Dakshin Gujarat

વલસાડ-મુંબઈ-વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન શરૂ, જોકે ફક્ત આ લોકો જ મુસાફરી કરી શકશે..

વાપી: (Vapi) કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે, કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો થતાં વિભાગ દરેક દિશામાં નિયમિત ટ્રેન વ્યવહાર પુન: શરૂ કરી રહ્યું છે, પરંતુ સુરતથી મુંબઈ જતાં રોજિંદા પેસેન્જરો માટે રેલવે (Railway) તંત્ર હજુ પણ અમુક ટ્રેન વ્યવહાર શરૂ કરી શક્યું નથી. ઉપરાંત આ ટ્રેનોમાં માત્ર ક્ન્ફર્મ ટિકિટ જ માન્ય હોવાથી રોજિંદા મુસાફરોને પારા વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ વલસાડથી મુંબઈ (Valsad-Mumbai) દોડતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન તેના નિયનિટ ટાઈમ ટેબલ પ્રમાણે સોમવાર 1લી માર્ચથી (March) પૂર્વવત્ શરૂ થઈ ગઈ છે. જોકે, આ ટ્રેનમાં (Train) માત્ર રિઝર્વેશન કન્ફર્મ ટિકિટ ધારક જ પ્રવેશ મેળવી યાત્રા કરી શકશે. વલસાડ-મુંબઈ ફાસ્ટ પેસેન્જર ટ્રેન તેના નિધારિત સમયે સવારે 4:40 કલાકે વલસાડથી ઉપડી મુંબઈ સવારે 9:15 કલાકે પહોંચશે.

વલસાડ રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 1 માર્ચ, સોમવારથી સેકન્ડ ક્લાસ સિટીંગ કોચ ધરાવતી વલસાડ-મુંબઈ ફાસ્ટ પેસેન્જર ટ્રેન તેના નિધારિત સમયે સવારે 4:40 કલાકે વલસાડથી ઉપડી મુંબઈ સવારે 9:15 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને તરફ અતુલ, પારડી, ઉદવાડા, વાપી, કરમબેલી, ભીલાડ, સંજાણ, ઉમરગાવ રોડ, ઘોલવડ, દહાણુરોડ, વાનગાવ, બોઈસર, પાલઘર, કેલવે રોડ, સફાળે, વૈતરણા, વિરાર, બોરીવલી અને દાદર ઉભી રહેશે. વલસાડ ફાસ્ટ પેસેન્જર મુંબઈથી રોજ સાંજે 6:10 કલાકે ઉપડી વલસાડ ખાતે રાત્રે 11:05 કલાકે પહોંચશે. આ ટ્રેનમાં યાત્રા કરનાર મુસાફરે રિઝર્વેશન ટિકિટ બુક કરાવી પડશે. કન્ફર્મ ટિકિટધારકોને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાશે. ઉપરાંત દરેક યાત્રીને કોવિડ-19ના નીતિ નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

રોજિંદા પાસધારકોને હજુ પણ પારાવાર મુશ્કેલી
રેલવે વિભાગ ધીરે ધીરે ટ્રેન વ્યવહાર પૂર્વવત્ કરી રહી છે, પરંતુ રોજિંદા મુસાફરી કરતાં નોકરિયાત લોકો, અધિકારીઓ, બેન્ક સ્ટાફ સહિત અસંખ્ય મુસાફરો માટે હજુ પણ કોઈજ પ્રકારની સુવિધા શરૂ કરાઈ નથી. રોજે રોજ મુંબઈથી સુરત સુધી અપડાઉન કરતાં મુસાફરોને રોજ ઓનલાઈન રિઝર્વેશન કરાવું પોષાય તેમ નથી. વલસાડ સહિત સંઘપ્રદેશના જનપ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનો ક્યારે જાગશે, અને રેલવે વિભાગને રજૂઆત કરી પાસધારકો માટે સ્પેશ્યલ ટ્રેન ક્યારે શરૂ કરાવશે, તેની રાહ રોજિંદા મુસાફરો કરી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top