Dakshin Gujarat

વલસાડ: ગ્રાહકોને લૂંટતી હાઈવેની આ જાણીતી હોટલો અને ઢાબામાં દરોડા

વલસાડ : (Valsad) વલસાડ જિલ્લામાં ગ્રાહકોને લૂંટતા (Loot) દુકાનદારો, વેપારીઓ અને હોટલ સંચાલકો (Hotel managers) સામે કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મહત્તમ કિંમત કરતા વધુ ભાવ વસૂલતા દુકાનદારો-વેપારીઓ અને મેનુ કાર્ડમાં વસ્તુનું વજન, માપ અને સંખ્યા નહીં દર્શાવનાર વલસાડની ખોડિયાર હોટલ, ક્રિષ્ના હોટલ, ગુજ્જુભાઈ રેસ્ટોરન્ટ અને પુરોહિત ઢાબા સામે પણ કાર્યવાહી કરાઈ હતી.

  • ગ્રાહકોને લૂંટતા દુકાનદારો – હોટલ સંચાલકો સામે કાર્યવાહી
  • મેનુમાં વજન, માપ અને જથ્થો દર્શાવ્યો ન હતો, 6445 એકમમાંથી 382માં ગેરરીતિ ઝડપાઈ
  • દુકાનદાર-વેપારીઓ પણ ગ્રાહકો પાસેથી છાપેલી મહત્તમ કિંમત કરતા વધુ કિંમત વસૂલતા પકડાયા
  • શ્રીખંડ પર રૂ.10 અને દૂધ-છાશના પાઉચ પર રૂ. 1 વધુ લેવાતા હતા
  • વલસાડની ખોડિયાર, ક્રિષ્ના, પુરોહિત, ગુજ્જુભાઈ રેસ્ટોરન્ટ સહિતની હોટલ – ઢાબા પર રેડ

વલસાડ જિલ્લામાં ઉત્પાદકો અને પેકર દ્વારા દર્શાવવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા જુદી-જુદી વસ્તુઓ ઉપર વધુ ભાવ લેવા બાબતે મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા 6445 એકમમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાંથી 382 એકમ સામે વિવિધ કાયદા અને નિયમના ભંગ બદલ કાર્યવાહી કરી રૂ. 3,70,850નો દંડ વસૂલ કરાયો હતો. આ સિવાય 23 એકમ સામે કાર્યવાહી પણ કરાઈ હતી.

આ હોટલ – દુકાનદારો પર કાર્યવાહી કરવામાં આવી
મે 2022 દરમિયાન હાઈવે પર હોટલોની ચકાસણી કરતા પુરોહિત ઢાબા હોટલ, પારનેરા- વલસાડ, ગુજ્જુભાઈ રેસ્ટોરન્ટ-વલસાડ, ખોડિયાર હોટલ અબ્રામા, વલસાડ અને હોટલ ક્રિષ્ના અટકપારડી-વલસાડમાં તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલના મેનુકાર્ડમાં વસ્તુનું વજન, માપ અને જથ્થો દર્શાવ્યો ન હતો. આ સાથે જ તિથલ રોડની ગોવા ડ્રાઈફ્રુટ સેન્ટર, સિવિલ રોડની મધુર બેકરી અને ફરસાણમાં ગેરરીતિ જણાઈ હતી. વલસાડની સૂર્યવંશી પ્રોવિઝન સ્ટોર સામે દૂઘના પાઉચમાં રૂ. 1 વધુ ભાવ લેવા અંગે, વલસાડ સિવિલ રોડની રાધેક્રિષ્ના બેકરી સામે શ્રીખંડના પેકેટ ઉપર રૂ. 5 વધુ લેવા અંગે, ધરમપુરના મોટા બજારની દિનેશ કોલ્ડ્રીંક્સમાં શ્રીખંડના પેકેટ ઉપર રૂ.10 વધુ ભાવ લેવા અંગે તથા મનસુખભાઈ કે. ભાનુશાલીની દુકાનમાં દુધ, છાસના પેકેટ પર રૂ.1 વધુ ભાવ લેવા અંગે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ અન્વ્યે કુલ 10 એકમ સામે કાર્યવાહી કરી રૂ. 21,000 દંડ વસૂલ કરાયો હતો. કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા માર્ચ 2022 સુધી વિવિધ એકમોના ચકાસણી મુદ્રાંકન કરી 1,17,74,164ની ફી વસૂલ કરાઈ હતી.

કોઈ વેપારી વધુ ભાવ લે તો ફરિયાદ કરી શકાય
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા જણાવાયું છે કે, કોઈપણ વેપારી એકમ દ્વારા ઉત્પાદક કે પેકર દ્વારા દર્શાવેલી મહત્તમ વેચાણ કિંમત (એમઆરપી બધા કરવેરા સાથે) કરતા વધુ ભાવ લેવામાં આવતો હોવાનું જણાય તો કચેરીના ઈમેઈલ આઈડી aclm-vld@gujarat.gov. in તથા કચેરીનો ફોન નં. 248764 ઉપર ફરિયાદ કરી શકાય છે. વેપારી એકમોએ તેઓના કાંટા-વજનો ઈલેકટ્રોનિક સ્કેલ રીપેરીંગ કાનુની માપ વિજ્ઞાન વિભાગના માન્ય દુરસ્તીકારો પાસે લાઈસન્સ નંબર સાથેનું પાકુ બીલ લઈ કરાવવા તેમજ આ વિભાગના લાઈસન્સ વગરના વ્યક્તિઓ પાસે કરાવવું નહીં.

Most Popular

To Top