Dakshin Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોતાના હોમ ટાઉન વલસાડ જશે, અહીં પોતાનાં ભૂતકાળને વાગોળશે

વલસાડ: (Valsad) વલસાડમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વલસાડની નગરચર્યાએ નિકળશે. જેમાં તેઓ પોતાની સ્કૂલો, જૂનું ઘર અને જૂના મિત્ર કેતન શાહ અને જયનીશ શાહના ઘરની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ વાણિયાવાડની ગલીઓમાં પોતાના ભૂતકાળને વાગોળશે.

  • દાદા 14મીએ વલસાડની નગરચર્યા કરશે, વાણિયાવાડની ગલીઓમાં ભૂતકાળને વાગોળશે
  • જૂના મિત્રો શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સના કેતન શાહ અને જયનીશ શાહના ઘરની મુલાકાત લેશે
  • જૂનું ઘર, જૂની સ્કૂલો અને સખાઓ સાથે રમતાં હતાં તે ગલી-મહોલ્લામાં પણ ફરશે, દાદાને આવકારવા અનેર થનગનાટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વલસાડમાં 14મી ઓગષ્ટના રોજ આવશે. ત્યારે તેઓ પહેલાં વલસાડની બાઇ આવાંબાઇ સ્કૂલની મુલાકાત લેશે. ત્યારબાદ તેમનો કાફલો પાઠશાળા મેદાન સ્થિત મુખ્ય કુમારશાળામાં પહોંચશે. ત્યારબાદ તેઓ પોતાના જૂના ઘરના વાણિયાવાડ વિસ્તારમાં નગરચર્યા માટે નિકળશે. આ દરમિયાન તેઓ બાળપણમાં જ્યાં રમતા હતા એ ગલીઓમાં ફરી જૂની યાદો તાજી કરશે અને પોતાના જૂના ઘરની મુલાકાત લઇ પોતાના મિત્ર કેતન શાહ અને તેમના બંધુ જયનીશ શાહના જૂના ઘરે મહેમાન પણ બનશે.

ભુપેન્દ્રભાઇની વાણિયાવાડની મુલાકાતને લઇ સમગ્ર મહોલ્લામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ મુખ્યમંત્રીને આવકારવા માટે થનગની રહ્યા છે. તેમની મુલાકાત પહેલાં આ મહોલ્લામાં પોલીસ અને વહીવટી તંત્રના રસાલાની ભારે દોડધામ ચાલી રહી હોય સ્થાનિકોમાં એક અનોખી તાલાવેલી પણ જોવા મળી રહી છે.

વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો થનગનાટ
વલસાડ: 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થવાની હોઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે વલસાડના ધમડાચી નવી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. વાપી ખાતે પુરુષ અધ્યાપન મંદિર ખાતે વલસાડની ગરિમાને ઉજાગર કરતા ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો લ્હાવો અનેરો બની રહેશે. પર્વને અનુલક્ષીને સરકારી કચેરીઓ તથા જાહેર માર્ગોને રોશનીથી શણગારી દેવાયા છે. જાહેર માર્ગોને પણ શણગારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકોમાં આઝાદી પર્વની ઉજવણી માટે અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરોને પણ રોશનીથી સજાવી રહ્યા છે.

Most Popular

To Top