Dakshin Gujarat

વલસાડ: પિતાએ ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવાની ના પાડતા કિશોરી ઘર છોડીને ચાલી ગઈ

વલસાડ: (Valsad) વલસાડમાં ઇન્સ્ટાગ્રામને કારણે કિશોરીએ (Girl) ઘર છોડી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અભ્યાસને નેવે મુકીને સતત મોબાઇલમાં રત રહેતા કિશોર અને કિશોરીઓને ટોકવું મુશ્કેલ બન્યું છે. આવું જ કંઇ વલસાડ નજીકના એક ગામમાં બન્યું છે. પોતાની 15 વર્ષની કિશોરી સતત ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ચેટ કરતી હોય પિતાએ તેને ઠપકો આપી મોબાઇલ લઇ લીધો હતો. જેના પગલે કિશોરીને માઠું લાગી આવતા તે ઘર છોડીને જતી રહી હતી.

  • પિતાએ ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવાની ના પાડતા કિશોરી ઘર છોડીને ચાલી ગઈ
  • પિતાએ સતત મોબાઇલમાં લાગી રહેતી પોતાની પુત્રી પાસેથી મોબાઇલ લઇ લીધો હતો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીકના એક ગામમાં રહેતી અને બાજુના ગામની સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી એક કિશોરી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં સતત ચેટ કરતી રહેતી હતી. તેની આ ચેટ કરવાની આદતની જાણ પિતાને થતાં તેમણે તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. જેના પગલે આ કિશોરીને ખૂબ આઘાત લાગ્યો હતો અને કિશોરી કોઇને પણ કહ્યા વિના ગતરોજ ઘરેથી જતી રહી હતી. જેની ભારે શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતાં તેના પિતાએ આ સંદર્ભે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કિશોરી સગીર વયની હોય પોલીસે બનાવ સંદર્ભે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધરમપુરમાં પોલીસે 4 જુગારીને ઝડપી પાડ્યા
ધરમપુર: ધરમપુરમાંથી પોલીસે બાતમીના આધારે 4 જેટલાં જુગારીને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધરમપુરના કોઠી ફળીયા ખાતે ખુલ્લા મેદાનમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની બાતમી ધરમપુર પોલીસને મળતાં પોલીસે બાતમીના આધારે કોઠી ફળીયા ખાતે ખુલ્લા મેદાનમાં રેડ પાડી હતી. પોલીસને જોઇ ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે પેડ તથા કાપલીઓ સાથે બેસેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે વરલીમટકાનો જુગાર રમી રમાડતાં કાપલી લખનારા ધરમપુર ગાર્ડન રોડના દિપક માછી,કોઠી ફળીયાનાં રહીશ આકાશ દંતાણી, ભરતભાઈ દંતાણી અને તોફીક રફીક મેમણ પાસેથી જુગારીના રૂ.રોકડા 2500 તથા મોબાઈલ કિં.3500 મળી કુલ રૂ.6000નો મુદામાલ સાથે પોલીસે ચારેય જુગારીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top