Gujarat

જર્મની સ્થિત યુફિઝીઓ કંપની વલસાડને પોતાનું વડું મથક બનાવી 80 દેશોમાં સેવા આપી રહી છે

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની યુફિઝીઓએ વલસાડને પોતાનું વડું મથક બનાવ્યું અને આવા નાના ટાઉનથી આ કંપનીએ વિકાસની હરણફાળ ભરી 80 થી વધુ દેશોમાં પોતાની સેવા વિસ્તારી છે. આ સાથે તેમણે દુબઇમાં પોતાની એક બ્રાન્ચ ઓફિસ પણ શરૂ કરી છે. ત્યારે વિકાસ માટે સ્થળ નહી, પરંતુ એક પેશન હોવી જરૂરી હોવાનું ફલિત થઇ રહ્યું છે.


વલસાડના યુવાન તુષાર ભગતે જર્મન આઇટી નિષ્ણાત હેલ્મટ ઓટો સાથે વલસાડમાં યુફિઝીઓ કંપનીની સ્થાપના કરી. શરૂઆતમાં એક નાનકડા ફ્લેટથી શરૂ થયેલી આ કંપની આજે તેમની ધરમપુર રોડની ભવ્ય કોર્પોરેટ ઓફિસમાં પરિણમી છે. આ સાથે તેમણે પોતાની સેવા ભારતથી વધારીને યુરોપ, અમેરિકા, આફ્રિકા અને એશિયા મળી કુલ 80 દેશોમાં પોતાના ગ્રાહકો બનાવ્યા છે. યુફિઝીઓ એક વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ બનાવતી આઇટી કંપની છે. તેમનું વ્હિકલ ટ્રેકિંગનું સોફ્ટવેર અન્ય કંપનીના સોફ્ટવેર કરતાં એટલું સચોટ અને એડવાન્સ છે કે, ભારતના અનેક રાજ્યોની સરકાર વિવિધ ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી રહી છે.


તેમના વ્હીકલ ટ્રેકિંગ સોફ્ટવેર(વીટીએસ/જીપીએસ)નો ઉપયોગ અનેક રાજ્યોની પોલીસ, એમ્બ્યુલન્સ, તબિબિ સેવામાં થઇ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આ સિસ્ટમનો સફળ ઉપયોગ વેસ્ટ મેનેજમેન્ટ માટે અને રેલવેની વિવિધ સુવિધા માટે થઇ રહ્યો છે. જે તેમની મહત્વની ઉપલબ્ધી બની રહી છે. બસમાં મહિલાઓની સુરક્ષા માટે તેમના દ્વારા એક રાજ્ય સાથે તેમની બસ સુવિધામાં અનોખું સોફ્ટવેર નાખ્યું છે. જેમાં કેમેરા તેમજ આપાતકાલિન સ્વીચ અને લોકેશન ટ્રેકિંગ સાથે સોફ્ટવેર કામ કરશે. યુફિઝીઓ દ્વારા આ પ્રોજેક્ટમાં વલસાડના યુવાનોનું મહત્વનું યોગદાન છે. આ આઇટી કંપનીની વિશેષતા એ છે કે, તેમના દેશ વિદેશના મોટા મોટા પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના શહેરથી લઇ ગામડાના યુવાનો થકી જ તૈયાર છે.
યુફિઝીઓનો વિકાસ કોઇ પણ ફંડિંગ વિના થયો છે


સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આઇટીની સેવા આપતી કંપનીઓ રોકાણકારો પાસેથી ફંડ લઇ કંપનીનું વિસ્તરણ કરે છે, પરંતુ વલસાડની યુફિઝીઓ કંપની કોઇ પણ ફંડ વિના એક જાયન્ટ તરીકે ઉભરી આવી છે. અત્યાર સુધી તેઓ પોતાના જ ફંડ થકી આંતરાષ્ટ્રીય બજારમાં કાર્યરત બની છે.


અનેક દેશની સરકાર સાથે પ્રોજેક્ટ કાર્યરત
વલસાડની આઇટી કંપની યુફિઝીઓએ દેશના અનેક રાજ્યની સરકાર સાથે વિવિધ પ્રોજેક્ટ કર્યા છે. જોકે, તેમનો વિકાસ ત્યાંથી નહી અટકી હવે તેઓ અન્ય રાજ્ય નહી, પરંતુ અન્ય દેશોની સરકાર માટે પણ અનેક મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે. યુરોપ એશિયાના અનેક દેશો સાથે તેમણે મોટા પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે અને પોતાની આઇટીની સેવા ત્યાં પુરી પાડી રહી છે.

Most Popular

To Top