Dakshin Gujarat

વલસાડના બુટલેગર કિશન મારવાડીએ ખાડી કિનારે સંતાડેલો 2.70 લાખનો દારૂ પોલીસે પકડી પાડ્યો

હથોડા: નવી બનેલી વેલાછા પોલીસ ચોકીની હદના કઠવાડા ગામની સીમમાં બુટલેગરો (Bootlegger) દ્વારા મોટા પાયે દારૂનો વેપલો ચાલી રહ્યો છે. અને અવારનવાર દારૂ (Alcohol) પકડાઈ રહ્યો છે. તાજેતરમાં વિજિલન્સે રૂપિયા સવા પાંચ લાખનો ઇંગ્લિશ દારૂ પકડ્યાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં તો કોસંબા પોલીસે (Police) શનિવારે વલસાડના બુટલેગર કિશન મારવાડીએ સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

  • વલસાડના બુટલેગર કિશન મારવાડીએ કઠવાડામાં ખાડી કિનારે સંતાડેલો 2.70 લાખનો દારૂ મળ્યો
  • વલસાડના બુટલેગરે કઠવાડામાં કયા પ્રકારે દારૂ ઘુસાડવાની જાળ બિછાવી અને માલનો જથ્થો કોણે મંગાવ્યો હતો

પોલીસે બાતમીના આધારે વલસાડના બુટલેગર કિશન મારવાડીએ કઠવાડા ગામની સીમમાં ખાડી કિનારે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે, તેવી બાતમી કોસંબા પોલીસમથકના પી.આઈ. એચ.બી.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંતને મળી હતી. આ બાતમીના આધારે ₹2,67,000નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગર કિશન મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વલસાડ અને કઠવાડા ગામનો અંતર 70થી 80 કિલોમીટરનું છે એટલે વલસાડના બુટલેગરે કઠવાડામાં કયા પ્રકારે દારૂ ઘુસાડવાની જાળ બિછાવી અને માલનો જથ્થો કોણે મંગાવ્યો હતો એ દિશામાં પણ કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે. કઠવાડા ગામની સીમમાં બુટલેગરોનો વારંવાર ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે. મોટી માત્રામાં ઇંગ્લિશનો દારૂનો વેપલો કરનાર બુટલેગરને પોલીસ પાસાના સાણસામાં ફિટ કરે એવી વિસ્તારની જનતાની માંગ છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા
ભરૂચ: અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ગોલ્ડન બ્રિજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમનો પીછો કરી ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ ગોલ્ડન બ્રિજ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન મોપેડ નં.(જીજે-૧૬-ડીએલ-૪૯૫૭) આવતાં પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં મોપેડસવારોએ વાહન પૂરપાટ ઝડપે હંકારી મૂક્યું હતું. આ બંને ઈસમ ઉપર પોલીસને શંકા જતાં પોલીસે મોપેડ સવારોનો પીછો કરી તેઓને અટકાવી તપાસ કરતાં તેઓ પાસેથી વિદેશી દારૂની ૭૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને બે ફોન મળી કુલ ૧૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચના ભીડ ભંજનની ખાડીમાં રહેતા પ્રવીણ કાલિદાસ વસાવા અને રાહુલ મહેશ વસાવાને ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top