Gujarat

વડોદરા બોટ દુર્ઘટના: કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીઓની પણ જવાબદારી છે- હાઈકોર્ટ

અમદાવાદ: વડોદરાના હરણી હોડી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરા મનપા અને તંત્રને આકરી ફટકાર લગાવતા નોંધ્યું હતું કે, હંમેશા દુર્ઘટના બાદ જ કેમ તંત્ર જાગે છે? મનપા કોન્ટ્રાક્ટ આપીને શું ધ્યાન રાખે છે ? કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારીઓની પણ જવાબદારી છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે વડોદરા મનપા કમિશ્નરને નોટિસ આપી ત્રણ અઠવાડિયામાં સમગ્ર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.

  • વડોદરા હોડી દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીઓની પણ જવાબદારી છે: હાઈકોર્ટ
  • દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે? વડોદરા મનપાને નોટિસ, ત્રણ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ

વડોદરા બોટ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો ઉપર સુનાવાણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટ દ્વારા આ મામલે કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે વેધક સવાલો કરતા કહ્યું હતું કે, બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરવામાં આવી? તેનો મનપા દ્વારા ખુલાસો કરવો પડશે. કેવી રીતે કોન્ટ્રાક્ટ ઓપરેટ થઈ રહ્યો હતો, તમે બધી વસ્તુ બરાબર કરી હશે, પણ આમ કેમ બન્યું? તે જાણવા માગીએ છીએ. કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહીં? માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે. મનપામા સુપરવિઝનનો અભાવ જણાય છે, વડોદરા મનપા કમિશનર વ્યક્તિગત સોગંદનામુ દાખલ કરે.

ગુજરાત હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, આ માત્ર વડોદરાની હરણી તળાવની ઘટના પૂરતો સીમિત નથી રહ્યો. રાજ્યના તમામ તળાવ અને સરોવરો તેમજ જળાશયોની સ્થિતિની ચોક્કસ તપાસ કરાવવામાં આવે. રાજ્યની તમામ શાળાઓ માટે સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન જાહેર કરવામાં આવે. સ્કૂલ પ્રવાસ અંગે હાઇકોર્ટે કહ્યું હતું કે શાળાઓ દ્વારા પ્રવાસ યોજાય ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે. જ્યારે પણ પ્રવાસન સ્થળ પર વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે ત્યારે સ્કૂલના સત્તાવાળાઓએ ખાસ ધ્યાન રાખે.

એડવોકેટ જનરલએ સરકાર તરફથી કહ્યું હતું કે, આ અંગેનો 2017માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં આવી પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યાં જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે. તેમજ રાજ્યમાં બધી જગ્યાએ બોટિંગ બંધ કરાવવામાં આવ્યું છે.

Most Popular

To Top