તે આધારે પોલીસ ટીમ તપાસ કરતા એક આધેડને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલ ઈસમને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા હતાં. નરાધમ આધેડ છેલ્લા ચારેક દિવસથી બાળકી સાથે મિત્રતા કેળવી રહ્યો હતો. તેને દુકાનમાંથી વેફર-ચોકલેટ વગેરે ખાવાપીવાની ચીજવસ્તુઓ લઈ તેને આપતો હતો.

  • વાપીમાં બાળકીનું અપહરણ બાદ હત્યા કરનાર નરાધમ આધેડ ઝડપાયો : 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર
  • ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું અને માથામાં જીવલેણ ઈજા અને ગળે ટુંપો દઈ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
  • નરાધમ પરણિત છે અને 3 સંતાનનો પિતા છે

વાપીના ડુંગરી ફળિયામાં રહેતી પરિવારની 6 વર્ષીય બાળકી સોમવારે સવારે ઘરેથી ગુમ થઈ હતી. વાપી ડુંગરા પોલીસ મથકમાં બાળકી ગુમ થયાની જાણ કરાઈ હતી. જે બનાવને ગંભીરતાથી લઈ તરત જ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ વી.ચંદ્રસેકરની સૂચનાથી વલસાડ પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તાત્કાલિક આવી ગયા હતા. તેઓના માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે વાપી વિભાગના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, ડુંગરા પોલીસ, વાપી ઉદ્યોગનગર પોલીસ, વલસાડ રૂરલ પોલી તથા નાનાપોંઢા પોલીસની જુદી-જુદી ટીમો બનાવી અપહરણ થયેલ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. ડુંગરા વિસ્તારમાં નાકાબંધી કરી નાની-મોટી ચાલીઓ સહિતના સ્થળોની ચકાસણી કરાઈ હતી અને અસંખ્ય સીસીટીવી કેમેરાઓ તપાસ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરામાં એક ઈસમ બાળકીને લઈ કરવડ પાટીયામોરા વિસ્તારની ખાડી તરફ જતા નજરે પડયો હતો. જે બાદ તાત્કાલિક રાત્રીના સમયે જ પોલીસ ટીમ ત્યાંના કેટલાક રહેવાસીઓ સાથે મળી જનરેટર સાથેની ફોકસ લાઈટના સહારે શોધખોળ કરી હતી જયાં અપહૃત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ મોકલી ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જે રિપોર્ટ મુજબ બાળકી સાથે દુષ્કર્મ થયાનું અને બાળકીને ગળે ટૂંપો દઈ માથામાં જીવલેણ ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવ્યાનું ફલિત થયું હતું. ત્યારબાદ કોર્ટમાં રિપોર્ટ કરી આઈપીસી કલમ 302 તથા 376એબી તથા પોકસો એકટ કલમ 4,6 નો ઉમેરો કરી બાળકીનું અપહરણ કોણે અને શા માટે કર્યુ અને કેમ તેની હત્યા કરાઈ તેની વધુ તપાસ પોલીસ ટીમે કરી હતી.

અપહરણ કરનાર ઈસમને ઝડપી પાડવા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી અને ડુંગરા તથા વાપી જીઆઈડીસી વિસ્તારમાં ચેકપોસ્ટો ઉભી કરી નાકાબંધી કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બુલેટ ટ્રેન તથા એક્ષપ્રેસ-વે પ્રોજેકટ સાઈટ જેવા સંદિગ્ધ સ્થળોએ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. 25 થી વધુ પોલીસ ટીમ સાદા ડ્રેસમાં ગામના રહેવાસીઓ સાથે પેટ્રોલીંગમાં હતાં. ઈસમને ઝડપી પાડવા માટે પોલીસની સાથે ત્યાંના રહેવાસીઓએ પણ સહકાર આપ્યો હતો અને ચોક્કસ બાતમીના આધારે બાળકીનું અપહરણ અને હત્યા કરનાર ઈસમને મેટ્રો રેલની એક ઝૂપડીમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પકડાયેલ નરાધમ 3 બાળકોનો પિતા
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર ઈસમની ઉંમર આશરે 50 છે અને તેના આધાર કાર્ડમાં ઉં.41 છે. પોલીસ તપાસમાં તેની ઉંમર 50 હોવાનું બહાર આવ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. પરણિત છે અને ત્રણ સંતાનનો પિતા છે. પાંચ મહિના પહેલા ઈસમના સસરાની તબિયત ખરાબ હોવાથી પત્ની તેના સંતાનો સાથે પિયર વતન ચાલી ગઈ હતી. ઈસમ ભાડેના રૂમમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. રૂમનું ભાડુ ભરી ન શકવાને લઈ રૂમ પણ ખાલી કરાવી દેવાયો હતો. જેથી તે જ્યાં-ત્યાં છૂટક મજૂરી કરી જ્યાં રહેવાનું મળે ત્યાં રહેતો હતો.

Most Popular

To Top